શિક્ષકની પ્રામાણિકતા:ડીસાના વાઘપુરાના શિક્ષકે 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ ભરેલી મળેલી બેગ મૂળ માલિકને પરત કરી

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ-ભીનમાલ બસમાં મુસાફર થેલો ભુલી ઉતરી ગયા
  • ડીસા બસ સ્ટેશનમાં એસટી કર્મચારીઓ સાથે રાખી મૂળ માલિકને થેલો પરત કર્યો

ડીસાની વાઘપુરા પ્રાથમિક શાળાના શિક્ષકને અમદાવાદ ભીનમાલ એસટી બસમાંથી દાગીના અને રોકડ રકમ સહિત રૂપિયા 1.70 લાખ ભરેલો થેલો મળી આવ્યો હતો. જેથી શિક્ષક દ્વારા ડીસા બસ સ્ટેશનમાં એસટી કર્મચારીઓ સાથે રાખી મૂળ માલિકને થેલો પરત કરી ઈમાનદારીના દર્શન કરાવ્યા હતાં.

ડીસા તાલુકાના લોરવાડા (વાઘપુરા) ગામની પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા ગોવિંદજી સાદુળજી ઠાકોરને અમદાવાદ ભીનમાલ બસમાંથી એક કિંમતી સામાન ભરેલો થેલો બિનવારસી નજરે પડ્યો હતો. આથી શિક્ષક ગોવિંદજી ઠાકોરે ડીસા ડેપો ખાતે ફરજ પરના ટ્રાફીક કંટ્રોલર ઘાસુરાભાઇ તેમજ આર.કે.દેસાઇ પાસે સામાન ભરેલો થેલો જમા કરાવતા અધિકારીઓની હાજરીમાં થેલો ચેક કરતા દાગીના તથા અગત્યના ડોક્યુમેન્ટ અને રોકડ સહિત રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

ડોક્યુમેન્ટના આધારે થેલાના મુળ માલિક સીમાબેન ગંગાધર (રહે.નાગપુર) નો સંપર્ક કરીને તેમની વસ્તુઓ પરત કરી હતી. આમ એક શિક્ષકની ઇમાનદારી અને એસટી કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...