• Gujarati News
  • Local
  • Gujarat
  • Why Were There Late Night Raids In Jails Across Gujarat?, What Did Yesudan Gadhvi Say Directly Attacking PM Modi?, Will Ahmedabad Be Known As Karnavati Now?

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:ગુજરાતભરની જેલોમાં મોડી રાતે દરોડા, ઈસુદાન ગઢવીએ મોદી પર પ્રહાર કરતા શું કહ્યું? વિધાનસભામાં ગાજ્યો અમદાવાદનાં નામનો મુદ્દો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતભરની જેલોમાં દરોડા

ગઈકાલે મોડી રાતે ગુજરાતભરની જેલોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરની જેલોમાં છાપેમારીની કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બે કલાક સુધી મેરાથોન મિટિંગ ચાલી હતી. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. અતિક અહેમદ હાઈ સિક્યુરિટી ઝોનમાં હતો છતાં ઉત્તર પ્રદેશમાં એક શખ્સની હત્યા કરાઈ હતી. વોટ્સએપ કોલમાંથી વાત કર્યા બાદ આ સમગ્ર કાર્યવાહી કરાઈ હોવાનું માનવામાં આવે છે.

આખરે CMOના PROનું રાજીનામું

મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી (PRO) હિતેષ પંડ્યાએ આખરે રાજીનામું આપવું પડ્યું છે. પંડ્યાના પુત્રનું નામ મહાઠગ કિરણ પટેલના કેસમાં સંડોવાતાં હિતેષ પંડ્યાએ દિલ્હી જાણ કરીને કહ્યું છે કે તેમની સેવાઓ અંગે જે નિર્ણય લેવાય એ તેમને મંજૂર રહેશે. એક તરફ હિતેષ પંડ્યાની પાસેથી રાજીનામું લઈ લેવાયું હોવાની ચર્ચા ચાલતી હતી.

ઈસુદાનના સીધા PM મોદી પર પ્રહાર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગઈકાલે સુરતની કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી. જે બાદ આજે તેમનું સંસદસભ્ય પદ રદ કરવામાં આવ્યું છે, જેને લઈ આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીએ આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો તેમજ નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને નકલી રાષ્ટ્રવાદી ગણાવી આકરા પ્રહારો કર્યા હતા. વલસાડના પ્રવાસે આવેલા ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, ભલે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા હોય પણ આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ નહીં પણ આ દેશ મહત્ત્વનો છે. જે પ્રમાણે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે કોર્ટને અમે સન્માન આપીએ છીએ, પરંતુ રાહુલ ગાંધીને સંસદમાંથી બરતરફ કરાયા એને અમે વખોડીએ છીએ. નરેન્દ્ર મોદી અને ભાજપની એક ચાલ છે કે દેશની તમામ પાર્ટીઓને ખતમ કરી નાખવી, તમામ નેતાઓને ખતમ કરી નાખવા, કોઈપણ નેતાઓને ખોટા કેસ કરીને જેલમાં લઈ જવા અને પછી અદાણીઓને ભેગા કરીને આ દેશને લૂંટી લેવો. અંગ્રેજોથી પણ ખરાબ નીતિ નરેન્દ્ર મોદીની છે. તમામ વિપક્ષને ખતમ કરીને માત્ર એક જ પાર્ટી રહે અને એક જ નેતા રહે પછી દેશને મરજી પડે તેમ વેચી કાઢે તેવું આખું ષડયત્ર રચવામાં આવ્યું છે. વધુમાં જણાવ્યું કે ગુજરાતીઓ અને દેશવાસીઓએ પોતે પોતાની લડાઈ લડવી પડશે. આપણે ભલે નરેન્દ્ર મોદીના ફેન રહ્યા હોય પણ આજથી નરેન્દ્ર મોદીને જય માતાજી કારણ કે આ તો તાનાશાહી છે. અદાણી પર કોઈ કાર્યવાહી નથી થતી, તેના ભાઈઓ પર કોઈ કાર્યવાહી નથી થતી. 68 વર્ષ સુધી 56 લાખ કરોડનું દેવું હતું અત્યારે 156 લાખ કરોડનું થઈ ગયું. 8 વર્ષમાં 100 લાખ કરોડનું દેવું વધુ ગયું. એરપોર્ટ અદાણીને વેચી નાખ્યાં, રેલ વેચી નાખી, કોલસા વેચી નાખ્યા, બીએસએનએલ વેચી નાખ્યું અને પછી કહે છે કે રાષ્ટ્રવાદી. આ નકલી રાષ્ટ્રવાદી છે. આને જેટલું ઓળખી લઈશું એટલું ભારત વહેલું બચશે.

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવા મામલે ગોપાલ ઈટાલિયા મેદાને આવ્યા

મોદી અટક પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા માટે સુરતની સેશન્સ કોર્ટે ગઈકાલે તેમને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે કોંગ્રેસનેતાને 2 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યો હતો. ત્યારે હવે રાહુલ ગાંધીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છો. રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે. એવામાં ગુજરાતમાં કોંગ્રેસની કફોડી હાલતની જવાબદાર ગણાતી આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રટરી અને મહારાષ્ટ્ર સહ-પ્રભારી ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી છે અને ન્યાય તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. કહ્યું કે ભાજપે લોકશાહીની હત્યા પર હત્યા કરવાનું શરૂ કર્યું. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટેરી અને મહારાષ્ટ્ર સહ-પ્રભારી ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે કોંગ્રેસ પક્ષ સાથે વૈચારિક મતભેદ તો ગણાય જ. પરંતુ વાત લોકશાહીની આવે, દેશની અંદર કાયદાનું શાસન બચાવી રાખવાની વાત આવે ત્યારે લોકશાહીના સમર્થનમાં ઊભું રહેવું એ ભારત દેશના નાગરિકોની ફરજ છે. ગઈકાલે રાહુલ ગાંધીને સુરતની કોર્ટે બે વર્ષની સજા જાહેર કરી. આજે રાહુલ ગાંધીને લોકસભાના સાંસદ તરીકે ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા. આ ઘટનામાં કાયદા તંત્રની ઝડપ જો જોઈએ તો તે અસાધારણ છે. સામાન્ય કિસ્સામાં નિર્ણય લેતા લેતા 20 થી 40 વર્ષ લાગી જાય છે.

