તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:અંબાજીમાં દર્શનાર્થેીઓને પ્રસાદ સ્વરૂપ નિઃશુલ્ક ભોજનનો લાભ મળશે

અંબાજી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ડીસાના જયજલીયાણ ફાઉન્ડેશન દ્વારા 12 જૂનથી નિઃશુલ્ક ભોજન પીરસવાનું બીડું ઝડપ્યું છે

યાત્રાધામ અંબાજી માં અંબાના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલયમાં જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. જોકે છેલ્લા ઘણા વર્ષોથી ભોજનાલયને પણ ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા ખાનગી એજન્સીને સુપ્રત કરાઈ રહી હતી પરંતુ તેમાં ટ્રસ્ટને ખૂબ જ મોટું આર્થિક નુકસાન પહોંચતું હતું. ‘દિવ્ય ભાસ્કર’ એ આ અંગે ઊંડી તપાસ કરતા છેલ્લા પાંચ વર્ષોમાં જ ટ્રસ્ટને 20 કરોડ જેટલું નુકસાન પહોંચ્યું હોવાનું બહાર આવ્યું હતું.

જેને લઇ ભાસ્કરે અંબાજીમાં ચાલતી ભોજન વ્યવસ્થામાં દાતાઓનો સહયોગ લેવા અને ટ્રસ્ટ દ્વારા ટહેલ નાખવાના સમાચાર 3 માર્ચ-2021 ના પ્રસિદ્ધ કર્યા હતા. જેની તંત્રએ પણ ગંભીર નોંધ લેવા સાથે ડીસાના જયજલીયાણ ફાઉન્ડેશન દ્વારા સેંકડો માઇભક્તોને નિઃશુલ્ક ભોજન પીરસી પૂણ્યનું ભાથું કમાવવાનું બીડું ઝડપ્યું છે. ત્યારે 12 મી જુનના રોજ માતાજીના દ્વાર ભક્તોને દર્શન માટે ખુલતાની સાથે જ શ્રદ્ધાળુઓને માતાજીના પ્રસાદ સ્વરૂપ નિઃશુલ્ક ભોજનનો લાભ પ્રાપ્ત થશે.

3 માસ માટે પ્રાયોગિક ધોરણે કામગીરી કરવાનો હુકમ
ભાસ્કરના અહેવાલના પગલે જય જલીયાણા ફાઉન્ડેશન દ્વારા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બ.કાં. જીલ્લા કલેકટરને યાત્રિકોને નિઃશુલ્ક ભોજન પીરસવા માટે વિનંતી કરવામાં આવી હતી. જે સંદર્ભે ટ્રસ્ટ દ્વારા પ્રાયોગિક ધોરણે ત્રણ માસ માટે અંબિકા ભોજનાલયની કામગીરી કરવાનો હુકમ મંદિર દર્શનાર્થીઓ માટે ખૂલે ત્યારથી કરવાનો હુકમ કરાયો છે.

ટ્રસ્ટ દ્વારા અન્ય બાબતમાં પણ દાતાઓનો સહયોગ લેવામાં આવે તો ભાદરવી કુંભ પણ નિઃશુલ્ક થઈ જાય
માં અંબાના દર્શનાર્થે દેશ અને વિદેશમાંથી સેંકડો માઇભક્તો દર્શનાર્થે આવે છે. એટલું જ નહિ ભાદરવી મેળો, પોષી પૂનમ અને દીપાવલી જેવા તહેવારો સહીત પૂનમો દરમિયાન પણ શ્રદ્ધાળુઓ ઉદાર હાથે દાન કરી માતાજીનો ભંડાર છલકાવી દે છે. મેળા દરમિયાન તો અનેક સેવાભાવી સંસ્થાઓ સહિત દાતાઓ દ્વારા અંબાજી સહિતના માર્ગો ઉપર ચા, નાસ્તા, વિરામ સહિત તબીબી સેવા પણ ઉપલ્ભધ કરાવે છે. ત્યારે મેળા દરમિયાન પણ યાત્રિકોની વિવિધ સેવા માટે દાતાઓનો સહયોગ લેવામાં આવે તો ટ્રસ્ટને કરોડો રૂપિયાની બચત થાય તે લખવું અસ્થાને નહીં લેખાય.

જયજલીયાણ દ્વારા અગાઉ પણ ઉદાર હાથે દાન કર્યું છે
ડીસા જય જલીયાણ ફાઉન્ડેશન દ્વારા પ્રતિ વર્ષે ભાદરવી મેળા દરમિયાન આવતા પદયાત્રીઓ માટે ચા-નાસ્તો અને જમવા સહિત વિરામની વ્યવસ્થા પણ અંબાજી માર્ગ ઉપર કરેે છે. વર્ષ-2019માં પણ અંબાજી મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવા સાથે નવરાત્રી દરમિયાન પણ માતાજીના લાઇવ દર્શનમાં પણ સહભાગી બન્યું હતું. જ્યારે હવે અંબાજી આવતા માઈ ભક્તો માટે સદાવ્રત ખુલ્લું મુકવાના સમાચારને લઇ વિશ્વભરમાં વસતા માઇભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તી છે.

અન્ય સમાચારો પણ છે...