• Gujarati News
  • Local
  • Gujarat
  • Why Did The Chairs Fly In The Event Of Kinjal Dave?, See How Grandfather Was Decorated In Salangpur On The First Day Of The Year

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:કિંજલ દવેએ કેમ શો બંધ કરવો પડ્યો? સાળંગપુરમાં પહેલીવાર દાદાને આવો શણગાર, જુઓ 7 મોટા સમાચાર

એક મહિનો પહેલા

ફ્લાવર શોમાં જનમેદનીને લઈને અમદાવાદ પોલીસનો નિર્ણય
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર હાલમાં ફ્લાવર શોની શરૂઆત કરવામાં આવી છે. આ ફ્લાવર શોમાં બીજા દિવસે માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો, જેને કારણે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કાંકરિયા કાર્નિવલ બાદ યોજાઈ રહેલા ફલાવર શોમાં રવિવારે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઊમટી પડતાં વાહનોની અનેક કતારો જોવા મળતાં પોલીસને એલિસબ્રિજથી પાલડી સુધીનો રિવરફ્રન્ટનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી.

દાદાનો વિશેષ શણગાર
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં આવી દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે 2023ના નવા વર્ષના પ્રથમ દિવસ અને રવિવાર સાથે ધનુર્માસનો પવિત્ર દિવસ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં હનુમાનજી દાદાનાં દર્શન કરવા ભક્તો મંદિરે પહોંચ્યા હતા. હનુમાનજી દાદાને ગઈકાલે હિમાલયની ઝાંખી કરાવતા હોય એવો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારે અલૌકિક મુદ્રામાં દાદાનાં દર્શન કરી ભક્તો પણ ધન્યતાની લાગણીની અનુભૂતિ કરતા હોય છે. ત્યારે મંદિર પ્રશાસન દ્વારા પણ તમામ ભક્તો દાદાનાં દર્શન કરી શકે એ માટે સંપૂર્ણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચાઈનીઝ દોરીએ યુવકનો લીધો ભોગ
રવિવાર સાંજે સાડાછ વાગ્યે રાહુલ બાથમ નામનો 30 વર્ષીય યુવક કામ અર્થે આર.વી. દેસાઇ રોડ પર નીકળ્યો હતો. દરમિયાન નવાપુરા પોલીસ સ્ટેશન નજીક બાઇકસવાર રાહુલ બાથમના ગળામાં પતંગની દોરી આવી જતાં તેના ગળા પર ગંભીર ઇજાઓ થઇ હતી, જેથી સારવાર માટે તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. રાહુલ બાથમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો ત્યારે ખૂબ જ લોહી વહી રહ્યું હતુ. ડોક્ટર્સ દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ ગળાની નસો કપાઇ જતાં અને લોહી વહી જતાં તેનું મોત નીપજ્યું હતું, જેથી પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

ખાનગી સ્કૂલનું ધો.11ની પરીક્ષાનું પેપર લીક
રાજકોટમાં ખાનગી શાળાનાં બે પેપર સોશિયલ મીડિયામાં વાઈરલ થયાં હતાં. શહેરના સ્વામિનારાયણ ચોક મેઈન રોડ પર શ્રદ્ધા વિદ્યાલય આવેલી છે. વાઇરલ થયેલા પેપરમાં શ્રદ્ધા સ્કૂલનું નામ પણ લખેલું છે. આ પેપર આગામી 3 અને 4 જાન્યુઆરીએ લેવાનારી હોવાનું પેપરમાં લખેલું છે. વાઇરલ થયેલું પેપર ધોરણ 11નું બીએ અને ઇકોનોમિક્સનું છે. આ પેપર વાઈરલ થતાં જ ફરી એક વખત શિક્ષણતંત્ર પર સવાલો ઊઠ્યા છે. ત્યારે સમગ્ર મામલે સ્કૂલના સંચાલક રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે 'અમારી સ્કૂલમાં હજી પેપર છપાયાં જ નથી તો લીક કેવી રીતે થાય.'

પાવાગઢમાં કિંજલ દવેના કાર્યક્રમમાં તોડફોડ
પાવાગઢ ખાતે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરસીઓ ઊછળી હોવાનું સામે આવ્યું છે. કાર્યક્રમમાં ખુરસી ઉછાળી લોકોએ તોડફોડ કરી હતી. કિંજલ દવે ગીતની રમઝટ બોલાવી રહી હતી. આ દરમિયન ગીતોથી દર્શકો ઉત્સાહિત થયા હતા અને ઉત્સાહમાં આવી ગયેલા દર્શકોએ ખુરસીઓ ઉછાળી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે. તો આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી, જ્યાં સમગ્ર ઘટનાને થાળે પાડવા પોલીસ કામે લાગી હતી.

યુવતીનું ઘરમાંથી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતી યુવતીના પરિવારજનો કામથી બહાર ગયા હતા ત્યારે ફૈઝલ ઉર્ફે ફૈઝુ અયુબભાઇ ઘાંચી અને તેનો સાગરીત ફિરોઝ ઉર્ફે ગટ્ટુ શબ્બીર હુસૈન વ્હોરા ટૂ-વ્હીલર લઈને આવ્યા હતા અને યુવતીને બળજબરીપૂર્વક ટૂ-વ્હીલર પર બેસાડી અલકાપુરીની એક હોટલમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ ગુજારી બીજા દિવસે જવા દીધી હતી. યુવતી ઘરે પરત ફરતાં પરિવારે આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે વિધર્મી યુવક અને તેના સાગરીતની ધરપકડ કરી લીધી છે.

પોલીસની બર્બરતાનો વીડિયો વાઈરલ
પોલીસ પ્રજાની રક્ષા માટે હોય છે અને પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય બને એ માટે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત મહેનત કરી રહ્યા છે. સુરત પોલીસના કેટલાક પોલીસકર્મીઓને લઈને પોલીસની છબિ સતત ખરડાઈ રહી છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. મળતી માહિતી મુજબ થર્ટીફર્સ્ટની ઉજવણીને લઇ સુરત પોલીસ સમગ્ર દિવસ દરમિયાન શહેરમાં ખાસ બંદોબસ્ત અને નજર રાખી રહી હતી. એવામાં સુરતના ભાઠેના વિસ્તારમાં એક યુવકને બે પોલીસકર્મીએ મોડી રાતે પકડીને ઢસડ્યો હતો. એટલું જ નહીં, તેને લાફાઓ પણ માર્યા હતા. પોલીસની આ બર્બરતાનો વીડિયો પણ સામે આવતાં પોલીસની આવી કામગીરી સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...