કાર્યવાહી:ડીસાના બેકરી કૂવાવ્હોળા વિસ્તારમાં ઝઘડાની અદાવત રાખી ગૌસ્વામી પરિવાર પર હુમલો

ડીસા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન પર પથ્થરમારો કરી, દાગીના અને રોકડ રકમ લઇ ગયાનો આક્ષેપ

ડીસા શહેરના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે 20 થી વધુ લોકોએ જૂના ઝઘડાની અદાવતમાં ગૌસ્વામી પરિવાર પર તિક્ષ્ણ હથીયારો અને પથ્થર વડે હુમલો કર્યો હતો. પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ આ તમામ લોકો હુમલો કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પરિવારએ સોના-ચાંદીના અને રોકડ પણ લઇ ગયાનો આક્ષેપ કર્યો હતો.

ડીસા શહેરના જુના બસ સ્ટેશન નજીક આવેલ બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં રહેતા જબૂબેન ગણેશપુરી ગૌસ્વામી બુધવારે મોડી રાત્રે પોતાના પરિવાર સાથે ઘરે બેઠા હતા. ત્યારે જૂના ઝઘડાની અદાવતમાં ઘર પર 20 થી પણ વધુ લોકોએ હુમલો કર્યો હતો. જેમાં હુમલા દરમિયાન આ તમામ લોકો તલવાર, ધોકા અને છરા લઈને આવતા ગૌસ્વામી પરિવાર એક રસોડાની અંદર પુરાઇ ગયો હતો. જેથી આ તમામ લોકોએ તેમના મકાન પર સોડાની બોટલો અને પથ્થર વડે હુમલો કરી મકાનમાં પડેલ તમામ માલસામાનને નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલાને લઇ આજુબાજુના લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો હતો.

અસામાજિક તત્વો દ્વારા તેમના પતરાના મકાન પર પથ્થરમારો કરતાં તેમના મકાનના પતરા પણ તોડી દીધા હતા. જે બાદ બહાર પડેલો સામાન પણ ધોકા અને તલવારો મારી તોડી નાખવામાં આવ્યો હતો. આ અંગેની જાણ ડીસા શહેર ઉત્તર પોલીસને કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. આ તમામ લોકો ત્યાંથી ભાગી છૂટયા હતા.

આ અંગે જબૂબેનએ જણાવ્યું હતું કે, ‘અમારા મહોલ્લાના કેટલાક શખસો દ્વારા અમારી ઉપર હુમલો કરી અમારા ઘરમાં તોડફોડ કરી હતી. તેમજ ઘરમાંથી દીકરીના દાગીના, બુટ્ટી, કંદોરો, બે વિટ્ટી, દીકરીની સાસરીના દાગીના સહિત રોકડ રકમની લૂંટ કરી ગયા હતા.’ જો કે, આ ઘટના અંગે મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નહતી.

અન્ય સમાચારો પણ છે...