છુટકારો / ગુજરાતી બિઝનેસમેન રિઝવાન આડતિયાનો હેમખેમ છુટકારો, 20 દિવસ પહેલાં આફ્રિકામાં થયું હતું અપહરણ

Gujarati businessman Rizwan Adatia released after 20 days in captivity in Africa
X
Gujarati businessman Rizwan Adatia released after 20 days in captivity in Africa

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 01:03 PM IST

અમદાવાદ. આફ્રિકામાં સ્થાયી થયેલાં જાણીતા બિઝનેસમેન રિઝવાન આડતિયાનો હેમખેમ છુટકારો થયો છે. આફ્રિકાના મોઝામ્બિકના માપુટો પાસે 20 દિવસ પહેલાં રિઝવાન આડતિયાનું અપહરણ થયું હતું.  આડતિયાની રેન્જ રોવર કાર જંગલમાં રેઢી મળી આવી હતી.  20 દિવસ બાદ હેમખેમ છુટકારો થતાં તેમના સ્વજનોમાં આનંદની લાગણી વ્યાપી છે.  

પોરબંદરમાં જન્મેલા અને મોઝામ્બિકમાં બિઝનેસના ઉંચા શિખર સર કરનારા રિઝવાન આડતિયાનું COGEF ગ્રુપ 2 હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે. આડતિયા સેવાકીય પ્રવૃત્તિ માટે પણ પ્રખ્યાત છે. તાજેતરમાં તેમના જીવન પરથી ફિલ્મ પણ બની હતી.

કોણ છે રિઝવાન આડતિયા?
52 વર્ષના રિઝવાન આડતિયાનો જન્મ 1967માં પોરબંદરના ઇસ્માયલી ખોજા પરિવારમાં થયો છે. બાળપણથી જ તેઓ સેવાભાવી રહ્યાં છે. માત્ર 16 વર્ષની વયે તેમણે પોરબંદરની એક કંપનીમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી. જે સમયે તેમને 175 રૂપિયા માસિક પગાર આપવામાં આવતો હતો. એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે એ સમયનો એક કિસ્સો જણાવ્યો હતો, જેણે તેમનું જીવન બદલી નાંખ્યું. તેમની નોકરીમાં પહેલા પગાર પેટે 175 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેઓ પહેલા પગારની ખૂશી સાથે ઘરે જઇ રહ્યાં હતા, ત્યારે રસ્તામાં એક વૃદ્ધે તેમની પાસે લિફ્ટ માગી. વૃદ્ધને મેડિકલ સ્ટોરે લઇ ગયા. જ્યાં દવાનું બિલ 110 રૂપિયા થયું હતું, પરંતુ એ વૃદ્ધ પાસે માત્ર 70 રૂપિયા જ હતા. એ સમયે અન્ય કોઇ વિચાર કર્યા વગર તેમણે તુરંત જ પોતાના પગારમાંથી 110 રૂપિયા મેડિકલ સ્ટોરને ચૂકવી દીધા હતા. બાદમાં વૃદ્ધને હોસ્પિટલે મૂકવા ગયા અને કોઇપણ મદદ હોય તો જણાવવા માટે કહ્યું હતું. એ વૃદ્ધે આપેલા આશિર્વાદ અને આ ઘટના બાદ રિઝવાને ક્યારેય પાછા વળીને જોયું નથી.

ગુજરાતના અનેક સીનિયર સિટિઝનને ફ્રીમાં સિંગાપોર અને મલેશિયાની ટૂર કરાવે છે
રિઝવાન આડતિયા ફાઉન્ડેશન સંસ્થા હેઠળ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા રિઝવાન આડતિયા ગુજરાતના અનેક સીનિયર સિટિઝનને ફ્રીમાં વિદેશની ટૂર કરાવે છે. વર્ષ 2017માં  જુદા જુદા વિસ્તારમાંથી વૃદ્ધાશ્રમ સહિત 50 જેટલા સીનિયર સિટિઝનને સિંગાપોર અને મલેશિયાની ટૂર કરાવી હતી. આડતિયા દ્વારા વિનામૂલ્યે વિદેશયાત્રા જ નહીં પાસપોર્ટ, બેગ, કપડાં, મેડિકલ, વયોવૃદ્ધ માટે વ્હીલચેર ઉપરાંત ખર્ચ કરવા માટે 50 ડોલર જેવી રકમ પણ આપવામાં આવી હતી.

રિઝવાન આડતિયા મોટિવેશનલ સ્પીકર પણ છે 
પોઝિટિવ લાઇફ કેવી રીતે જીવવી એ અંગે તેઓ મોઝામ્બિકમાં લેક્ચર આપે છે. ઇશ્વરે જે કંઇ આપ્યું છે તેનો થોડો ભાગ જરૂરિયાતમંદ માટે વાપરવો જોઇએ એ તેમનો જીવનમંત્ર છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી