લેસ્ટરમાં નીકળી લીરબાઈ આઈની રથયાત્રા:વિદેશી ધરતી પર લહેરાઈ મહેર સમાજની સંસ્કૃતિ, 500 સ્ત્રી પુરુષો પરંપરાગત વેશમાં યાત્રામાં જોડાયા

અમદાવાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇદી અમીનના ત્રાસથી પહેરેલ કપડે નીકળ્યા આજે UKમાં બે પાંદડે થયાં

યુકેના લેસ્ટરમાં થોડા દિવસો પહેલાં જ મહેર સમાજે લીરબાઈ આઈની રથયાત્રા કાઢી હતી. જેમાં ઘણી મોટી સંખ્યામાં ત્યાં રહેતા મહેર સમાજના લોકોએ ભાગ લીધો હતો. જેમાં ભાગ્યે જ જોવા મળે એવો નજારો જોવા મળ્યો હતો. રથયાત્રા દરમિયાન પોતાની સંસ્કૃતિ જાળવી રાખવાના આશયથી મહેર સમાજના આશરે 500 સ્ત્રી-પુરુષો પોતાના ટ્રેડિશનલ વેશ પહેરીને આવ્યા હતા. વિદેશની ધરતી ઉપર કદાચ આ પહેલો એવો પ્રસંગ હશે. જેમાં આટલી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો પોતાના સામાજિક વેશ ધારણ કર્યો હોય.

આ અંગે દિવ્ય ભાસ્કરે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલભાઈ ઓડેદરા સાથે વાત કરી હતી. લેસ્ટરમાં નીકળેલી રથયાત્રા વિશે તેમણે જણાવ્યું કે, "અમારા સમાજમાં આઈને બધા બહુ માને છે. ભારતમાં 12 એપ્રિલથી 2 જી મે સુધી 21 દિવસ સુધી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલે 180 ગામડા ફરીને 12મી રથયાત્રા કરી હતી. એનું કારણ સમાજમાં સારા વિચારો આવે એ જરૂરી છે. એ ખૂબ જ સફળ થઈ. એટલે લેસ્ટર શહેરમાં રહેતા મહેર સમાજને પણ થયું કે આપણે પણ અહિયાં આવી રથયાત્રા કાઢવી જોઈએ. એટલે દસમી જુલાઇના માલદેભાઈ ઓડેદરા, જે ઇન્ટરનેશનલ મેર કોમ્યુનિટી યુકેના રીપ્રેઝેનટેટીવ છે તેમણે એનાઉન્સ કર્યું અને મે તેમને સપોર્ટ કરીને ઉજવણી કરવામાં મદદ કરી.

ઉજવણી કઈ રીતે કરી?
લેસ્ટરમાં આવેલા એક મંદિરમાં એક વાહનમાં લીરબાઈ આઈ અને પુતીઆઈની સ્થાપના કરી મહેર સેન્ટરમાં આખો દિવસ આઈના ભજનો અને ગીતો ગાયા. એ સાથે જ આઈના દર્શન અને જમવાનું રાખ્યું હતું. ઉપરાંત આઈ બાબતની બધી ચર્ચાઓ રાખી હતી. એ આખો પ્રોગ્રામ ફક્ત એક દિવસ પૂરતો હતો. જે વિદેશની ધરતી પર પહેલી વખત હતો. લેસ્ટરમાં મહેર સમાજના 2000 થી 2500 લોકો રહે છે. જ્યારે લંડનમાં 800ની આસપાસ લોકો રહે છે.

મહેર લોકો ક્યારે અને કેમ યુકેમાં આવ્યા?
મહેર સમાજના લોકો આફ્રિકાના દેશોમાં રહેતા હતા. 70ના દાયકામાં જ્યારે ઇદી અમીને એશિયનોને યુગાન્ડામાંથી કાઢ્યા ત્યારે મહેર સમાજના મોટાભાગના લોકો ત્યાંથી યુકે આવ્યા. કારણ કે મોટાભાગના બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર હતા. કેટલાંક લોકો અમેરિકા પણ ગયા હતા. પરંતુ તેમનું પ્રમાણ ઓછું હતું. યુગાન્ડામાં જે થયું એ પછી ટાન્ઝાનિયા તથા કેન્યામાં રહેતા લોકોને પણ બીક પેઠી કે અમારી સાથે પણ આવું થશે તો? એટલે તે પણ સેફટી માટે યુકે આવતાં રહ્યા. ત્યારે યુગાન્ડામાં રહેતા લોકો પહેરેલા કપડે નીકળ્યા હતા અને હવે યુકેમાં ઠરીઠામ થયાં છે.

