ફરિયાદ:ડીસાના માલગઢ ગામે પ્લોટ ખાલી કરાવવા ધમકી આપીને મારમાર્યો

ડીસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મહિલા સહિત ચાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોધાઇ

ડીસા તાલુકાના માલગઢની કુંડાવાળી ઢાણી ખાતે ગ્રામ પંચાયત દ્વારા ફાળવાયેલ પ્લોટ ખાલી કરવા માટે ધમકી આપી માર મારવા મુદ્દે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. માલગઢના કુંડાવાળી ઢાણી ખાતે રહેતા હિતેન્દ્ર છોગાજી માળી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2008-09 માં માલગઢ ગ્રામ પંચાયત દ્વારા પ્લોટ નં.399 ની ફાળવણી તેમના પિતાના નામે કરવામાં આવી હતી. જો કે મંગળવારે રાત્રીના દસેક વાગ્યાની આસપાસ તેઓ જમીને પરિવાર સાથે ઘરે બેઠા હતા.

તે દરમિયાન જુના માલગઢ ગામના કપુરજી અમરાજી ઠાકોર હાથમાં ધોકો લઈ નીતાબેન કપુરજી ઠાકોર, કનુભાઈ કપુરજી ઠાકોર અને વિનાબેન કપુરજી ઠાકોર ત્યાં આવેલા અને હિતેન્દ્રભાઈને કહેવા લાગેલ કે આ પ્લોટ ખાલી કરી જતા રહો અહીંયા ઠાકોર સિવાય કોઈને રહેવા દેવાના નથી.

જેથી હિતેન્દ્રભાઈએ કહેલ કે આ પ્લોટ ગ્રામ પંચાયત દ્વારા મારા પિતાને ફાળવવામાં આવેલ છે તેમ કહેતા આ તમામ ઉશ્કેરાઇ ગયા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતાં અને અપશબ્દો બોલવાની ના પાડતા હિતેન્દ્રભાઈને ગડદા પાટુનો માર મારી ધમકી આપી હતી.જેથી હિતેન્દ્રભાઈ ડરના માર્યા અન્ય સગાને ત્યાં જતા રહેલા અને આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે જુના માલગઢ ગામના કપુરજી અમરાજી ઠાકોર, નીતાબેન કપુરજી ઠાકોર, કનુભાઈ કપુરજી ઠાકોર અને વિનાબેન કપુરજી ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...