દુર્ઘટના:હડાદ પોલીસ મથકના કમ્પ્યુટર રૂમમાં એક શખ્સના મોત બાદ બીજાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો

અંબાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપઘાતનો પ્રયાસ કરનારા બીજા શખ્સને બચાવી લેવાયો
  • રાત્રે શંકાસ્પદ બાઈક​​​​​​​ સાથે ઝડપાતા બંનેને નજરકેદ રખાયા હતા

દાંતા તાલુકાના હડાદ નજીકથી પોલીસે સોમવારે રાત્રે બે શખ્સોને શંકાસ્પદ બાઈક સાથે ઝડપી કોમ્પ્યુટર રૂમમાં નજરકેદ રાખ્યા હતા. જ્યાં એક યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. દરમિયાન વહેલી સવારે બીજો યુવક પણ પંખે લટકી આપઘાત કરે તે પહેલા પોલીસે બચાવી લીધો હતો.

દાંતા તાલુકાના હડાદ પોલીસ મથકનો સ્ટાફ રાત્રે પેટ્રોલીંગમાં હતો. જે દરમિયાન શંકાસ્પદ બાઇક સાથે રાજસ્થાનના શિરોહી જીલ્લાના આબુરોડ તાલુકાના બોસા ગામના ભાવેશ મેઘળાભાઇ ધ્રાંગી (ઉ.વ.18) અને વિપુલ પાલુભાઇ ડાભીનો પીછો કરી ઝડપી લીધા હતા. જે બંનેને હડાદ પોલીસ મથકે લાવી પુછતાછ કરવામાં આવી હતી. બાદમાં બંનેને પોલીસ મથકના કમ્પ્યુટર રૂમમાં નજર કેદ રખાયા હતા

એએસસપી સુશીલ અગ્રવાલે જણાવ્યું કે મોડીરાત્રે ભાવેશ ધ્રાંગીએ પોતાના સ્વેટરની દોરીથી કમ્પ્યુટર રૂમના પંખા સાથે ગળે ફાંસોખાઇ આપઘાત કરી લીધો હતો. દરમિયાન વહેલી સવારે રૂમમાં સુતેલો તેનો ભાઈ વિપુલ ડાભી આ દ્રશ્ય જોતા તે પણ પંખે લટકી આપઘાત કરવા જતો હતો. પરંતુ પોલીસ મથકના અધિકારીએ સમય સુચકતા વાપરી તેને બચાવી લીધો હતો. આ ઘટના પોલીસ મથકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે. મેજિસ્ટ્રેટ ઇન્કવાયરીની પણ કાર્યવાહી હાથ ધરાઇ છે.

પરિવારજનોએ મોડી સાંજે મૃતદેહનો સ્વીકાર કર્યો
હડાદ પોલીસ મથકના કમ્પ્યુટર રૂમમાં પંખા સાથે આપઘાત કરનાર યુવકનો મૃતદેહ પીએમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી બુધવારે મોડી સાંજે મૃતદેહ પરત લવાયો હતો. આ અંગે અંબાજી પીએસઆઈ પી. કે. લીમ્બાચીયા જણાવ્યું હતું કે, ગુજરાત-રાજસ્થાનના જાંબુડી ગામ પાસે મૃતક યુવકના પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે હડાદ પોલીસ મથકે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થઇ ગયા હતા અને ન્યાયની માગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જોકે, પીએમ થયા બાદ મૃતદેહ સ્વીકારવામાં આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...