તાજેતરમાં અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટના એડિસન શહેરની મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં એડિસન શહેરના મેયરપદે પ્રથમ મૂળ ગુજરાતી એવા સમીપ જોશી એટલે કે સેમ જોશી ચૂંટાઈ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એડિસનમાં 25 ટકા ભારતીયો વસે છે.
મૂળ શિવરાજપુરના વતની
એડિસનના મેયર બનેલા સમીપ જોશી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના 1500ની વસ્તી ધરાવતા શિવરાજપુરના વતની છે. સેમ જોશીનો પરિવાર મૂળ ડાકોરનો વતની છે. આ પહેલા તેઓ એડિસનમાં કાઉન્સિલર પદે પણ રહી ચૂક્યા છે. તેમજ 10 વર્ષ સુધી વિવિધ સમિતિઓમાં પણ કાર્યરત હતા. આ સમાચાર મળતા જ શિવરાજપુર, હાલોલમાં રહેતા સમીપ જોશીના મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. સેમ જોશીની વિદેશમાં રાજકીય સફળતાએ પંચમહાલ જિલ્લા ગુજરાત સહિત ભારત દેશનું નામ રોશન કર્યું છે.
2018માં કાઉન્સિલર બન્યા હતા
સેમ જોશીના કાકા રાજ જોસી છેલ્લાં ચાલીસ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા બાદ સેમના પિતા પ્રદીપ જોશી, માતા બીનાબેન જોશી, પુત્રી પાયલ જોશી અને 1995માં સેમ જોશીને અમેરિકા બોલાવી સ્થાયી કર્યા હતા. તેઓ 2018માં એડિસન મહાનગરપાલિકામાં કાઉન્સિલર બન્યા હતા.
14ની વયે પૂર્વ મેયર સાથે કામ શરૂ કર્યું
સમીપ જોશીએ પોલિટિકલ સાયન્સમાં રૂટજર્સ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે 14ની ઉંમરે એડિસનના પૂર્વ મેયરના ઈન્ટર્ન તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી. તેમણે ત્રણ મેયર સાથે કામ કર્યું છે. તેઓ હાઈસ્કૂલથી આંતરરાષ્ટ્રીય રાજનીતિ જેવા અનેક વિષય પર ડિબેટમાં ભાગ લેતા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.