તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
'ગુજરાતીઓ એટલે દાળ-ભાત ખાઈને વેપાર-ધંધો કરી જાણે.' વર્ષોથી આ જ બે ઓળખ ગુજરાતીઓને વગોવવા માટે વપરાતી આવી છે, પરંતુ ડૉ. નીતા પટેલ નામની એક મહિલા સાત સમુંદર પાર પોતાના નક્કર કામ થકી આ ઓળખ બદલવા અને વિશ્વને કોરોનાથી મુક્ત કરાવવામાં પોતાનો જંગી ફાળો આપી રહી છે. યસ, કોરોના વાઇરસની વેક્સિન બનાવી રહેલી અમેરિકાની 'નોવાવેક્સ' નામની ફાર્મા કંપનીમાં આ ગરવી ગુજરાતણ વેક્સિન ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સિનિયર ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. આ કંપનીની વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ બ્રિટન અને સાઉથ આફ્રિકામાં ચાલી રહી છે. રોમાંચક વાત એ છે કે આ વેક્સિન તૈયાર કરવા માટે અમેરિકન સરકાર તરફથી નોવાવેક્સ કંપનીને 1.6 બિલિયન ડૉલરની ગંજાવર સહાય મળી છે. આ વેક્સિન ડેવલપમેન્ટના પાયામાં રહેલાં 56 વર્ષીય ડૉ. નીતા પટેલ વિશે તેમના બૉસ એક જ વાક્ય કહે છે, 'શી ઇઝ જિનિયસ.'
ચીંથરે વીંટ્યું રતન
આણંદ જિલ્લાના સોજિત્રા ગામે જન્મેલાં નીતાબેન માંડ ચાર વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાને ટીબીનો વ્યાધિ લાગુ પડ્યો. એક તબક્કે મોતના મુખમાં પહોંચી ગયેલા પિતાને આ રોગથી રિબાતા જોયાં હતાં. પરિણામ એ આવ્યું કે તેમના પિતા ક્યારેય ફરીવાર કામે ચડી શક્યા નહીં અને પરિવાર કારમી ગરીબીમાં ધકેલાઈ ગયો. નાનપણમાં જ પિતાની કહેલી એક વાત નાનકડી નીતાએ ગાંઠે બાંધી લીધેલી કે મોટા થઇને ડૉક્ટર બનવું અને કોઈપણ ભોગે ટીબીની દવા શોધવી.
પરિવારની આર્થિક સ્થિતિ એવી ખરાબ કે રોજ ઉઘાડા પગે એકનાં એક કપડાં પહેરીને સ્કૂલે જવું અને બસના ભાડાના પૈસા પણ પાડોશી પાસેથી માગવા પડે, પરંતુ આ કઠણાઈઓ નીતા પટેલને તેમના ધ્યેય પરથી ચલિત કરી શકી નહીં. ભણવામાં તેજસ્વી એટલે એક પછી એક ધોરણની સીડીઓ પણ ફટાફટ ચડાતી ગઈ. સરકારી શિષ્યવૃત્તિઓએ પણ તેમનો રાહ આસાન કરી આપ્યો. નીતાબેન વિશે કહેવાય છે કે તેમની યાદદાસ્ત 'ફોટોગ્રાફિક' છે. યાને કે તેમની આંખ સામે એકવાર કોઈ વાહનની નંબરપ્લેટ કે ટેલિફોન નંબર આવી જાય, એટલે તેમના દિમાગમાં એ કાયમ માટે કોતરાઈ ગયો સમજો! આગળ જતાં તેમણે એક નહીં, પણ બબ્બે વખત માસ્ટર્સ ડીગ્રી હાંસલ કરી, એક ભારતમાં અને બીજી અમેરિકામાં. એ પણ અનુક્રમે એપ્લાઇડ માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજીમાં અને આ સાથે સોજિત્રાની નીતા ડૉ. નીતા પટેલ બની ગઈ.
પછી તો તેઓ અમેરિકાના જ એક બાયોકેમિસ્ટ સાથે લગ્ન કરીને ત્યાંના મેરીલેન્ડ રાજ્યના ગેઇધર્સબર્ગ ખાતે સ્થાયી થયાં અને જોબ શોધવાનું શરૂ કર્યું. પરંતુ સોજિત્રામાં પિતાને આપેલું વચન તેઓ ભૂલ્યાં નહોતાં. એમને ટીબી પર રિસર્ચ કરતી કંપનીમાં એ જ પ્રોજેક્ટ પર કામ કરવું હતું. ખાસ્સી મશક્કત પછી એમને 'મેડઇમ્યુન' નામની એક નાનકડી કંપનીમાં કામ મળ્યું. આ કંપની કરતાં ક્યાંય વધારે પગાર તેમને બીજે મળતો હતો, પરંતુ આ પ્રોજેક્ટ તેઓ કોઈ કાળે છોડી શકે તેમ નહોતાં. 1990માં તેમણે આ જોબ સ્વીકારી ત્યારે એ કંપનીમાં તેઓ માત્ર 16મા એમ્પ્લોયી હતાં. અત્યારે જોકે મેડઇમ્યુન કંપનીને એસ્ટ્રાજેનેકા (કોવિશીલ્ડ વેક્સિન બનાવનારી કંપની)એ ખરીદી લીધી છે. એ કંપનીમાં તેમના બૉસ રહી ચૂકેલા હેરેન વુ અત્યારે એસ્ટ્રાજેનેકાના સિનિયર વાઇસ-પ્રેસિડેન્ટ છે. તેઓ ડૉ. નીતા પટેલ વિશે કહે છે, 'એ અદભુત સાયન્ટિસ્ટ છે.'
