ભાસ્કર એક્સક્લૂસિવકેજરીવાલે પ્રોટોકોલ તોડી લેખિત બાંહેધરી આપી:Z પ્લસ સિક્યોરિટી હોવા છતાં તેમણે સુરક્ષા નિયમનું ઉલ્લંઘન કર્યું, DCPએ કહ્યું- આ અંગે રિપોર્ટ કરવામાં આવશે

14 દિવસ પહેલાલેખક: ચેતન પુરોહિત

આમઆદમી પાર્ટી(AAP)ના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે તમામ નીતિનિયમોને તોડીને રિક્ષામાં બેસી હોટલથી રવાના થયા હતા ત્યારે તેમનું સ્થાનિક પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન તેમણે સુરક્ષાને લઈને થયેલા ઉલ્લંઘન અંગે જવાબદાર છે એવું પોલીસ માની રહી છે. આ સમગ્ર મામલે આ વિસ્તારના DCP ભગીરથસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે તેમને Z પ્લસ સુરક્ષા મળી છે અને તેમની સુરક્ષા મહત્ત્વની હતી, તેમ છતાં તેમણે ત્યાંથી જવાનું નક્કી કર્યું, એ માટે તેમણે લેખિત બાંહેધરી આપી હતી, જે ચિઠ્ઠીમાં તેમણે સહી પણ કરી છે, હાલમાં સમગ્ર મામલે આ અંગેનો રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

'રિક્ષામાં બેસવાનો હઠાગ્રહ કર્યો'
અરવિંદ કેજરીવાલ હોટલ પરથી નીકળ્યા ત્યારે તેમણે રિક્ષામાં બેસવાની જીદ પકડી હતી. જોકે તેમને Z પ્લાસ સુરક્ષા મળી હોવાથી પોલીસ પ્રોટોકોલ પ્રમાણે તેમને સુરક્ષા આપવાની જવાબદારી હતી. આ સમયે તેમણે સ્થાનિક પોલીસ સાથે ઘર્ષણ કર્યું અને તેઓ રિક્ષામાં જ આગળના કાર્યક્રમમાં જવા રવાના થયા હતા. આ સમયે પોલીસ સાથે થયેલી વાતચીત અને ઘર્ષણ અંગે ઝોન-7ના DCP જાડેજા જણાવ્યું છે કે કેજરીવાલ તાજ હોટલમાં રોકાયા હતા, ત્યાંથી તેઓ ઘાટલોડિયા એક રિક્ષાચાલકને ત્યાં જવાના હતા. ડિનરનો કાર્યક્રમ હતો, કેવી છેલ્લી ઘડીએ તેમને જાણ કરી હતી તેઓ ત્યાં જવા માટે રિક્ષામાં જવાનો આગ્રહ રાખ્યો હતો.

લેખિતમાં બાંહેધરી આપી
DCP જાડેજાએ વધુમાં કહ્યું હતું કે- તેમને Z પ્લસ સિક્યોરિટી આપેલી છે ત્યારે તેમને સમજાવ્યું કે તમે રિક્ષામાં બેસીને ના જઈ શકો. તમારા પર થ્રેટ છે, ત્યારે સુરક્ષાને ધ્યાનમાં લેતાં સિક્યોરિટી પ્રોટોકોલ પૂરો કરવો જરૂરી છે. DCP કહ્યું હતું કે અમે તેમને સમજાવ્યા હતા કે તમારી સિક્યોરિટી જરૂરી છે, જોકે તેમણે સિક્યોરિટી પ્રોટોકોલની અવગણના કરીને કહ્યું હતું કે અમારે સિક્યોરિટી જોઈતી નથી, હું મારી અંગત જવાબદારી પર જવા માગું છું. આ વાત તેમણે લેખિતમાં આપી હતી અને એમાં તેઓ હસ્તાક્ષર કરીને રિક્ષામાં જવા નીકળ્યા હતા. તેમ છતાં સુરક્ષાના કારણસર તેમને વધારાની પોલીસ ફાળવી હતી અને તેઓ કાર્યક્રમમાં જવા આગળ વધ્યા હતા.

આ અંગે રિપોર્ટ કરાશે
DCP જાડેજાએ કહ્યું કે આ સંદર્ભે સ્પેશિયલ રિપોર્ટ કરવામાં આવશે, જેમાં મહાનુભવે જે સિક્યોરિટી પ્રોટોકોલનું ઉલ્લંઘન કરી ધરાર નિયમનું પાલન ન કરીને આગળના કાર્યક્રમમાં રવાના થયા હતા, જે અંગેનો રિપોર્ટ કરવામાં આવશે.

તાજ સ્કાયલાઇન હોટલથી એસ્કોર્ટ સાથે રિક્ષામાં કેજરીવાલ નીકળ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘાટલોડિયા વિસ્તારમાં દંતાણીનગરમાં રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે આજે રાત્રે જમવા રવાના થયા હતા, ત્યારે તેઓ તાજ સ્કાયલાઇન હોટલથી વિક્રમ દંતાણીની રિક્ષામાં તેના ઘરે આવવા નીકળ્યા હતા. મુખ્યમંત્રી હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તેમને રિક્ષામાં ન જઈ શકે એ માટે પોલીસે અટકાવ્યા હતા, પરંતુ લેખિતમાં સુરક્ષાને લઈ અને બાંહેધરી આપી હતી. ત્યાર બાદ તેઓ રિક્ષામાં ઘાટલોડિયા આવવા માટે નીકળ્યા હતા. અરવિંદ કેજરીવાલની સાથે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી રિક્ષામાં બેઠા હતા.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદની મુલાકાતે છે. ત્યારે સવારે રિક્ષાચાલકના સંવાદ દરમિયાન રિક્ષાચાલકે તેમના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું હતું. એ આમંત્રણનો સ્વીકાર કરી સોમવારે રાત્રે તેઓ ઘાટલોડિયા વિસ્તારમાં કેકે નગર પાસે દંતાણીનગરમાં રહેતા રિક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા પહોચ્યા હતા. એક રૂમ અને રસોડા જેવા નાના મકાનમાં રહેતા વિક્રમ દંતાણીના ઘરે અરવિંદ કેજરીવાલ જમવા પહોંચવાના હોવાને પગલે તૈયારીઓ કરાઈ હતી.

દૂધીનું શાક, રોટલી, દાળ, ભાત બનાવ્યાઃ રિક્ષાચાલકનાં પત્ની
વિક્રમભાઈનાં પત્ની નિશાબેને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અરવિંદ કેજરીવાલ અમારા ઘરે જમવા આવ્યા હતા. તેમના માટે અમે દૂધીનું શાક, રોટલી, દાળ, ભાત બનાવ્યા હતા. અમને આનંદ છે કે આજે અમારા ઘરે અરવિંદ કેજરીવાલ જમવા આવ્યા છે.

ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ દંતાણી રિક્ષાચાલક છે અને તેઓ જ્યારે વૈષ્ણોદેવી સર્કલ પાસે આમ આદમી પાર્ટીના રિક્ષાચાલકો સાથેના સંવાદમાં આવ્યા હતા. ત્યારે તેમણે પંજાબમાં જ્યારે અરવિંદ કેજરીવાલ એક રિક્ષાચાલકના ઘરે જમવા ગયા હતા, એનો વીડિયો જોયો હતો, જેથી તેઓ પોતાના ઘરે જમવા આવે તેવું આમંત્રણ આપતાં અરવિંદ કેજરીવાલ દ્વારા એનો સ્વીકાર કરીને જમવા માટે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...