અનલોક-1માં છૂટછાટ:લોકડાઉન પછી અંબાજી-સોમનાથ મંદિર પહેલીવાર ખૂલશે, માસ્ક વિના નો એન્ટ્રી, પ્રવેશદ્વારે સેનિટાઈઝર ફરજિયાત

અંબાજી/સોમનાથ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમનાથ મહાદેવ મંદિર, સોમનાથ - ફાઈલ તસવીર - Divya Bhaskar
સોમનાથ મહાદેવ મંદિર, સોમનાથ - ફાઈલ તસવીર
  • સરકાર મંજૂરી આપશે તો સોમવારથી મા અંબા અને સોમનાથ દાદાનાં દર્શન શક્ય બનશે
  • સોમનાથ પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ચાર ફૂટના અંતરે માર્કિંગ કરાયું

અંબાજીમાં મા અંબાનું મંદિર બે મહિનાથી પણ વધુ સમયથી શ્રદ્ધાળુઓ માટે બંધ છે. દેવસ્થાન સંચાલિત અંબાજી મંદિર પર અનેક પરિવારો નિર્ભર છે, જે મંદિર ખૂલવાની રાહ જોઈને બેઠા છે. લૉકડાઉન 4 પૂરું થતાં જ મા અંબાના દર્શન શરૂ થાય એવા સંકેત છે. આ કારણથી કોરોના વાઈરસના પ્રકોપને પગલે આ બંને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે એ માટે તૈયારી કરાઈ રહી છે.

માસ્ક વગર મંદિરમાં પ્રવેશ નહીં
શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડા કહે છે કે જો અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવાની મંજૂરી અપાશે, તો મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ અંતર જાળવીને ઊભા રહે એ માટે સ્ટિકર ચોંટાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સિવાય મંદિરના પ્રવેશદ્વારે જ તમામે ફરજિયાત સેનિટાઈઝનો ઉપયોગ કરવો પડશે. માસ્ક પહેર્યું નહીં હોય તો મંદિરમાં પ્રવેશ સુદ્ધાં નહીં મળે. મંદિરના પ્રસાદ કેન્દ્ર પર ભીડ ના થાય એ માટે પણ અમે આયોજન કર્યું છે.

સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે શિવાલય પણ ખૂલશે
મંદિરો ખૂલવાની મંજૂરી અપાશે એવા સંકેતને પગલે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખોલવાની પણ તડામાર તૈયારી હાથ ધરાઈ છે. અહીં પણ દરેક શ્રદ્ધાળુ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ચાર-ચાર ફૂટના અંતરે માર્કિંગ કરવામાં આવ્યું છે. આમ, બે મહિનાથી પણ વધુ સમયથી ઓનલાઈન દર્શન કરતા ભક્તો હવે મહાદેવના રૂબરૂ દર્શન પણ કરી શકશે.

પ્રવેશદ્વારે તમામનું થર્મલ સ્ક્રિનિંગ થશે
સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે કે પહેલી જૂનથી મંદિર ખોલવાની સંભાવનાને લઈને સામાન ઘરથી છેક મંદિર પરિસરમાં અમે ચાર-ચાર ફૂટના અંતરે સફેદ રંગથી ગોળાકાર માર્કિંગ કર્યું છે. દરેક શ્રદ્ધાળુએ ફરજિયાત તેમાં જ ઊભા રહેવાનું રહેશે. હાલ એક સાથે બે લાઈન દર્શન કરવા જઈ શકે, એવી વ્યવસ્થા વિચારાઈ છે. આ ઉપરાંત મંદિરમાં પ્રવેશદ્વારે જ તમામનું થર્મલ સ્ક્રીનિંગ પણ કરાશે. એટલું જ નહીં, તમામે સેનિટાઈઝ ચેનલમાંથી પસાર થવાનું રહેશે. આમ, અમે સંક્રમણ ના ફેલાય તેની તમામ વ્યવસ્થા કરી છે. આ તમામ સ્થિતિનું સ્થાનિક પોલીસ અધિકારીઓએ પણ નિરીક્ષણ કર્યું છે. 

સોમનાથ મંદિર સેનિટાઈઝ કરાયું, આરતીમાં શ્રદ્ધાળુઓ હાજર નહીં રહી શકે 
સોમનાથ મંદિર દર્શન માટે ખૂલવાની શકયતાને પગલે સેનિટાઈઝ કરાયું હતું. જોકે, મંદિરમાં આરતી સમયે શ્રદ્ધાળુઓ હાજરી આપી શકશે નહીં અને તેમણે દર્શન કરીને સીધા નીકળી જવાનું રહેશે. આ ઉપરાંત ભગવાન માટે બહારથી આવતા ફૂલ માટે પણ અલગ વ્યવસ્થા કરાઈ છે. 

અન્ય સમાચારો પણ છે...