નિષ્ફળતાઓમાંથી સતત શીખતા રહેવું
દરેક સંઘર્ષગાથામાં સફળતાની સાથોસાથ નિષ્ફળતાનાં પણ પ્રકરણો હોય જ છે, જેમ કે ડૉ. નીતા પટેલ જેના પર કામ કરતાં હતાં તેવી લાઇમ ડિઝીઝની એક વેક્સિન એની પહેલી ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજમાં જ નિષ્ફળ ગઈ હતી. 'રેસ્પિરેટરી સિન્સિશિયલ વાઇરસ' (RSV) નામના રોગની એક દવા, જેના પર તેમણે કામ કરેલું, તેને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ રિજેક્ટ કરી દીધી હતી. 2015ના અરસામાં નોવાવેક્સ નામની પ્રમાણમાં નાની ફાર્માસ્યુટિકલ કંપની પણ આ જ રોગની દવા પર કામ કરી રહી હતી. ડૉ. નીતાએ આ નિષ્ફળતામાં અવસર જોઇને નોનાવેક્સ જોઇન કરી લીધી. ત્યારે એમને પોતાને પણ ખ્યાલ નહોતો કે પાંચ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં તેઓ એક એવી બીમારીનું મારણ શોધવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવાનાં છે જે આખી દુનિયાને ભરડો લઈ લેશે.
દુનિયા કોરોનાને ઓળખી રહી હતી, ત્યારે ડૉ. નીતાએ એની ચોટલી મંતરી લીધેલી!
ગયા નવેમ્બરથી કોરોનાએ ચીનના સીમાડા ઓળંગવાનું શરૂ કરેલું. ફેબ્રુઆરી મહિના સુધીમાં ભારત સહિત વિશ્વના ભલભલા દેશો જ્યારે આ 'SARS-CoV-2' એટલે કે નોવેલ કોરોના વાઇરસને ઓળખી રહ્યા હતા, ત્યારે ડૉ. નીતા પટેલે તેનું મારણ શોધવાની દિશામાં નક્કર પ્રયાણ કરી લીધેલું. તમામ મહિલા સાયન્ટિસ્ટોની બનેલી ડૉ. નીતાની ટીમે પ્રયોગશાળામાં એવા 20 જેટલા પ્રોટીનનાં વર્ઝનનું ટેસ્ટિંગ કરી નાખેલું, જે શરીરને કોરોનાની સામેના પ્રતિકારક એન્ટિબોડીઝ તૈયાર કરવામાં મદદ કરતા હતા. હવે તેઓ એવો ટેસ્ટ તૈયાર કરવા પર કામ કરી રહ્યાં છે, જે વેક્સિન બનાવતા તમામ પ્લાન્ટમાં મટીરિયલની એકસરખી ચોકસાઈ પારખી આપે.
કશું જ અશક્ય નથી
આ વિનાશક વૈશ્વિક રોગચાળો ફેલાયા પછી લેબોરેટરી જ ડૉ. નીતા પટેલનું બીજું ઘર બની ગયું છે. પ્રચંડ પ્રેશર અને લગભગ આખો દિવસ ચાલતું કામ પણ તેમના પર અમુકથી વધારે સ્ટ્રેસ લાવી શકતું નથી. તેનું એક કારણ એ છે કે ગમે તેવા વ્યસ્ત શિડ્યૂલમાં પણ તેઓ પોતાના ઘરમાં બનાવેલા મંદિરમાં પૂજા અને ધ્યાન કરવાનું ચૂકતાં નથી. પ્લસ તેમનો એકમાત્ર જીવનમંત્ર છે, 'નથિંગ ઇઝ ઇમ્પોસિબલ', કશું જ અશક્ય નથી. આ માઇન્ડસેટનો પ્રચંડ પડઘો સોજિત્રાથી અમેરિકાના લીડિંગ સાયન્ટિસ્ટ બનવા સુધીની તેમની સફળ જીવનયાત્રામાં પણ સંભળાય છે. અત્યારે કોરોનાની વેક્સિન ફટાફટ લાવીને 'વૈશ્વિક માર્કેટ' કબજે કરવાની ગળાકાપ સ્પર્ધામાં પણ ડૉ. નીતા પટેલ એકદમ શાંતિ અને શિસ્તથી પોતાનું કામ કર્યે જાય છે, કેમ કે તેમનું દૃઢપણે માનવું છે કે આ વેક્સિન તૈયાર કરવા માટે બધી કંપનીઓ એકબીજા સાથે નહીં, બલકે એક કોમન વર્લ્ડવાઇડ પ્રોબ્લેમ સામે સાથે મળીને લડી રહી છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.