ભાભરના જાસનવાડા નજીક થરા રોડ ઉપર કારના ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા બાદ આગળ જતી મારૂતીવાનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેમાં મારુતિવાનમાં પાછળના ભાગે બેઠેલ ભાભર તાલુકાના જાસનવાડાના આધેડનું મોત થયું હતું. જ્યારે બાઇક ઉપર સવાર ચાર ઘાયલોને સારવાર અર્થે ખસેડાયા હતા. ભાભર-થરા રોડ ઉપર રવિવારે થરા તરફથી પુરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કાર નંબર જીજે-08-એફ-6492 ના ચાલકે ભાભર તાલુકાના જાસનવાડા ગામ પાસે ગોળાઇમાં બાઇક નંબર જીજે-08-એએસ-4278ને ટક્કર મારી અને આગળ જતી મારુતિ વાન નંબર જીજે-18-એએ-5044ને પાછળ ભાગે ટકરાતાં ત્રણેય વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જેમાં મારુતિ વાનમાં પાછળ ભાગે બેઠેલા અરજણભાઇ જીવાભાઈ દેસાઈ (ઉં.વ.55,રહે.જાસનવાડા, તા.ભાભર) નું અકસ્માતમાં મોત થયું હતું. બાઇકમાં સવાર રમેશભાઈ હરખાભાઈ ઠાકોર, ગીતાબેન રમેશભાઈ ઠાકોર, હિમાંશુ રમેશભાઈ ઠાકોર અને વૈભવ રમેશભાઈ ઠાકોર (તમામ રહે.વાઘપુરા) રોડ ઉપર પટકાતા ઘાયલ થયા હતા.
અકસ્માત સર્જાતા આજુબાજુ ખેતરમાંથી લોકો દોડી આવી ઘાયલોને 108 વાન દ્વારા ભાભર સીએચસીમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તમામ ઘાયલોને વધુ સારવાર માટે પાટણ રિફર કરવામાં આવ્યાં છે. આ અકસ્માત બાબતે ઈશ્વરભાઈ વેલાભાઈ દેસાઈ (રહે.જાસનવાડા) એ સ્વીફ્ટ કાર ચાલક સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભાભર પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.