તપાસ:દામા ગામમાં ખેતર નજીક બાઇક ઉભું રાખવાની ના પાડતા હુમલો

ડીસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે સાત શખ્સો સામે ગુનો નોધી તપાસ હાથ ધરી

દામાં ગામમાં ખેતરના દરવાજા આગળ અજાણ્યા ઈસમને બાઇક ઉભું રાખવાની ના પાડતા તેની અદાવત રાખીને સાત શખ્સે ખેતરના માલિક ઉપર હુમલો કર્યો હતો. ડીસા તાલુકાના લોરવાડા ખાતે રહેતા શંભુદાન અચલાજી ગઢવીએ દામાં ખાતે ખેતર ભાગેથી વાવવા માટે રાખેલ હોઈ તેઓ ખેતર ઉપર જ રહેતા હતા. છેલ્લા ત્રણ દિવસથી અજાણ્યો ઈસમ ખેતરના ઝાંપા આગળ બાઇક ઉભું રાખતો હોઈ આ બાબતે ખેતરના માલિક શંભુદાન ગઢવીએ બાઇક ઉભું રાખવાની ના પાડી હતી.

જેથી આ અજાણ્યો ઈસમ ત્યાંથી જતો રહેલો પરંતુ થોડા સમય બાદ આ ઈસમ તેની સાથે અન્ય છ જેટલા લોકોને લઈ ત્યાં આવી ધારીયા વડે શંભુદાન ઉપર હુમલો કરી હાથના ભાગે ફેક્ચર કરી ઇજાઓ પહોંચાડી હતી. જો કે રાત્રી ના સુમારે એકાએક હોબાળો થતા લોકો દોડી આવેલા અને અજાણ્યા ઈસમોને સમજાવી બહાર મોકલી દીધા હતાં.

પરંતુ જતા જતા આ ઇસમે શંભુદાનને કહેલ કે આજે તું બચી ગયો હવે હાથમાં આવીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઘવાયેલા શંભુદાન ગઢવીને સારવાર અર્થે ખસેડ્યા બાદ તેમના ભાઈ ચેતનદાન ગઢવીએ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વિક્રમ વિનોદજી ઠાકોર (રહે, કુંડા) સહિત અન્ય છ વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...