દેશભરમાં બટાકા નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડીસા સહિત બનાસકાંઠા જીલ્લામાં કમોસમી વરસાદથી હવામાનમાં પલટો આવતાં બટાકામાં સુકારાના રોગે દેખા દેતા ઉત્પાદન ઉપર અસર થવાની શકયતાઓથી ખેડૂતો ચિતિંત બન્યાં છે.
જીલ્લામાં કેટલાક દિવસોથી બદલાયેલા વાતાવરણ વચ્ચે અનેક સ્થળો પર કમોસમી વરસાદ થતા ખેતીના પાકોને વ્યાપક નુકશાન થયું છે. જેમાં ડીસા પંથકમાં બટાકાના પાકમાં સુકારાના રોગે દેખા દેતા ખેડૂત વર્ગ માટે ચિંતાનો માહોલ સર્જાયો છે. જીલ્લામાં બટાકાનું 58,902 હેકટર જમીનમાં વાવેતર થયેલ છે. બટાકાનું વાવેતર સમયે થયેલા કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધતા બટાકાનો પાક ખીલી ઉઠ્યો હતો. પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી ફરી એકવાર વાતાવરણમાં આવેલા પલટાને કારણે બટાકાના ઉભા પાકને અસર થવા પામી છે.
ડીસા પંથકમાં બટાકાના પાકમાં ચરમી અને સુકારાના રોગની અસર દેખાતા ખેડૂત વર્ગમાં ચિંતા જોવા મળી રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી થયેલા વરસાદ અને વાદળછાયા વાતાવરણથી ખેતીના પાકોને મોટું નુકસાન થયું છે.
ભુખરા બદામી રંગના પાંદડા જોવા મળે
બટાકાના ઉભા પાકમાં શરૂઆતમાં નીચેના પાન પર છુટાછવાયા નાના ભુખરા બદામી રંગનાં ટપકાં જોવા મળે છે. જે અનિયમિત વર્તુળાકારના હોય છે. રોગની માત્રા વધતાં આવા અસંખ્ય ટપકાં ભેગા થાય છે અને આખા છોડ પર ફેલાય છે. પરીણામે પાન સુકાવા લાગે છે. આવા ટપકાં થડ પર પણ જોવા મળે છે જેને આગોતરો સુકારો કહેવાય છે. અસર પામેલ છોડની ડાળીઓ સુકાઇ જાય છે. જેથી બટાટાના ઉત્પાદન પર માઠી અસર થાય છે.
સુકારો દેખાય તો દવાનો છંટકાવ કરવા ભલામણ
બટાકામાં સુકારાના રોગ સામે શરૂઆતે કલોરોથેલોનીલ દવા 10 લીટર પાણીમાં 15 ગ્રામ ઉપરાંત મેન્કોઝેબ + પાયરોકલોસ્ટ્રોબીનમના કોમ્બિનેશન દવા 23 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવાથી સુકારાના રોગ સામે રક્ષણ મળે છે તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના ડૉ.યોગેશ પવારે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.