વેક્સિનેશન અંગે ગેરમાન્યતા:મોત થવાનો ખોટો ભય હોવાથી બનાસકાંઠા-સાબરકાંઠાના આદિવાસી વિસ્તારના લોકો કહે છે, ‘મોબાઈલમાં આવ્યું'તું રસી લેનાર બે વર્ષમાં મરી જાય છે’

અંબાજી, પાલનપુર, હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોશીના તાલુકાના દેમતી ગામે સ્ટાફ આખો દિવસ બેસી રહ્યો, કોઇએ વેક્સિન ન લીધી - Divya Bhaskar
પોશીના તાલુકાના દેમતી ગામે સ્ટાફ આખો દિવસ બેસી રહ્યો, કોઇએ વેક્સિન ન લીધી
  • બનાસકાંઠાનાં 274 આદિવાસી ગામો પૈકી 155 ગામોમાં કોરોના પ્રસર્યો હતો, દાંતા કરતાં અમીરગઢ તાલુકામાં ઓછું રસીકરણ
  • ‘અમે બીમાર જ નથી તો વેક્સિન શું કામ લઇએ?’: આદિવાસી લોકો
  • અમે પહાડોનું પાણી પીએ છીએ અમને કશું થવાનું નથી, અમને રસી આપશે તો અમારાં પશુઓને પણ રસી લેવડાવીશું, એ પણ દૂધ આપે છે

ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં કોરોના વેક્સિનેશનને લઇ આરોગ્ય વિભાગ માટે લોઢાના ચણા ચાવવા જેવી કપરી સ્થિતિ છે. દિવ્ય ભાસ્કરની ટીમે વનવાસીઓના ગામોની મુલાકાત દરમિયાન રસી લીધા પછી મોત થઇ જતું હોવાનો ખોટો ભય ઉપરાંત ક્યાંક સોશિયલ મીડિયા દ્વારા ફેલાયેલો દુષ્પ્રચાર તો ક્યાંક ગેરમાન્યતાને લઇ લોકો રસી ન મૂકાવતા હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિમાં રસીકરણ માટે હવે સરપંચો, શિક્ષકો અને સામાજિક આગેવાનો મારફતે લોકોને સમજાવવાના પ્રયાસો કરાઈ રહ્યો છે. દાંતા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ચૌહાણે જણાવ્યું કે, પુંજપુર ગામમાં કેટલાક લોકો રસી લેવાનો ઇન્કાર કરી રહ્યા છે. અમીરગઢના જાંબુડી ગામની દૂધમંડળીમાં દૂધ ભરાવવા આવેલા વડીલે કહ્યું જો કોરોના હોય તો પશુને કેમ થતો નથી? અમે રસી લઈશું તો પશુને પણ રસી મુકાવવી પડે.

ઓછા રસીકરણનાં 4 કારણો
1. રસી લેવાથી મોત થઇ જાય છે તેવી ગેરમાન્યતા.
2. રસી લેવા ક્યાં જવું ખબર જ નથી.
3. સોશિયલ મીડિયા પર દુષ્પ્રચાર રસી લેવાથી 2 વર્ષમાં મોત થઇ જાય.
4. અમે રસી લઇશું તો પશુઓને પણ રસી મૂકાવવી પડે.

રસી લઇ લેશું પણ કોઈ મરી જાય તો લાશ તમારા ઘરે મૂકી જઈશું...

ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના એક સદસ્ય સમાજના લોકોને સમજાવવા જતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે,રસી લઇ લેશું પરંતુ કોઈ મરી જાય તો લાશ તારા ઘરે મૂકી જઈશું. અન્ય એક મહિલા સદસ્યાના પતિ વિનોદભાઈ ધનાભાઈ ચૌહાણે જણાવ્યું કે, શિક્ષણના અભાવના કારણે વેક્સિન લેવાતી નથી. તાજેતરમાં મોત થતાં હવે શિક્ષિતોએ વેક્સિન લેવાનું શરૂ કર્યું છે.

જાંબુડી, તા.અમીરગઢ
જાંબુડી, તા.અમીરગઢ

મોબાઈલમાં આવ્યું'તું રસી લેનાર બે વર્ષમાં મરી જાય
પાલનપુરથી માત્ર 25 કિલોમીટર દૂર વિરમપુર જવાના રસ્તા પર ડાબી બાજુએ વગદડી અને ખેમરાજીયા ગામ બાદ છેલ્લું પહાડને અડીને જાંબુડી ગામ આવેલું છે. દિવ્ય ભાસ્કરની ટીમે ગામની મુલાકાત લીધી તો ગામમાં કોઈના ચહેરા પર માસ્ક નહોતું. ભેરાભાઈ નામના વનવાસીને ગામલોકોએ વેક્સિન લીધી? એવું પૂછ્યું તો તુરંત ભડકી ગયા. તેમણે કહ્યું, છેલ્લા બે વર્ષથી અમારા ગામમાં કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. અમે બીમાર નથી કે અમારે વેક્સિન લેવી પડે. બીજા વૃદ્ધે એમ કહીને ચોંકાવ્યા કે તેમના પૌત્રના મોબાઈલમાં વીડિયો આવ્યો હતો કે રસી લેનાર બે વર્ષમાં મરી જાય છે અને જે લે તે બીમાર પડી જાય છે એટલે અમને બધાને બીક આવે છે.

