સંકટમાં અમેરિકા / આખી દુનિયાને ઝપટમાં લેતો કોરોનાવાઈરસ વિશ્વયુદ્ધ કરતા જરા પણ ઉતરતો નથી

covid 19 and USA
X
covid 19 and USA

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 02:31 PM IST

(રેખાબેન પટેલ ડેલાવર-અમેરિકાથી): કટોકટીના સમયેની પહેલી જરૂરિયાત માનસિક સંતુલન જાળવવું. જે સ્થિતિને નિયંત્રિત કરવી મુશ્કેલ હોય તેમાં માનસિક તણાવ વધી જાય છે. બીમારીનાં ડર સાથે જ્યારે આર્થિક સંકડામણ અનુભવાય ત્યારે ગમે તેવા મજબુત માણસો પણ ડગમગી જાય છે. આવી સ્થિતિમાં બહુ ઝડપથી તેઓ ડીપ્રેશનમાં ઘેરાઈ જાય છે. એવી સ્થિતિનો સામનો કરવા માટે તે સમયમાં વ્યસ્ત રહેવું અને એકબીજાને યથાશક્તિ મદદ કરવી ખુબ જરૂરી છે, આ કાયમી નથી માનીને સહજતાથી અને સાવધાનીપૂર્વક તેનો સામનો કરવામાં આવે તો ઝડપથી બહાર નીકળી શકાય છે.

વિશ્વના ૧૯૬ દેશો આની ઝપટમાં આવી ગયા છે. બીજા દેશોની માફક અમેરિકા પણ આ વાઇરસના હુમલા માટે તૈયાર નહોતું. આ વાઈરસના પગ પેસારા પહેલા જો સાવધાની રાખવામાં આવી હોત તો કદાચ આજની સ્થિતિ આટલી ભયજનક ના હોત. દરેકને માસ્ક, હેન્ડગ્લવ્સ અન સેનેટાઇઝર મળી ગયા હોત તો આ વાઈરસ કદાચ આટલી હદે કદાચ આ ના વકર્યો હોત. લોકો ડરે છે છતાં જોઈતી સાવચેતી નથી રાખતા. કારણ વિના બહાર ના જવું, પ્રાથમિક જરૂરીયાત ના હોય તેની માટે બહાર જવાનું ટાળવું અત્યંત જરૂરી હોવા છતાં હજુ રસ્તાઓ ઉપર ગાડીઓ  જોવા મળે છે.

આજે જ્યારે આખું વિશ્વ કોરોનાવાઈરસના ભરડામાં જકડાઈ રહ્યું છે ત્યારે અમેરિકા પણ આમાંથી બાકાત નથી. અત્યારે ૬૫ ૦૦૦ થી પણ વધારે લોકો વાઈરસ્ગ્રસ્ત બન્યા છે જેમાં ૯૦૦ જેટલા મૃત્યુ નોંધાયા છે. ન્યુયોર્ક અને લ્યુઝીયાના સ્ટેટ્સમાં આ વાઇરસે વધારે આતંક મચાવ્યો છે.
 
આ સ્થિતમાં અમેરિકામાં ૯૫૦,૦૦૦થી વધારે વેન્ટીલેટરની જરૂર પડી શકે તેમ છે ત્યારે માત્ર ૨૦૦૦,૦૦ મશીન ઉપલબ્ધ છે. બને એટલી ઝડપે જરૂરી વસ્તુઓ એકઠી કરી રહ્યા છે છતાં આ બધામાં સમય જાય છે અને મૃતકોની સંખ્યા વધતી જાય છે. દર્દીઓ માટે પુરતી જગ્યાનો અભાવ છે એ માટે ખાલી મોટેલ્સ અને નર્સિંગહોમને કોરોનાવાઇરસના પીડિતો માટે વાપરી શકાય એ માટે વ્યવસ્થા કરી રહ્યા છે. તાત્કાલિક માસ્ક અને જરૂરી વસ્તુઓની બનાવટ ઉપર ભાર મુકાઈ રહ્યો છે.

આવા સમયમાં ખાસ આભાર માનવો ઘટે છે જીવને જોખમમાં અત્યારે મેડીકલ ક્ષેત્રમાં રહેલા ડોક્ટર્સ થી લઈને હોસ્પીટલમાં રહેલા સામાન્ય કાર્યકરોનો. સતત દર્દીઓ વચ્ચે તેમની દેખરેખ કરવાની હોય છે ત્યારે તેમને જરા પણ અણસાર નથી હોતો કે જેઓને એ તપાસી રહ્યા છે તેઓ વાઈરસ્ગ્રસ્ત છે કે નહિ. જે પણ મેડીકલ કાર્યકર અત્યારે ઘરે રહેવાને બદલે જવાબદારીથી નિષ્ઠાથી સેવા આપી રહ્યા હોય તેમનું અમેરિકા જરૂર ઋણી રહેશે.  

