યાત્રાધામ અંબાજી ગ્રામ પંચાયત ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતા છાત્રની બે કિડનીઓ ફેઇલ થઇ જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. તેની માતાએ પોતાની એક કિડની પુત્રને આપી જીવ બચાવી લીધો હતો. જ્યારે શાળાના કમ્યુટર શિક્ષકે સરકારને જાણ કરી 15 લાખનું ઓપરેશન વિનામૂલ્યે કરાવ્યું હતુ.
હરીશ ખુમાણ ભાઈ પ્રજાપતિની બંને કિડનીઓ ખરાબ હોવાનું નિદાન થયું હતુ. બાળકને હોસ્પિટલમાંથી અન્યત્ર ખસેડવો પડે એવી સ્થિતિ આવી ગઇ હતી. પરંતુ પરિવાર પાસે એટલા નાણાં ન હતા. સેવાભાવી લોકોએ ગુપ્તદાન પણ કર્યુ હતુ. જોકે, તે નાણાં ઓપરેશન માટે પુરતા ન હતા. દરમિયાન આ અંગેની જાણ અંબાજી ગ્રામ પંચાયત હાઈ સ્કૂલમાં કમ્પ્યુટર શિક્ષક તરીકે માનદ સેવા તરીકે નોકરી કરતા ઈરફાન જે. કુરેશીને થઇ હતી. જેમણે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલને બાળક ના ફોટા મોકલી તેમજ ફોન ઉપર વાત કરી સ્થિતિથી વાકેફ કર્યા હતા. કલેકટરે હરીશનું ઓપરેશન શાળ આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત થશે તેમ કહેતા તે દિશામાં પ્રોસેસ કરાઇ હતી.
હરીશને સુરતથી અમદાવાદ કિડની હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં તેની માતા મંજુબેન ખુમાનભાઇ પ્રજાપતિએ પોતાની એક કિડની દીકરાને દાનમાં આપી જીવ બચાવ્યો હતો.ઇરફાનભાઇ કુરેશીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતાં છાત્રોની સારવાર વિનામૂલ્યે થાય છે. જોકે, મોટાભાગના વાલીઓ આ યોજનાથી અજાણ હોઇ તેનો લાભ લઇ શકતા નથી.
અંબાજીના હરીશ પ્રજાપતિના કેસમાં જીલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું છે. હરીશ પ્રજાપતિને સુરતથી અમદાવાદ લાવવા માટે પરિવાર પાસે નાણાં ન હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે સુરત કલેકટરને વાત કરતાં તેમણે ઓકિસજન સાથે વિનામૂલ્યે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.