સરકારના જવાબથી હાઈકોર્ટ નારાજ
ચાઈનીઝ દોરીએ કેટલાક લોકોની જીવનની દોર કાપી નાખી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજીઓ કરાઈ છે. જીવલેણ ચાઈનીઝ દોરીનો પ્રતિબંધ હોવા છતાં વેચાણ થાય છે. ત્યારે આ પ્રતિબંધિત દોરીના વેચાણ સામે કાર્યવાહી કરવા માટે જાહેરનામું બહાર પાડીને ન રોકાઈને તેના યોગ્ય અમલીકરણ માટે હાઈકોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. ત્યારે આજે હાઈકોર્ટમાં થયેલી સુનવાણી દરમિયાન સરકારે રજૂ કરેલા સોગંદનામા સામે નારાજગી વ્યક્ત કરી હતી. અને કહ્યું હતું કે, રાજ્ય સરકારનું સોગંદનામું વિશ્વાસ અપાવે તેમ નથી. તેમજ હુકમસરનું સોગંદનામું ન હોવાથી આવતીકાલે ગૃહસચિવને નવેસરથી સોગંદનામું રજૂ કરવા માટે હુકમ કર્યો હતો.
બે દિવસ માટે ઠંડીમાં થશે ઘટાડો
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કડકડતી ઠંડી પડી રહી છે. સમગ્ર ગુજરાતમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. કચ્છમાં તો શીતલહેર ફરી વળી છે. આજે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું છે. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 6 ડિગ્રી પર પહોંચ્યો છે. જો કે, હવામાન વિભાગ અનુસાર બે દિવસ ઠંડીથી રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજથી બે દિવસ તાપમાનમાં ઘટાડો થશે. તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાથી લોકોને ઠંડીમાંથી રાહત મળશે. અમદાવાદ, ગાંધીનગરમાં દિવસનું તાપમાન 14 ડિગ્રી જવાની શક્યતા છે.
સોલા ઓવરબ્રિજ પર હાઈડેફિનેશનના CCTV લગાવાયા
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા તમામ ઓવરબ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા નહીં હોવાના કારણે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપીને નાસી જનાર વાહનચાલકોને ઝડપી પાડવા પોલીસ માટે અશક્ય હતું પરંતુ હવે હાઈડેફિનેશનના સીસીટીવી કેમેરા લગાવવાની કવાયત હાથ ધરાતાં આવનારા દિવસોમાં અકસ્માત કરીને નાસી જતા વાહનચાલકોને જેલમાં જવાના દિવસો આવી જશે. એસજી હાઇવેના તમામ ઓવરબ્રિજને સીસીટીવી કેમેરાથી આવરી લેવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત સોલા સિવિલ હોસ્પિટલ પાસે આવેલા ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ પણ થઈ ગયા છે.
ભારત-શ્રીલંકા ટીમનું રાજકોટમાં આગમન
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાવાની છે. જેને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે બપોર બાદ ભારત અને શ્રીલંકા બન્ને દેશના ખેલાડીઓનું રાજકોટ એરપોર્ટ પર આગમન થયું હતું. અહીં ચાહકોએ ચિચિયારી કરીને ખેલાડીઓનું ચિયર-અપ કર્યું હતું. બાદમાં બન્ને દેશની ટીમના ખેલાડીઓ બસ મારફત હોટલ જવા રવાના થયા હતા. ટીમ ઇન્ડિયાનું કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે અને ફ્યુઝન-મેશઅપથી અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ હોટલ સ્ટાફ તરફથી ખેલાડીઓને કુમકુમ તિલક લગાવી, ફૂલનો હાર પહેરાવી અને બૂકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કોણ બનશે ગુજરાતના નવા મુખ્ય સચિવ?
ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ કુમારનું એક્સટેન્શન 31 જાન્યુઆરી 2023ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તેમને ફરી એક્સટેન્શન આપવામાં આવે છે કે નહીં. હાલ સંભવત નવા મુખ્ય સચિવ તરીકે એકથી વધુ નામ ચર્ચામાં છે. જેમાં ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમારનું નામ મોખરે છે. જ્યારે કેન્દ્રમાં રહેલા એસ. અપર્ણા, બી.બી શ્વેન, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ પણ ચર્ચામાં છે. હવે જોવાનું રહ્યું કે મુખ્ય સચિવનો તાજ કોના શિરે જાય છે.
અંબાજી હજારો ભક્તોના નાદથી ગુંજી ઊઠ્યું
બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે તા. 6 જાન્યુઆરી-2023 ના રોજ જગતજનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમ ધામધૂમથી ઊજવવામાં આવ્યો. આજે વહેલી સવારે ભાવિક ભક્તો દ્વારા ગબ્બર ખાતે આવેલી અખંડ જ્યોત લાવીને મા જગતજનની અંબાના નિજ મંદિરમાં આવેલી જ્યોતિથી મળાવી મંદિરના શક્તિ દ્વાર આગળ માતાજીની આરતી કરવામાં આવી હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે શોભાયાત્રા-જ્યોતયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન અને તૈયારીઓ કરવામાં આવી છે. અંબાના પ્રાગટ્ય દિવસે મા અંબાના આશીર્વાદ મેળવવા મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ માઈભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
બાલાજી વેફર્સના ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા
રાજકોટ શહેરના માધાપર ચોકથી બેડી ચોક નજીકના રસ્તે આવેલ બાલાજી વેફર્સના ગોડાઉનમાં લૂંટ થવા પામી છે. જેમાં લૂંટારુએ ચોકીદારને બંધક બનાવી ગોડાઉનમાંથી 1.95 લાખ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં મળસકે ઠંડી લાગતા જેકેટ પણ ચોરી ગયા હતા. હાલ ગાંધીગ્રામ પોલીસ તેમજ ACP સહિતના સ્ટાફે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.