અમેરિકામાં મોટા શહેરોમાં જીવનજરૂરીયાત સિવાયના લગભગ દરેક ધંધા બંધ કરાવ્યા છે. આખું અમેરિકા આજે કટોકટીમાં ફસાઈ ગયું છે. બિઝનેસમાં સહુથી વધારે મોટી અસર મોટેલ હોટેલ અને રેસ્ટોરન્ટને થઇ છે. લોકો ઘરની બહાર જતા ડરવા લાગ્યા છે ત્યારે ટ્રાન્સપોર્ટ પ્લેન બસ ટ્રેન બધું લગભગ બંધ થઇ ગયા છે ત્યારે હોટલ મોટલના ઘંધા સાવ બંધ થઈ ગયા. 

મોટેલ્સ બીઝનેશમાં મોટી મૂડી રોકાણ હોવાથી બેન્કોમાં મોર્ગેજ રહે છે. જો આવી સ્થિતિમાં વધુ ચાલે તો પરાણે ચાલતી હોટેલ મોટેલ્સ બંધ થવાની શક્યતાઓ દેખાય છે. બરાબર આવો જ ડર રેસ્ટોરન્ટના ઘંધાઓમાં રહલો છે. બંધ પડેલા ધંધાઓમાં કામ લાખો લોકો નોકરી વિનાના બેરોજગાર બની ગયા છે. જોકે દરેક લોકડાઉન દેશોની આજ સ્થિતિ છે.દરેક પોતાના ધંધા અને લોકોની નોકરી સચવાઈ રહે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. આ સ્થિતિ કોઈની માટે જરા પણ સહ્ય નથી. 

ઘણા લોકોનું માનવું છે થોડા સમય માટે અહી પણ ભારતની માફક સંપૂર્ણ લોક ડાઉન થઇ જવું જોઈએ. પરંતુ આ દેશમાં એટલું સહેલું નથી. અહીની પ્રજા પરંતુ અમેરિકા જેવા દેશમાં મોટાભાગના કાર્યકરો વીકલી પગાર ઉપર જીવનારા છે. પે ચેક ઉપર જીવનારી આ પ્રજા માટે નોકરી જવી કે બે મહિના બધું બંધ થઇ ગયું એ જાણીને આભ તૂટી પડે.

અમેરિકામાં વધારાનું દુષણ છે અહીના વેલ્ફેર પ્રોગ્રામમાં ફૂડ સ્ટેમ્પ, અને મેડીકેર અને મેડિકેટેડ. અમેરિકામાં એક વ્યક્તિની વાર્ષિક આવક ઓછી હોય તેમને ઉપરની બધી સગવડો મળી શકે છે. તેમાં હવે આ આપત્તિને કારણે બેરોજગારીને કારણે અનએમ્પ્લોઇમેન્ટ વધી જાય તો અમેરિકાના આર્થિક તંત્ર ઉપર મોટું ભારણ આવી જવાનો ખતરો પણ એટલો જ છે.

પ્રેસીડેન્ટ ટ્રમ્પ પણ આ વિષમ પરિસ્થિતિ માટે ઘણી રાહત યોજનાઓ બહાર પાડી રહ્યા છે. જેમાં ૨ ટ્રીલીયન ડોલર્સ માત્ર ઈકોનોમીને જાળવી રાખવા ફાળવ્યા છે. વાર્ષિક ૭૫,૦૦૦ કરતા ઓછી આવક વાળા ફેમિલીને ૧૨,૦૦ દરેક પુખ્તવયની વ્યક્તિને અને ૫૦૦ ડોલર્સ બાળકો દીઠ આપવા નક્કી કાર્ય છે જેથી તેમને આ દિવસોમાં રાહત મળે. 

નાના બંધ થઇ શકે તેવા ધંધાઓ માટે ૩૫૦ બિલિયન લોન પેઠે ફાળવ્યા છે. સાથે લેટ ફી માફ કરવામાં આવી છે. અને બેંકના મોર્ગેજ ભરવામાં ત્રણ મહિના માટેનો વધારાનો સમય આપી રાહત આપવામાં આવી છે. સ્ટુડન્ટ લોન અને કોલેજ ફી માં પણ છૂટ આપવામાં આવી છે. સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ અત્યારે ઘરેથી ઓનલાઈન ક્લાસ લઇ રહ્યા છે. એક રીતે તેમનું આ વર્ષ નહિ બગડે. છતાં દરેકની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. ગવર્મેન્ટ તેમનાથી બનતું બધુજ કરી રહી છે ત્યારે આપણી પણ કૈક ફરજ બને કે આવી સ્થતિમાં દરેકથી બનતું કરવું જોઈએ.

