• Gujarati News
  • Local
  • Gujarat
  • Why Are Tables And Chairs Disappearing From Manekchowk? Farmers Are Worried By Another Forecast Of Weather Department.

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન:પાંચ દિવસ માવઠાની આગાહી, કયા જિલ્લામાં ક્યારે વરસાદ પડી શકે? અમદાવાદના માણેકચોકમાંથી ટેબલ-ખુરશી કેમ ગાયબ થઈ રહ્યા છે?

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત માટે પાંચ દિવસ ભારે

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વાદળિયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અમદાવાદમાં આગામી 24 કલાક વાદળિયું વાતાવરણ રહેવા સાથે ગરમીનું જોર યથાવત્ રહેશે. આજે રાજ્યમાં છૂટોછવાયો અને મધ્યમ વરસાદ પડશે. તો 16 અને 17 માર્ચે દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે. જ્યારે 18 અને 19એ છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો 30-40 કિમીની ગતિએ પવન ફૂંકાશે. અમદાવાદના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો છે અને વાદળિયું વાતાવરણ થઈ ગયું છે.અમદાવાદ શહેરના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદમાં AMCનું મેગા સિલિંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરની 10 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે. જાહેરમાં ગંદકી અને કચરો ફેકનારા આ દુકાનના માલિકો સામે કોર્પોરેશન દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે.ગતરોજ શહેરના વિવિધ ઝોન અને વોર્ડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન દક્ષિણ ઝોનમાં કેટલાક દુકાનદારો જાહેરમાં કચરો ફેલાવતા હોવાનું અને ગંદકી કરતા હોવાનું સામે આવતા તેઓને નોટિસ આપી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં જાહેરમાં ગંદકી અને કચરો ફેકનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે હતી. જેમાં મણિનગરમાં છાશવાલે સહિત કુલ 10 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા. સાથે જ 33 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.

સુરત મનપા પણ આવ્યું એક્શનમાં

સુરત મહાનગર પાલિકા પણ હવે એક્શનમાં આવી ગયુ છે. રસ્તા પર ગંદકી ફેલાવતા લોકો સામે હવે દંડાત્મક પગલા લેવામાં આવશે. બ્રીજ પર થુંકતા લોકો પાસેથી હવે 500 રુપિયાનો દંડ વસુલવામાં આવશે. સીસીટીવીના માધ્યમથી વાહન નંબર શોધીને દંડ ફટકારવામાં આવશે.એસએસસી તરફથી આ નિર્ણયની અમલવારી પહેલી એપ્રિલથી કરવામાં આવશે.

હોસ્પિટલના ડોક્ટરે મનમાની કરી હોવાના આક્ષેપ

બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના શિહોરીની ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આ ઘટનામાં ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એકનું મોત થયું હતું. જ્યારે બે બાળકોને સરકારી રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જો કે ત્યાં ડોક્ટર હાજર ન હોવાથી લોકો ડોક્ટરને ઘરે બોલાવવા ગયા હતા અને ત્યાં લોકો સાથે તેમણે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું, તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. સરકારી ડોક્ટરની મનમાનીના વિરોધમાં લોકરોષ ભભૂકી ઊઠ્યો છે અને સરકારી હોસ્પિટલ પાસે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.શિહોરીમાં આવેલી હની હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. બાળકોની હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ICUમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એક બાળકનું મોત થયું હતું. જ્યારે અન્ય બાળકોને સારવાર અર્થે શિહોરીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે, રેફરલ હોસ્પિટલના ડોક્ટરે મનમાની કરી હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા છે.

UGVCLની સંગીતમય ચેતવણી
'રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બીલ ભરતો નથી, પછી ઘરનું કનેક્શન કપાય રે.. લાઈટ બીલ ભરતો નથી' આ પ્રમાણે ગીત ગાઈને એક વીજકર્મીએ લોકોને લાઈટબીલ ભરવા માટે અપીલ કરી હતી. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયોમાં વાયરલ થયો છે. આ વીડિયો પાટણનો છે કે, જ્યા 5 હજાર ગ્રાહકોનું 56 લાખનું વીજ બીલ બાકી છે જેને લઈ જાગૃતિ માટે UGVCLના કર્મીએ આ પ્રમાણે ગીત ગાઈને લોકોને અપીલ કરી હતી.પાટણ શહેરમાં ગીત સંગીત ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર જાણીતા કલાકાર જગદીશ ગોસ્વામી કે જેઓ UGVCL પાટણ સિટીમાં લાઈનમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેઓ પોતાની ફરજની સાથે સાથે પોતાના ગીત-સંગીતના શોખને પણ જીવંત રાખી વીજબિલ બાકી ગ્રાહકોને પોતાના મધુર કંઠે ગીતોના માધ્યમથી લાઈટ બીલ ભરવા જણાવી રહ્યા છે.

માણેકચોક બદલાઈ રહ્યું છે
અમદાવાદનું નામ પડે અને માણેકચોક યાદ ન આવે તે શક્ય જ નથી. ખાણીપીણીનું ઠેકાણું એવું માણેકચોક અમદાવાદના મધ્યમાં આવેલું છે. અહીં 1960થી ખાણીપીણીની બજાર ચાલે છે. અમદાવાદીઓ અને ગુજરાતના તમામ લોકોએ એક વખત તો માણેકચોકનો સ્વાદ અને અમદાવાદની ઓળખ સમા માણેકચોકમાં મુલાકાત લીધી જ હોય છે, પરંતુ અમદાવાદના માણેકચોકમાં છેલ્લા ત્રણ દિવસથી સ્થિતિ બગડી છે, એટલું જ નહીં, અચાનક ત્યાંથી ટેબલ ખુરસી ગાયબ થયા છે. આમ અચાનક જ અમદાવાદમાં માણેકચોકમાં ખાણીપીણી બજારમાં પાથરણાં પર જમવાનો નિયમથી ખાણીપીણીના બજારમાં જઈ ખાનાર અને ત્યાં વેચનાર દુઃખી છે. કોઈ કંઈ બોલી રહ્યું નથી ત્યારે શંકાની સોય પોલીસની પર જાય છે.

પતિએ ફાયરિંગ કરી પત્નીને મોતને ઘાટ ઉતારી

​​નડિયાદ શહેરમાં આજે ધોળે દિવસે પતિએ ફાયરિંગ કરી પત્નીની સરાજાહેર હત્યા નિપજાવતાં ચકચાર મચી છે. પત્નીએ પતિ પર ભરણપોષણનો કેસ કર્યો હોય અને આજે કોર્ટની તારીખ હતી. આ બાબતે જ ઉશ્કેરાયેલા પતિએ નવરંગ ટાઉનશિપ પાસે જાહેરમાં પત્ની પર ફાયરિંગ કરતા પત્ની ઢળી પડી હતી. ત્યારબાદ આરોપી પતિએ પોતાનું એક્ટિવા પત્ની પર ચઢાવી દીધું હતું અને ત્યારબાદ અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવતા ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...