નાનાજી દેશમુખ બગીચાનો વિવાદ:એક માસમાં ડીસામાં બગીચો શરૂ નહી થાય તો પાલીકાના પૂર્વ પ્રમુખે ગાંધીનગર ધરણાં પર બેસવાની ચીમકી આપી

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા નગરપાલીકા દ્વારા 2.50 કરોડના ખર્ચે બનાવેલ નાનાજી દેશમુખ બગીચાનો વિવાદ ફરી વકર્યો

ડીસા શહેરની જનતા માટે નગરપાલિકા દ્વારા રૂ.2.50 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ નાનાજી દેશમુખ બાગ છેલ્લાં ત્રણ વર્ષથી વિવાદના કારણે બંધ હાલતમાં છે. ત્યારે એક મહિનામાં બગીચાની સમસ્યા ઉકેલવામાં નહી આવે આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ડીસા શહેરના હવાઈ પિલ્લર મેદાનમાં ડીસા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ પ્રવિણ ગોરધનજી માળી દ્વારા રૂપિયા 2.50 કરોડ ઉપરાંતના ખર્ચે અદ્યતન સુવિધાસભર નાનાજી દેશમુખ બાગ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ભાજપના કેટલાંક આગેવાનોના આંતરિક વિખવાદના કારણે બગીચો શરૂ થાય તે અગાઉ જ વિવાદમાં સપડાયો છે.

ત્રણ વર્ષથી બગીચો શરૂ ન થતાં ફૂલછોડ સહિતના રોપાઓ નષ્ટ થઇ ગયો છે.તથા લીલા ઝાડો નષ્ટ થવાના આરે છે. અને ઉજ્જડ બની ગયો છે તેમજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. પ્રજાના પૈસાથી બનેલો બગીચો જલદીથી શરૂ થાય તે માટે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલકુમાર ભોગીલાલ શાહ મેદાનમાં આવ્યાં છે. તેઓએ આગામી એક મહિનામાં બગીચો શરૂ કરવા માટે અલટીમેટમ આપ્યું છે અને જો બગીચો શરૂ નહીં થાય તો ગાંધીનગર મુખ્યમંત્રી ઓફીસ આગળ ધરણાં પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

આમ આદમી પાર્ટી દ્વારા પણ રજૂઆત કરાઇ હતી
પ્રજાના પૈસાથી બનેલો બગીચો આજે ઉજજડ વન જેવો બની ગયો છે. નગરજનો બગીચો ખુલે તેની રાહ જોઈ રહી છે. અમોએ પણ બગીચો ખોલાવવા માટે અનેકવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

બગીચા અંગેની રજૂઆત મળી છે
ડીસા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ બગીચો બંધ હાલતમાં છે. જે બગીચો ચાલુ કરવા માટે વિરોધ પક્ષ સહિતનાઓએ રજૂઆત કરી છે. જેથી ચીફ ઓફીસર પાસેથી દસ્તાવેજ સહિતના પાસાઓની ચકાસણી કરી કાયદાકીય રીતે જોગવાઈ મુજબ રસ્તો કાઢીશું તેમ વિકાસ કમિશ્નર ડી.કે.પારેખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...