ડીસા પંથકમાં નવા બટાકા કાઢવાની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે સોમવારે મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજીનો શુભારંભ થયો હતો. જેમાં પ્રતિ મણ બટાકાનો ભાવ રૂપિયા 191 થી 221 રહ્યો હતો. વિનોદચંદ્ર જેઠાલાલ પટેલ શાકભાજી સબ માર્કેટયાર્ડમાં અલગથી શાકભાજી બજાર ભરાય છે. પરંતુ બટાકાની સિઝન દરમિયાન આવક વધુ હોવાથી ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ તેમજ સેક્રેટરી અમૃતભાઈ જોષી દ્વારા ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં બટાકાની જાહેર હરાજી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.
જેથી સોમવારે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઈ જોષી તેમજ શાકભાજી વેપારી એસો.ના પ્રમુખ કમલેશભાઈ માળી સહિત વેપારીઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં બટાકાના કટ્ટા પર ફુલહાર તેમજ અગરબત્તી પુજા કરી જાહેર હરાજીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. માર્કેટયાર્ડમાં બટાકાની પાંચ હજાર કટ્ટાની આવક નોંધાઈ હતી. તેમજ પ્રતિ મણ (20 કિલો) બટાકાનો ભાવ રૂ. 191 થી 221 રહ્યો હતો. સેક્રેટરીએ જણાવ્યું હતું કે ખેડૂતોને પોતાના માલનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.