માતૃભૂમિ સાથે કર્મભૂમિને પણ આપણે ભારતીયો મહત્વ આપતાજ રહ્યા છે. તેનો એક સીધો પુરાવો ડેલાવર સ્ટેટનું ભારતીઓ દ્વારા ચાલતા લોકલ બિઝનેશનું પોતાનું " ડાબા એસોસીએશન" જે અવારનવાર સ્ટેટને પોતાનાથી બનતી મદદ કરતુ રહે છે. જે આ વખતે ફરીથી એક થઈને ૫૦,૦૦૦ ડોલર્સ કરતા પણ વધારે રકમ એકઠી " ફૂડ બેંક ઓફ ડેલાવર" ને મોકલાવી. 

આ સંસ્થા ૩૦ વર્ષ કરતા પણ જૂની છે. જે દર વર્ષે ૭ લાખ કરતા પણ વધારે લોકોને ખાવાનું પહોચાડે છે. સામાન્ય દિવસોમાં પણ અહી તોજ મફત ખાવાનું અપાય છે. આવી સ્થિતિમા તેઓ હોમલેસ અને ગરીબીરેખા નીચે જીવતા નોકરી વિનાના લોકો માટે ખુબ મહેનત કરી રહ્યા છે. તો આ રકમ તેમને મોકલાવી કૈક કર્યાની લાગણી અનુભવી શકાય છે. આવું લગભગ દરેક સ્ટેટમાં થતું હશે. મુશકેલીના સમયમાં એક થવું એજ માણસાઈની પરખ છે. 

અમેરિકામાં કોણ જાણે લોકોને ડીપ્રેશન બહુ ઝડપથી આવી જાય છે. કારણ ભારતની જેમ ઘરની બહાર નીકળતા ફળિયું, ચોતરો, શેરી કે બજાર જોવા મળતા નથી. મોટાભાગના અમેરિકન વિક ડેઝમાં ઘરે થી કામ ઉપર અને વીકેન્ડમાં ગ્રોસરી કે મોલ શોપિંગથી ટેવાએલા હોય છે. 

આવા કટોકટીના સમયે હવે શું? ના ડરને જીતવા માટે જરૂર કરતા વધારે વસ્તુઓનો સંગ્રહ કરે છે. અમેરિકામાં તો મોટા પ્રમાણમાં આલ્કોહોલ પણ ખરીદાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ડિપ્રેશનમાં આવી જઈને  રીલેક્ષ રહેવા લોકો પોતાની ખોટી આદતોને વધુ વળગી રહે છે તેના કરતા ગમતા શોખને અપનાવી તેમાં ઘ્યાન કેન્દ્રિત કરે તો વધારે ખુશ અને રીલેક્સ રહી શકે. આપણા માટે અને બીજાઓના માટે પણ બહાર જવાનું ટાળવું ખુબ જરૂરી છે.

આપણી આજુબાજુ શું થઈ રહ્યું છે તે વિશેની વિસ્તૃત માહિતી મેળવવા, સચેત રહેવા મીડિયા સાથે જોડાઈ રહેવું જરૂરી છે. જેથી સલાહ અને સાવચેતીઓની પૂરતી જાણકારી મેળવી શકાય. આવા કટોકટીના સમયે મીડિયાની અને લેખકની જવાબદારી ઘણી વધી જાય છે. આવા સમયે સાચી માહિતી આપવી તેમની નૈતિક ફરજ હોય છે. આ સ્થતિમાં આપણે ગભરાહટને હટાવી જાગૃતતા કેળવવાની અને સાવચેતીના પગલાને ઘ્યાનમાં રાખી તેને ફોલો કરવાની જરૂર છે.
" એક દુઃખનું વાદળ છે જે આપણી સમાજ અને સમયસુચકતા પ્રમાણે વેરાઈ જવાનું છે." બસ એ પછીની જટિલ પરિસ્થિતિ માટે અત્યારથી મનોબળ મજબુત કરવું પડશે. કારણ આ વાઈરસ પછીનો મોટો વિકટ પ્રશ્ન ઈકોનોમીનો આવશે. છેલ્લા બે વર્ષથી અમેરિકાની ઈકોનોમી સુધારી રહી હતી તેનું ભવિષ્ય ધૂંધળું દેખાય છે. " god bess you America"

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી