તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ડીસાના ગુલબાણીનગર, ડૉકટર હાઉસના ખોટા ડોક્યુમેન્ટ બનાવી 4 શખ્સે વેચી માર્યા

ડીસા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસ્તાવેજ થયેલ જમીન પર વર્ષો હોસ્પિટલો અને રહેણાંક મકાનો
  • રસાણાના ખેડૂતે 20 દિવસ અગાઉ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી

ડીસાના રસાણાના ખેડૂતના ભળતા નામે ખોટા ડોક્યુમેન્ટ બનાવી ડીસાના હાર્દસમા ડોક્ટર હાઉસ અને ગોલ્ડન પાર્ક સોસાયટીના ખોટા દસ્તાવેજો ઉભા કરી 13 વિઘા જમીન બારોબાર વેચી છેતરપિંડી કરતા ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રસાણા ગામે રહેતા જોરાભાઈ નાથાભાઈ દેસાઈ (વાતમા) ના નામ જેવું જ નામ ધરાવતા જોરાભાઈ નાથુભાઈ દેસાઈની વર્ષો પહેલા એટલે કે 1980 ના સમયમાં ડીસાના ત્રણ હનુમાન પાસે જમીન આવેલી હતી. જે જમીન વર્ષો અગાઉ વેચાણ થતા અત્યારે ડોકટર હાઉસ બન્યું છે.

જ્યારે બીજી જમીન ગોલ્ડન પાર્ક જે હાલ રહેણાંક સોસાયટી આવેલી છે જ્યાં પણ અનેક લોકો મકાનો બનાવીને વસવાટ કરી રહ્યા છે પરંતુ અત્યારે પણ આ જમીનનો જુનો ઉતારો જોરાભાઈ નાથુંભાઇ દેસાઈના નામે ચાલે છે. જ્યારે કેટલાક શખસોએ આ જમીન બારોબાર વેચી દેવાના ઇરાદે જુના ઉતારાના આધારે ખોટા ત્રણ આધારકાર્ડ બનાવી બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવી દીધા હતા પરંતુ જોરાભાઇ નાથાભાઈ દેસાઈના ઘરે ત્રણ અલગ-અલગ આધારકાર્ડ અને બેંકની ચેક બુક આવતા જોરાભાઈના પુત્ર ચોંકી ઉઠ્યા હતા અને તેઓ બેંકમાં તપાસ કરતા કોઈ ખોટા આધારકાર્ડના આધારે એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું જાણવા મળ્યુ હતું.

આથી તેઓએ ડીસા તાલુકા પોલીસ અને જીલ્લા પોલીસ વડાની કચેરીએ લેખિતમાં ફરિયાદ આપી હતી. જો કે બાદમાં જોરાભાઈ નાથુંભાઇ દેસાઈના નામના ખોટા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને પાનકાર્ડ બનાવી તેના આધારે જોરાભાઈનું ખોટું નામ ધારણ કરી ડીસાની સબ રજિસ્ટાર કચેરીએ 5 જાન્યુઆરી-2017 ના રોજ ડોક્ટર હાઉસવાળી જમીન અને ગોલ્ડન પાર્કવાળી જમીનનો બાનાખત કરાવ્યો હતો. પોલીસે અરજીના આધારે તપાસ કરતા જોરાભાઈ નાથુંભાઇ દેસાઈનું ખોટું નામ પોપટભાઈ ગગાજી હેમાસિયા (ઠાકોર) (રહે.ઉદરાણા,તા.થરાદ) એ નામ ધારણ કરી તેમની ઓળખ ડામરાજી પુરાજી પટેલ (રહે.તાલેગઢ,તા.ડીસા) અને જીતેન્દ્ર હેમરાજભાઈ ચૌધરી (રહે.સાંગથળા,તા.ખેરાલુ-મહેસાણા) એ સહીઓ કરી ત્રણેય જણાએ આ જમીનની પાવર ઓફ એટર્ની અમદાવાદના અમરતભાઇ રામજીભાઈ દેસાઈના નામે કરી આપી હતી.

ત્યાર બાદ રણછોડ હાલાજી ઠાકોર (રહે.ગણેશપુરા,તા.હારીજ,પાટણ) એ પોપટ ગગાજી હેમાસિયાના પિતાની ઓળખાણ આપી અને જે પાવર ઓફ એટર્નીના આધારે ડીસા સબ રજિસ્ટાર કચેરીમાં તા.1 જાન્યુઆરી-2021 ના રોજ ખોટા ડોક્યુમેન્ટના આધારે રૂપિયા 54.80 લાખની સ્ટેમ ડ્યુટી ભરી 13 વિઘા જમીનનો દસ્તાવેજ કરાવી દીધો હતો. રસાણા ગામના મોતીભાઇ જોરાભાઇ રબારીએ પિતાના નામના ખોટા દસ્તાવેજ ઉભા કરી જમીન વેચનાર ચાર શખ્સો સામે તા.17 ઓગષ્ટ-2021ના રોજ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પુરાવા એકત્ર કરી વધુ તપાસ કરાશે
આ અંગે તપાસ કરનાર અધિકારી ડીસા શહેર દક્ષિણ પીએસઆઇ એસ.જે.પરમારએ જણાવ્યું હતું કે, ‘દસ્તાવેજો એકત્ર કરવાની કામગીરી ચાલુ છે દસ્તાવેજો વધારે હોવાથી દસ્તાવેજી પુરાવા એકત્ર થયા બાદ આરોપીઓની અટકાયત કરાશે.’

ગોલ્ડન પાર્ક ભાગ-1 અને 2 ની જગ્યા ખુલ્લી બતાવાઇ
ડીસા શહેરના પોશ વિસ્તાર તરીકે ઓળખાતા ગોલ્ડન પાર્ક ભાગ-1 અને 2 ની જમીન દસ્તાવેજમાં ખુલ્લી બતાવી છે પરંતુ હાલમાં આ જમીન મસમોટા મકાનો આવેલા છે.

અન્ય સમાચારો પણ છે...