24 કલાકમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા

રાજ્યમાં ફરી એક વાર કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે કેસમાં રાહત થઈ છે અને એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 241 કેસ નોંધાયા છે. તો આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ 1291 એક્ટિવ કેસ થયા છે.જેની સામે 129 દર્દીઓ સાજા થયા છે અને હાલ 6 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. અમદાવાદ શહેરમાં 79, રાજકોટ શહેરમાં 22, સુરત શહેરમાં 21, વડોદરા શહેરમાં 11, મહેસાણામાં 9, રાજકોટમાં 6, ગાંધીનગર શહેર અને કચ્છ જિલ્લામાં 5-5 નોંધાયા છે. જ્યારે આણંદ, સુરત અને વલસાડ જિલ્લામાં 4-4 કેસ, અમરેલી, ભરૂચ, જામનગર શહેર અને પાટણ જિલ્લામાં 3-3 અને પંચમહાલમાં 2 કેસ નોંધાય છે. આ સિવાય અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર શહેર, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જૂનાગઢ, ખેડા, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યના 11 જિલ્લા અને એક શહેરમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.

ગુજરાત વિધાનસભાની વેબસાઈટ

ગુજરાત તમામ ક્ષેત્રે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા પર આ તરફ આગળ વધી રહી છે. ગુજરાત વિધાનસભાને પણ હવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવશે. આજથી ગુજરાત વિધાનસભા વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર શરૂ કરવામાં આવી છે. તમામ પ્રશ્નોત્તરી અને ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકવામાં આવશે. હાલ વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર છે. પરંતુ આગળના સમયમાં તમામ પ્રશ્નતરી સહિત મહત્વના ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકાશે અને લોકો જોઈ શકશે.ગુજરાત વિધાનસભાની આજથી ટ્રાયલ સ્ટેજ પર વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. જેમાં વિધાનસભા ગૃહની તમામ પ્રશ્નોત્તરી અને મહત્વના દસ્તાવેજો મુકવામાં આવશે. તો સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલ પણ લોન્ચ કરશે.છેલ્લા કેટલાય સમયથી ગુજરાત વિધાનસભાનું લોકસભા અને રાજ્યસભાની જેમ લાઈવ પ્રસારણ કરવા રજૂઆત કરવામાં આવી રહી છે. જો કે લાઈવ પ્રસારણને લઈ હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ હવે વેબસાઇટ તથા યુટ્યુબ ચેનલ પર તમામ ધારાસભ્યો અને મંત્રીઓએ ગૃહમાં આપેલા નિવેદનને સોશિયલ મીડિયા પર જોઈ અને સાંભળી શકાશે.સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભાની યુ-ટ્યુબ ચેનલ પણ લોન્ચ કરશે. યુ-ટ્યુબ ચેનલ પર તમામ મંત્રી અને ધારાસભ્યોના નિવેદનો મુકવામાં આવશે. જો કે રેકોર્ડ પરથી દૂર કરાયેલા શબ્દો તેમજ વિવાદિત નિવેદનોને યુ-ટ્યુબ ચેનલ પર અપલોડ નહીં કરવામાં આવે. જો કે હાલ જીવંત પ્રસારણ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ હવે તમામ મંત્રીઓ અને ધારાસભ્યોએ ગૃહમાં આપેલ નિવેદન સોશલ મીડિયા પર જોઈ શકાશે.

અમદાવાદ કર્ણાવતી તરીકે ઓળખાશે?

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું શાસન છે, ત્યારે ઘણી વખત ભાજપ પોતાના રાજકીય મુદ્દામાં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની ગુલબાંગો ફૂંકે છે. ભાજપની પ્રેસ યાદીમાં પણ અમદાવાદનો ઉલ્લેખ કર્ણાવતી તરીકે કરાય છે. તેમ છતાં છેલ્લા 27 વર્ષથી શાસનમાં રહેલ ભાજપની સરકારોએ અમદાવાદનું નામ બદલવામાં કોઈ રસ દાખવ્યો નથી. ત્યારે ગઈકાલે આ મુદ્દો વિધાનસભામાં પણ ગાજ્યો. અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત જ સરકારે કેન્દ્રને મોકલી નથી. વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં સરકારે આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાત વિધાનસભામાં ચર્ચા દરમિયાન અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો મુદ્દો ગાજ્યો હતો. ધારાસભ્યના સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે, અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત સરકારે કેન્દ્રને મોકલી જ નથી. આ બાબતે માર્ચ 2021માં પણ વિધાનસભામાં સવાલ થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે 2021ના સત્રમાં સવાલ કર્યો હતો કે અમદાવાદનું નામ બદલવા સરકારે કયા પગલાં લીધાં છે. ત્યારે તત્કાલિકન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લેખિતમાં જવાબ આપ્યો હતો કે, રાજ્ય સરકાર દ્વારા આ બાબતે કોઈ માંગ કે દરખાસ્ત કેન્દ્રને મોકલી નથી. તો ગઈકાલે આ મુદ્દે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ધારદાર દલીલો થઈ હતી.