અફવાથી દૂર રહેવા આદિવાસી બોલીમાં ઓડિયો કલીપ બનાવી
વિરમપુર આસપાસના ગામોમાં વેક્સિનને લઈ લોકોમાં ડર છે અને એટલે જ ઊંડાણના ગામોમાં કોઈ વેક્સિન લેતા નથી. અમે સ્થાનિક આદિવાસી બોલીમાં ઓડિયો કલીપ ફરતી કરી રસી અંગેની અફવાઓથી દૂર રહેવા અને રસી મૂકાવવા અનેક પ્રયાસો કરી રહ્યા છીએ. - શિલ્પાબેન, સામાજિક કાર્યકર વિરમપુર

સ્ટાફ આખો દિવસ બેસી રહ્યો, કોઇએ વેક્સિન ન લીધી
પોશીના તાલુકાના દેમતી પીએચસીમાં મંગળવારે 45થી ઉપર વયજૂથના લોકો માટે વેક્સિન સેશન દરમિયાન સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધીમાં એકપણ વ્યક્તિ વેક્સિન લેવા માટે આવી ન હતી અને આરોગ્યકર્મીઓ દિવસભર રાહ જોતા બેસી રહ્યા હતા. તાલુકાના ગણેર ગામના સરપંચ જયંતીભાઈ મુળી કહે છે, આરોગ્ય કર્મીઓ વેક્સિન માટે ઘરે ઘરે આવી સમજાવે છે, પરંતુ લોકો ખોટા ડરથી વેક્સિન લેતા નથી. પોશીના સબ સેન્ટરનાં શિલ્પાબેન ત્રિવેદી કહે છે, વેક્સિન માટે ધીરે ધીરે લોકો હવે આવતા થયાં હતાં. ત્યાં 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાતાં વિસ્તારની પ્રજા તેનાથી અજાણ છે અને મોટાભાગના લોકો પાસે મોબાઈલ પણ ન હોઇ વેક્સિનેશન પર અસર પડી રહી છે.

વનવાસીમાં રસી અંગેની ગેરમાન્યતા ઘર કરી ગઈ
દાંતા તાલુકાના નવાવાસ પીએચસીના ડૉ. ઝામતે જણાવ્યું કે, ટોડા, નારગઢ, ગંગવા જેવા ગામોમાં વેક્સિન ન લેવા પાછળ દુષ્પ્રચારનો માનસિક ભય જોવા મળે છે. ટોડા ગામમાં ગત વેવમાં એકપણ કેસ નોંધાયો ન હતો, આ વખતે માત્ર એક જ કેસ નોંધાયો હોઇ લોકો એમ કહે છે કે ગામમાં રોગ જ નથી આવ્યો તો રસી કેમ લેવી? ટોડા ગામના સરપંચ પરથીજી ઠાકોરે જણાવ્યું કે, લોકોમાં રસી લેવાથી મોત નીપજે એવી ગેરમાન્યતા ઘર કરી ગઈ છે. પુંજપુરના સરપંચ અયુબભાઇ ઉમતીયાએ કહ્યું કે, તેમના ગામમાં 50 ટકા વેક્સિન બાકી છે. માંકડી પીએચસીના ડૉ. દિપક ઠાકોરે જણાવ્યું કે, 19 ગામોમાં લોકોનો રિસ્પોન્સ સારો છે. પરંતુ જ્યોત્સર ગામમાં લોકો ઇન્કાર કરી રહ્યા છે.

ઇશ્વરજી તલાજી પરમારની તસવીર
ઇશ્વરજી તલાજી પરમારની તસવીર

રસી લેવી છે પણ જવું ક્યાં? ખબર નથી
દાંતા તાલુકાના ખાઈવાડ ગામે ખેતી કરતા ઇશ્વરજી તલાજી પરમાર (57) અને દ્રષ્ટિહીન ધુળાજી ઠાકોર (70)ના જણાવ્યા મુજબ રસી તો લેવી છે પણ ક્યાં જાવું તેની પણ અમને જાણ નથી.

વેક્સિનેશનના આંકડા
18થી 44 વર્ષ સુધીના

તાલુકોકુલ સંખ્યાવેક્સિનેશનટકા
ખેડબ્રહ્મા9546612581.32
પોશીના733961640.22

45 વર્ષથી ઉપરના

તાલુકોકુલ સંખ્યાવેક્સિનેશનટકા
પોશીના206641505872.87
ખેડબ્રહ્મા329642612079.23
અન્ય સમાચારો પણ છે...