કેનેડા જનારા ભારતીયોમાં સૌથી વધારે પંજાબી અને ગુજરાતી છે. કેનેડા સરકારે ભારતીયો અંગે સર્વે કરાવ્યો ત્યારે ખબર પડી કે કેનેડામાં તો પંજાબી છે એટલા જ ગુજરાતી પણ છે એટલે કેનેડા સરકારે પોતાની વેબસાઈટમાં વિઝાને લગતા નિયમોની માહિતી ગુજરાતીમાં આપવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી ઇંગ્લિશ, હિન્દી અને પંજાબી ભાષામાં વિઝાની માહિતી અપાતી હતી પણ હવે કેનેડા સરકારે ગુજરાતીઓના પ્રવાહને ધ્યાને લઈ ગુજરાતીમાં પણ નિયમો આપવાનું નક્કી કર્યું છે.
વેબસાઇટમાં શું માહિતી અપાઈ છે
https://www.canada.ca વેબસાઈટમાં સ્ટુડન્ટ, પ્રોફેશનલ્સ અને ફેમિલી માટે વિઝાના નિયમો શું છે તેની માહિતી આપવામાં આવી છે. જેમ કે, 1. તમે ભારતથી કેનેડા પ્રવાસ કરવા અરજી કરો તે પહેલાં નિયમો જાણો 2. તમને વિઝા મળવાની ગેરંટી કોઈપણ આપી શકતું નથી. 3. વિઝા એજન્ટનો ઉપયોગ કરવો અને એજન્ટોની યાદી પણ છે. 4. અનધિકૃત વિઝા એજન્ટ સાથે કામ કરતી વખતે સાવચેત રહેશો. 5. છેતરપિંડીનાં પરિણામો. 6. નકલી નોકરીની ઓફરો અને વિદ્યાર્થીઓ સાથે થતાં કૌભાંડો. આ સહિતની અન્ય માહિતી વિસ્તારથી આપવામાં આવી છે.
આનાથી ફાયદો શું થશે
કેનેડા સરકારે પોતાની વેબસાઇટ પર ગુજરાતીમાં માહિતી આપી છે તેનાથી ગુજરાતી સ્ટુડન્ટ અને ખાસ કરીને તેમના વાલીઓને ફાયદો થશે. એક તો વેબસાઇટ પરથી સાચા નિયમો જાણી શકાશે. મા-બાપને અંગ્રેજીમાં સમજ ન પડતી હોય તો ગુજરાતીમાં જાણી શકશે. ખોટા એજન્ટોના સાણસામાં ફસાશે નહીં. સચોટ અને સાચી માહિતી મળતાં એજન્ટો મોટી-મોટી વાતો કરીને છેતરી નહીં શકે.
શું કહ્યું હેમંતભાઈ શાહે
મૂળ કચ્છના અબડાસા તાલુકાના વરડિયા ગામના વતની હેમંત શાહ 50 વર્ષથી કેનેડામાં વસવાટ કરે છે. 1972માં કેનેડા ગયા અને ત્યારથી જ ત્યાં સ્થાયી થયા છે. ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ અને કેનેડા વચ્ચે એ હંમેશાં સેતુ બનીને રહ્યા છે. ત્યાં કેનેડા-ઇન્ડિયા ટ્રેડ અને ગુજરાત-ઇન્ડિયા ટ્રેડમાં તેમણે કામ કરેલું છે. તે વખતે ભારતમાં ઇમ્પોર્ટ લાઇસન્સ રાજ હતું. જેમાંથી હેમંતભાઈએ બિઝનેસની શરૂઆત કરી. એમનો મૂળ બિઝનેસ તો એગ્રીકલ્ચર હતો. પછી એ એવિએશન તરફ વળ્યા અને તેમની એકેડમીમાં સંખ્યાબંધ યુવક-યુવતીઓને પાઇલટ બનાવ્યાં.
કેનેડા સરકારના આ પગલા અંગે હેમંતભાઈ શાહ કહે છે, કેનેડા સરકારની વેબસાઇટમાં ઇન્ડિયન રિજિનલ લેન્ગવેજ તરીકે માત્ર પંજાબી જ હતી પણ પછી કેનેડા સરકાર અને બ્યુરોક્રેટ્સના ધ્યાનમાં આવ્યું કે કેનેડામાં ગુજરાતથી પણ સૌથી વધારે સ્ટુડન્ટ્સ, પ્રોફેશનલ્સ અને ફેમિલી આવે છે એટલે વેબસાઈટમાં ગુજરાતી ભાષા એડ કરી.
કેનેડા સ્થાયી થવા માગતા સ્ટુડન્ટ્સને હેમંતભાઈની સલાહ
વિનીપેગમાં સ્થાયી થયેલા હેમંત શાહે જણાવ્યું હતું કે, હાલમાં તમામને ટોરેન્ટો આવવું છે. તેવું ન કરવું જોઇએ. અન્ય પ્રોવિન્સમાં પ્રમાણમાં સારી તકો છે જ. મોટાભાગના વિદ્યાર્થીઓ ટોરેન્ટો જ જવા માગે છે. ત્યારે તેઓને જણાવવાનું કે, ત્યાં જ તકો છે એવું નથી. તમે વેસ્ટર્ન કેનેડા તરફ જઈ શકો છો અને ઈસ્ટર્ન કેનેડામાં જાઓ. ન્યુબ્રન્સવિક, સેનજોન્સ, હેલીફેક્સ ત્યાં બધી જગ્યાએ કેટલીય તકો રહેલી છે. આજે વેસ્ટર્ન કેનેડા તો હેપનિંગ છે. મેનીટોબા પ્રોવિન્સ, સાસ્કેટયુન, વેનકુવર છે. ત્યાં એટલી તકો છે કે, તમે તમારા બિઝનેસમાં કે તમારી પ્રોફેશનલ કરિયરમાં આગળ વધી શકો છો. એટલે તમે તમારું ધ્યાન એક જ જગ્યાએ કેન્દ્રિત ના કરો. ઓન્ટારિયો કે ટોરાન્ટોમાં જ જવું એવું જ નક્કી ના કરો, આજે ટોરેન્ટોમાં તમે એક જોબ માટે જાવ છો ત્યાં 100 લોકો એપ્લાય કરે છે. જ્યારે તમે વેસ્ટર્ન કેનેડા તરફ જશો ત્યાં એક જોબ માટે માત્ર 10 લોકો જ એપ્લાય કરતા હોય છે. જેથી તમને જોબ મળવાના ચાન્સ વધુ રહેશે. આજે ટોરેન્ટોથી જેને પીઆર નથી મળતું તે બધા વેસ્ટર્ન કેનેડા તરફ જઈ રહ્યા છે અને ત્યાં પીઆર અપ્લાય કરે છે. ત્યારે આમ કરવા કરતા તમે ડાયરેક્ટ વેસ્ટર્ન કેનેડા તરફ આવો તેવી મારી સલાહ છે.
સાભાર : કેનેડા સરકાર.
ગુજરાતીમાં વેબસાઇટ વાંચવા આ લિન્ક પર ક્લિક કરો.
https://www.canada.ca/en/immigration-refugees-citizenship/campaigns/before-apply-india-gu.html
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.