આદિવાસી સમાજની ન્યાયની માંગણી:દાંતા તાલુકાના હડાદ પોલીસ લોકઅપમાં યુવકનો ફાંસો ખાઇ આપઘાત, મધરાત્રે એક શખ્સ પંખે શર્ટ બાંધી લટકી ગયો

અંબાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
દાંતા તાલુકાના હડાદ પોલીસ મથકમાં રખાયેલા યુવકે સોમવારે રાત્રે લોકઅપમાં પંખા સાથે શર્ટ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ન્યાયની માંગ સાથે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. - Divya Bhaskar
દાંતા તાલુકાના હડાદ પોલીસ મથકમાં રખાયેલા યુવકે સોમવારે રાત્રે લોકઅપમાં પંખા સાથે શર્ટ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ન્યાયની માંગ સાથે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે ઉમટી પડ્યા હતા.
  • રાત્રિ પેટ્રોલિંગમાં શંકાસ્પદ બે શખ્સોને પકડી પૂછપરછ કર્યા બાદ લોકઅપમાં રાખ્યા હતા
  • આદિવાસી સમાજના લોકો ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં પોલીસ મથકે ઉમટી પડતાં ભારે ઉત્તેજના

દાંતા તાલુકાના હડાદ નજીકથી પોલીસે સોમવારે રાત્રે બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પોલીસ મથકે લાવી પુછપરછ બાદ લોકઅપમાં રાખ્યા હતા. જે દરમિયાન એક યુવકે પંખા સાથે શર્ટ બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જ્યાં મંગળવારે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડી ન્યાયની માંગણી સાથે કસુરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.

દાંતા તાલુકાના હડાદ પોલીસ મથકનો સ્ટાફ રાત્રે પેટ્રોલીંગમાં હતો. જે દરમિયાન શંકાસ્પદ હિલચાલ ધરાવતાં રાજસ્થાનના શિરોહી જીલ્લાના આબુરોડ તાલુકાના બોસા ગામના ભાવેશ મેઘળાભાઇ ધ્રાંગી (ઉ.વ.18) અને વિપુલ પાલુભાઇ ડાભીનો પીછો કરી ઝડપી લીધા હતા. જે બંનેને હડાદ પોલીસ મથકે લાવી પુછતાછ કરવામાં આવી હતી. બાદમાં બંનેને પોલીસ મથકના લોકઅપમાં પુરવામાં આવ્યા હતા. જ્યાં મોડીરાત્રે ભાવેશ ધ્રાંગીએ લોકઅપમાં જ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વહેલી સવારે ઘટનાની જાણ થતાં પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. જેમણે મૃતક યુવકની ન્યાયીક તપાસ કરવાની માંગ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનું જણાવતાં ભારે ઉત્તેજના પ્રસરી છે. દરમિયાન પરિસ્થિતિ વણસે નહી તે માટે એએસપી સુશીલ અગ્રવાલે પોલીસ કાફલો તૈનાત કરી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.નોંધનીય છે કે યુવક મધરાત્રે પંખા સાથે કેવી રીતે લટકી પડ્યો. તેને લઈ તર્ક વિર્તક વહેતા થયા છે.આ દરમિયાન બાજુમાં બીજો યુવકને થોડો પણ અણસાર ન આવ્યો.

ન્યાયની માંગ સાથે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે ઉમટી પડ્યા હતા.
ન્યાયની માંગ સાથે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે ઉમટી પડ્યા હતા.

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે
સુશિલ અગ્રવાલ (એ. એસ. પી., બનાસકાંઠા) એ કહ્યું કે, હડાદ પોલીસ મથકના લોકઅપમાં યુવકના આપઘાતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ અંગે સમાજના અગ્રણીઓને અવગત કરાયા છે. યુવકનો મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો છે. ઘટના અંગે મેજીસ્ટ્રેટ ઇન્કવાયરી સહિત પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મૃતકના પરિવારને ન્યાય મળવો જોઇએ
કાંતિભાઇ ખરાડી (ધારાસભ્ય, દાંતા) એ જણાવ્યું હતું કે, હડાદ પોલીસ મથકમાં યુવકને કયા કારણોસર આપઘાત કરવો પડ્યો તેની પોલીસે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે શખ્સ કાર્યવાહી કરવામાં આવે અને મૃતકના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...