મહેર સમાજનો મૂળ વ્યવસાય અને યુકેમાં તેમની પ્રવૃતિ
મૂળે મહેર કોમ્યુનિટી મોટાભાગે ખેતીકામ સાથે જ જોડાયેલી છે. 5 ટકા જેટલા લોકો કદાચ અન્ય કામ સાથે જોડાયેલા હોય શકે. જ્યારે યુકેમાં રહેતા મહેર સમાજના લોકો દુકાનો, કાપડના ધંધા સાથે જોડાયેલા છે, જ્યારે કેટલાંક લોકો વેર હાઉસમાં પણ નોકરી કરે છે.

સંગઠન વિશે
ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલનું નામ પહેલા મહેર સુપ્રીમ કાઉન્સિલ હતું. 1999માં પોરબંદરના વિવિધ સ્થળે 50000ની મહેર કોમ્યુનિટી મેદની ભેગી થઈ એ સમયે ડૉ વિરમભાઇ ગોધણીયા(UK) ઇન્ટરનેશનલ મેર કોમ્યુનિટીની કઈ રીતે પ્રગતિ થાય એ માટે કામ શરૂ કર્યું. એ જવાબદારી ફેબ્રુઆરી 2020માં વિમલભાઈ ઓડેદરા (લંડન) એ સંભાળી. આ સંગઠન શિક્ષણ, ધાર્મિક, ગામડાઓના વિકાસ, વ્યસન મુક્તિ જેવાં કાર્યક્રમો કરે છે. આંતરરાષ્ટ્રીય રીતે આ સંગઠનના આશરે 10 હજાર કાર્યકરો હાલમાં એક્ટિવ છે. આ સંગઠન અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલીયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, કેન્યા, યુગાન્ડા ઉપરાંતના દેશોમાં ફેલાયેલું છે.

ટ્રેડિશનલ કપડાં અને દાગીના વિશે
લેસ્ટરની યાત્રા પહેલાં તેમણે જાહેરાત કરી હતી કે ભાગ લેવા આવનાર વ્યક્તિઓએ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવવું. કારણ કે નવી પેઢીને પણ ખબર પડે કે આપણો અસલી પહેરવેશ શું છે? જેના પગલે 500 જેટલા સ્ત્રીઓ અને પુરુષો પોતાના ભાતીગળ વેશમાં યાત્રામાં ભાગ લેવા આવ્યા હતા. પુરુષો ચોરણી, આંગણી અને પાઘડી પહેરે છે. જ્યારે સ્ત્રીઓ ઢારવા અને કાપડા સાથે લાખો રૂપિયાના કિંમતી દાગીના પહેરતી હોય છે. આ પહેરવેશ પોરબંદરમાં કેટલાંક દરજી સીવે છે. જેથી વિદેશમાં રહેતા મહેર સમાજના લોકો આ પહેરવેશ અહિયાથી લઈ જાય કે મંગાવે છે. સ્ત્રીઓના ગળામાં પહેરવાના દાગીના 80, 100 કે 130 તોલા સુધીના વજનના હોય છે. પુરુષોને પણ ગળામાં પહેરવાનું આભૂષણ હોય છે જે 10 થી 15 તોલાની આસપાસ હોય છે.

લીરબાઈ આઈનું મહત્વ
આજથી 150 વર્ષ પહેલા એ થઈ ગયા. તેમના લગ્ન થયાં અને કેશવ ગામ આવેલા તેમના સાસરે ગયા. વજસી મેર એમના પતિ હતા. એ શિકાર કરે. ત્યારે પણ આઈ ને ન ગમતું પણ ધીરજ રાખી. છેલ્લે વજસી મેર ને વજસી ભગત બનાવ્યા. આઈએ વિચરણ કર્યું. સનાતન ધર્મની રજૂઆત કરી. આખા ગામને જમાડ્યા. સદાવ્રતો ઊભા કર્યા. એમણે 20 થી 25 જેટલા પરચા આપ્યા હતા. લીરબાઈ આઈએ રાણાકંડોરનાં ગામે સમાધિ લીધી હતી. એ પહેલા કેશવ, મોઢવાડા, ગોસા, રાણા કંડોરણા કોઠડી અને શિશલી ગામે સ્થાનક સ્થાપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...