પાલનપુરમાં કોટ અંદરના વિસ્તારમાં લધુમતી સમાજ સહિત 27 હજારની વસ્તી વસવાટ કરે છે. જોકે, તેમની વચ્ચે પાણીના માત્ર 5 જ બોર હોવાથી અને ધરોઇનું પાણી પણ ઓછુ મળતુ઼ હોવાથી પીવાના પાણીની વિકટ સ્થિતિ ઉભી થવા પામી છે. જ્યાં દર ત્રીજા દિવસે ધરોઇનું પાણી અપાતું હોઇ ગૃહિણીઓ પાણી ઉપાડવા માટે મજબુર બની છે.
પાલનપુર પાલિકા દ્વારા શહેરીજનોને પીવા માટે પાઇપલાઇન દ્વારા ધરોઇ જુથ યોજનાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે કે, જોકે, શહેરના પૂર્વ વિસ્તાર કે જેને કોટ અંદરનો વિસ્તાર કહેવાય છે. ત્યાં દર ત્રીજા દિવસે ધરોઇનું પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠતાં દિવ્ય ભાસ્કર દ્વારા મુલાકાત લેવાઈ જ્યાં મફતપુરા વિસ્તારમાં ભર બપોરે મુસ્લિમ સમાજની બહેનો માથે ઘડા ઉપાડી પાણી ભરીને આવતી જોવા મળી હતી. પહેલા તો તેમણે ફોટો પાડવાની ના પાડી પણ પછી મોઢા ઉપર ઓઢણી ઓઢી ફોટો પડાવ્યો તેમણે કહ્યુ કે, રોજા રાખ્યા હોવા છતાં ઉનાળાની ગરમીમાં પાણી ઉપાડીને લાવવું પડી રહ્યું છે.
સ્થાનિક કોગ્રેસના નગરસેવક સરફરાજભાઇએ જણાવ્યું કે, શહેરના કોટ અંદરના વિસ્તારમાં મુખ્યત્વે લઘુમતી સમાજ સહિત અન્ય સમાજના મળી 27,000 લોકો વસવાટ કરી રહ્યા છે. અહિંયા માત્ર પાંચ પાણીના બોર છે. જે બોરનું પાણી ખારૂ આવતું હોઇ પીવાના ઉપયોગમાં લઇ શકાતું નથી. ધરોઇનું પાણી ટાંકીમાં ભર્યા પછી વિતરણ કરવામાં આવે છે. જે દર ત્રીજા દિવસે આપવામાં આવતું હોઇ લોકો પાણી માટે પરેશાન થઇ રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે નગરપાલિકામાં માટલા ફોડ્યા હતા. તાળાબંધી કરી હતી. અનેક રજૂઆતો કરી છે. પરંતુ ઠાલા આશ્વાસન સિવાય કશુ મળ્યુ નથી. જો બે બોર વધુ બનાવવામાં આવે તો પ્રશ્ન ઉકેલી શકાય છે.
દૈનિક 4 લાખ લીટર પાણીની ઘટથી સમસ્યા સર્જાઇ
ધરોઇ જુથ યોજના અંતર્ગત પાલનપુર શહેરમાં અગાઉ 1.60 કરોડ લીટર પાણી આપવામાં આવતું હતુ. જોકે, વર્તમાન સમયે 1.20 કરોડ લીટર પાણી જ આપવમાં આવી રહ્યું છે. ઉનાળામાં પાણીની જરૂરીયાત વધી છે. જેની સામે દૈનિક 4 લાખ લીટર પાણી ઓછું આવતાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે.
ધરોઇથી પાણીનો પુરવઠો ઓછો આવે છે
પાલનપુરમાં 1 થી 11 વોર્ડમાં પાલિકાના કુલ 45 બોર તેમજ 7 સંપ દ્વારા પાણીનું વિતરણ કરાઈ રહ્યું છે. શહેરમાં અગાઉ ધરોઇ જુથ યોજનાનું 16 એમ. એલ. ટી. પાણી પુરૂ પાડવામાં આવતું હતુ. જેની સામે વર્તમાન સમયે 12 થી 13 એમ. એલ. ટી પાણી અપાઈ રહ્યું છે. કોટ અંદરના વિસ્તારમાં બોર અને ધરોઇનું પાણી વારાફરતી અપાઇ રહ્યું છે. - હેતલબેન રાવલ (પ્રમુખ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.