યાત્રાધામમાં કિલ્લેબંધી:લાખ્ખો દર્શનાર્થી આવવાની ધારણાએ અંબાજી ફરતે પાંચ હજાર જવાનોની સુરક્ષા ગોઠવાઈ

અંબાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમનાં દર્શનને લઈ યાત્રિકોનો પ્રવાહ ધીમી ગતિનો જોવા મળ્યો છે. - Divya Bhaskar
યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમનાં દર્શનને લઈ યાત્રિકોનો પ્રવાહ ધીમી ગતિનો જોવા મળ્યો છે.

અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના ઓચ્છવમાં જાણે કોરોનાનું ગ્રહણ છેલ્લા બે વર્ષથી જોવા મળ્યું છે. યાત્રિકોની પાંખી હાજરી વચ્ચે હજુ પણ લાખ્ખો યાત્રિકો અંબાજી આવવાની તંત્રની ધારણાને લઇ સુરક્ષા વિભાગ દ્વારા પણ પાંચ હજાર જેટલા સુરક્ષા જવાનો દ્વારા કિલ્લેબંધી કરવામાં આવી છે.

શ્રાવણ સુદ પાંચમથી જ અંબાજીમાં પદયાત્રીઓનો પ્રવાહ ઊમટ્યો હતો. દરમિયાન લાખ્ખો યાત્રિકોએ માનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લાખ્ખો યાત્રિકો આવવાની વહીવટી તંત્રની ધારણામાં તંત્ર દ્વારા અંતિમ ઘડીએ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. એ સાથે જ સુરક્ષા વિભાગ દ્વારા પણ પાંચ હજાર જેટલા સુરક્ષા જવાનો દ્વારા અંબાજી મંદિર સહિત માર્ગોને સાંકળી અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે. અંબાજીમાં યાત્રિકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે અંબાજીને જોડતા માર્ગો પર એકલ-દોકલ પદયાત્રીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખેર, તેમ છતાં મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેવાને લઇ તેરસથી પૂનમ દરમિયાન યાત્રિકોનો પ્રવાહ વધવાની પણ સંભાવના વર્તાઈ રહી છે.

મંદિર સહિત પરિસરમાં આધુનિક ઉપકરણો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અંબાજી ભાદરવી પૂનમે મંદિર સુરક્ષાને લઇ સુરક્ષા વિભાગ દ્વારા મંદિર પરિસર અને નજીકના પોઇન્ટ પર ડોગ-સ્ક્વોડ સહિત બોમ્બ-ડિસ્પોઝેબલ સ્ક્વોડ દ્વારા બારીકાઇથી નિરીક્ષણ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

કેટલા સુરક્ષા જવાનો
એસ.પી.-1, એ.એસ.પી.-2, ડી.વાય.એસ.પી.-9, પીઆઈ-49, પીએસઆઈ-94, પોલીસ કોન્સ્ટેબલ-1705, ટ્રાફિક-પોલીસ-82, મહિલા કોન્સ્ટેબલ-82, એસઆરપીની 4 કંપની, 2500 હોમગાર્ડ, 500 જીઆરડી જવાનો.