રાજસ્થાનથી ઈકો કારમાં શુક્રવારે રાત્રે ડીસા પરત આવી રહેલાં ડીસાના મરચાંના વેપારીને ઝેરડા નજીક મુસાફરના સ્વાગમાં બેઠેલા બે યુવકોએ વેપારીને છરો બતાવી રૂ.7.53 લાખની લૂંટ ચલાવી હતી. જે કેસમાં ડીસા તાલુકા પોલીસે શનિવારે આઠ વાગ્યાની આસપાસ પાંચ આરોપીઓને ડીસાના લુણપુર થી દબોચી લીધા હતાં.
ડીસા શહેરના હવાઈ પિલ્લર સામે આવેલ બરોડા બેન્કની પાછળ આવેલ ઓમ પાર્કમાં રહેતા રસીકભાઈ કાંતિલાલ ચોખાવાળા (મોદી) છેલ્લાં દોઢેક વર્ષથી ડીસાની જીઆઈડીસી વિસ્તારમાં આવેલી મરચાંની ફેકટરીઓમાંથી 25-25 કિલોના કટ્ટા ખરીદી દરરોજ ઈકો ગાડીમાં રાજસ્થાનના અલગ-અલગ ગામડાઓમાં છુટક મરચાંનું વેચાણ કરે છે. શુક્રવારે સવારે રસીકભાઈ નિત્યક્રમ મુજબ પોતાના ઘરેથી ડીસાના લુણપુર ગામના શામતુજી દરબારની જીજે-38-બીબી-7040 નંબરની ઈકો ગાડીમાં મરચાંના કટ્ટા ભરી રાજસ્થાન સાંચોર, શિવાડા, ચીતસલવાણા, ગાધવ, હેલીવાવ, વેડીયા, ડુગરી અને બાકાષર સુધી ગયા હતાં.
ત્યારબાદ તેઓ પરત આવતી વખતે રાજસ્થાનના વેડીયાના વેપારી રમજાન રાણેખાને પોતાના 7 લાખ રૂપિયા રોકડા ડીસા માર્કેટયાર્ડ ખાતે આવેલી હિન્દુસ્તાન નામની પેઢીમાં આપવા માટે રસીકભાઈ ચોખાવાલાને આપ્યાં હતાં. આ ઉપરાંત તેમની પાસે રૂ.50,650 ઉઘરાણીના મળી કુલ રૂ.7,52,150 લઇ ડીસા આવવા માટે રવાના થયા હતાં. ઈકો ગાડી ધાનેરાથી ડીસા તરફ આવતાં પુલના છેડે ઉભેલા બે યુવકોએ હાથ કરતાં ઈકો કારના ચાલકે ગાડી ઉભી રાખતાં બન્ને જણા ગાડીમાં બેસી ગયા હતાં.
જો કે, ઝેરડા નજીક આવતાં ઈકો કારના ચાલકે લઘુસંકા કરવા ગાડી ઉભી રાખતાં પેસેન્જરના સ્વાગમાં બેઠેલા બે યુવકોએ વેપારી રસીકભાઈને ગળાના ભાગે છરો બતાવી પૈસા આપવા જણાવ્યું હતું. જે દરમિયાન અંગુઠાના ભાગે ઈજા થતાં લોહી નિકળતા ઈકો કારનો ચાલક ગભરાઈ ગયો હતો અને બૂમાબૂમ કરતાં બન્ને યુવકોએ અવાજ નહી કરવા અને પૈસા સહિતની ચીજવસ્તુઓ આપી દેવા જણાવી રૂ.7.53 લાખનો મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતાં.
આ અંગેની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ આસપાસમાં તપાસ હાથ ધરી હતી. જો કે, વેપારી રસીકભાઈ ચોખાવાલાએ ડીસા તાલુકા પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો સામે રૂ.7,52,150 રોકડ તેમજ રૂપિયા એક હજારની કિંમતના બે મોબાઈલ મળી કુલ રૂપિયા રૂ.7,53,150 ની લૂંટની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ એમ.જે.ચૌધરી ચલાવી રહ્યાં છે.
ડીસા તાલુકા પોલીસે 7.53 લાખની લૂંટ માં સંડોવાયેલા પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા હતાં તેમજ લૂંટમાં વપરાયેલ છરો, મોબાઈલ તેમજ રૂપિયા 6.93 લાખ રોકડા કબજે કર્યા હતાં. ઈકો કાર અને રિક્ષાને કબજે લેવામાં આવી હતી.
ઝડપાયેલા લૂટારા
- શામતુજી ઉર્ફે પિન્ટુ ચેહુજી દરબાર
- દિપાજી ભારમલજી સોલંકી
- વિરચંદભાઈ ઉર્ફે વિક્રમભાઈ મંછાભાઈ પરમાર
- સિધ્ધરાજજી ભારમલજી સોલંકી
- રમેશભાઈ હરજીભાઈ રાવળ (તમામ રહે.લુણપુર, તા.ડીસા)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.