ડીસા તાલુકાના દામા ગામ પાસે ખેતરમાં રહેતા ભાગીયાની સગીર દીકરી સાથે ખેતર માલિક અને તેના મિત્રએ દુષ્કર્મ આચરતા ડીસા તાલુકા પોલીસ મથકે બંને શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. દામા ગામ પાસે આવેલ ખેતરમાં ભાગીયા તરીકે રહેતાં પરિવારની 15 વર્ષની સગીર દીકરી ત્રણેક માસ અગાઉ પોતાના ઘરે એકલી હતી ત્યારે ખેતર માલિક ભરત પરખાજી માળીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેણે સગીરાને ધાક-ધમકી આપી હતી.
જેથી સગીરાએ ડરના માર્યા આ વાત કોઈને ન જણાવતાં ફરીથી ભરત પરખાજી માળી અને તેના મિત્ર શંભુદાન ગઢવીએ એકલતાનો લાભ લઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બંને શખ્સોએ સગીરાને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સગીરાએ આખરે પરિવારજનોને આ વાત જણાવતા પરિવારજનોએ જિલ્લા પોલીસ વડા અને મહિલા પોલીસને જણાવતા બંને શખ્સો ભરત પરખાજી માળી અને શંભુદાન ગઢવી સામે ડીસા તાલુકા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.