• Gujarati News
  • Local
  • Gujarat
  • Why Did The Mother Kill Her Daughter? Builder's 37 Lakh Missing In 30 Minutes In Online Fraud! Food Poisoning Of 150 People At Once

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન:30 મિનિટમાં બિલ્ડરના 37 લાખ ગાયબ!, આ રીતે થયું ઓનલાઈન ફ્રોડ, લગ્નમાં જમણવાર બાદ લોકોના હાલ બેહાલ

એક મહિનો પહેલા

જૈનબંધુઓમાં રોષ ભભૂક્યો
રાજ્યના જૈનબંધુઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આજે રાજકોટ અને વડોદરામાં શેત્રુંજય મહાતીર્થને બચાવવા માટે જૈન સમાજની મહારેલી યોજાઈ હતી. એમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા અને મંદિરમાં તોડફોડ મુદ્દે રેલીમાં રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પાલિતાણામાં પર્વત પર ગેરકાયદે ખનન અટકાવવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.

જનેતાએ જ દીકરીની હત્યા કરી
પેટલાદની પરિણીતાએ બે મહિના પહેલાં જ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે જન્મ બાદ દીકરી સતત બીમાર રહેતી હતી. તેની નડિયાદ અને વડોદરામાં સારવાર કરાવી હતી. બાળકીને કોઈ ફરક ન પડતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલાી 1,200 બેડમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન પિતાએ સવારે ઊઠીને જોયું તો વોર્ડ નંબર 3માં તેમની બે માસની દીકરી ન હતી. જેથી તેમણે હોસ્પિટલના CCTVની તપાસ કરાવતાં તેની પત્નીએ જ બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇ હત્યા કર્યાનું સામે આવ્યું હતું. આ મામલે પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

150થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ
પાલિતાણા શહેરમાં લગ્નની દાવતમાં 100થી 150 લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ હોવાની ઘટના સામે આવી છે. રવિવારે સાંજે યોજાયેલા લગ્ન પ્રસંગમાં એક હજારથી વધુ લોકોએ ચિકન, મટન, બિરયાની સહિતનું નોનવેજ ભોજન આરોગ્યું હતું, સફરજનનો હલવો અને છાશ આરોગતાં 150થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઇ હતી. લોકોને ઊલટીઓ થતાં માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બેડ ખૂટી પડ્યા હતા.

આખેઆખું ગળું જ ચીરાઈ ગયું
ઉત્તરાયણ સમયે વ્યક્તિ મોતને ભેટતો હોય એવો કિસ્સો જોવા મળ્યો છે. ઘણા કિસ્સાઓમાં બાળકો પતંગ લૂંટવા માટે દોડાદોડી કરતાં અથવા તો ધાબા પરથી પડી જતાં મોતને ભેટતાં હોય છે, તો ઘણી વખત માંજાને કારણે વાહનચાલકોનું ગળું કપાતાં મોતને ભેટતા હોય છે. ત્યારે સુરતમાં કામરેજ ચાર રસ્તા પર બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે માંજાને કારણે ગળું કપાઈ જતાં મોત નીપજ્યું હતું.

સાવધાન... હવે આ રીતે પણ લૂંટાઈ શકો છો
આજકાલ ઓનલાઇન છેતરપિંડીની ઘણી ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તાજેતરમાં જ ઓનલાઇન શોપિંગના ચક્કરમાં નવસારીના CAએ 23 લાખ ગુમાવ્યાની ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે લાલચમાં આવી OTP કે કોઇ લિંક પર ક્લિક કરતા લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. જોકે આજે મહેસાણામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેથી સૌકોઇ ગોથે ચડી ગયા છે. મહેસાણાના બિલ્ડરે ના કોઈ OTP આપ્યો હતો કે ના કોઇ લિંક પર ક્લિક કર્યું હતું છતાં ગઠિયાઓએ માત્ર 30 મિનિટમાં બિલ્ડરના ખાતામાંથી 37 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા, જેથી બિલ્ડરે તાત્કાલિક બેંકનું ખાતું બંધ કરાવી મહેસાણા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

દબાણની બબાલ, LIVE દૃશ્યો
વડોદરામાં મહાનગરપાલિકાની જગ્યા ઉપર ગેરકાયદે દબાણ કરી વિકાસનાં કામોમાં અવરોધરૂપ દબાઓ દૂર કરવા માટે મેયર અને સ્થાયી સમિતિના ચેરમેને મોરચો સંભાળ્યો હતો. મેયરે સ્થળ પર હાજર રહીને વડોદરાના વાઘોડિયા રોડ ઉપર કલાદર્શન ચાર રસ્તા પાસે ગેરકાયદે બનાવી દેવામાં આવેલું વૈભવી મકાન દૂર કરાવ્યું હતું. તો સ્થાયી સમિતિના ચેરમેને વારસિયા વિસ્તારમાં આવેલા તળાવના વિકાસમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસેનાં દબાણ દૂર કરવાની કામગીરી સમયે મકાન માલિક અને તંત્ર વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિવારે મીડિયા સાથે પણ ઉદ્ધાતાઇભર્યું વર્તન કર્યું હતું.

ઘરમાં ધુમાડો હતો અને ત્રણેય લાશ પડી હતી
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. પરિવાર જ્યારે ઘરમાં સૂતો હતો ત્યારે વહેલી સવારે કોઈ કારણસર આગ લાગતાં ઘરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં ફાયર બ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ત્યાં પહોંચ્યા બાદ જોતાં રૂમમાં ધુમાડો હતો અને પતિ-પત્ની અને એક બાળકની લાશ ફાયર બ્રિગેડને મળી આવી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતાં શાહપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એફએસએલની તપાસ બાદ જ જાણવા મળશે. મૃતક જયેશભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા.

અન્ય સમાચારો પણ છે...