• Gujarati News
  • Local
  • Gujarat
  • Who Put Up Anti Modi Posters In Ahmedabad? Stone Pelting In Shree Ram's Procession, See Seven Big News

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન:અમદાવાદમાં કોણે લગાવ્યા મોદી વિરોધી પોસ્ટર્સ?શ્રી રામની શોભાયાત્રામાં થયો પથ્થરમારો, જુઓ સાત મોટા સમાચાર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રભુ શ્રી રામની શોભાયાત્રા પર પથ્થરમારો

આજે રામનવમી નિમિત્તે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રા ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે પહોંચતાં એકાએક પથ્થરમારો શરૂ થયો હતો, લોકોની દોડધામ મચી ગઈ હતી. એ સાથે તોફાની ટોળા દ્વારા રોડ ઉપરની લારીઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. કોમી ભડકાથી રોડ ઉપરનાં બજારો ટપોટપ બંધ થઇ ગયાં હતાં. જોકે કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે એ પોલીસકાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તેમણે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.વડોદરામાં આજે રામનવમીની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી હતી. શહેરના સુપ્રસિદ્ધ રામજી મંદિરો સહિત નાનાં-મોટાં રામજી મંદિરોમાં વિવિધ કાર્યક્રમો સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી હતી, બીજી બાજુ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રામાં બુલડોઝરની એન્ટ્રી

ગુજરાત સહિત દેશભરમાં આજે ભગવાન રામના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. રામ નવમી નિમિતે ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે અમરેલીના જાફરાબાદમાં આજે નીકળેલી શોભાયાત્રામાં આશ્ચર્યજનક રીતે બુલડોઝરની એન્ટ્રી થઈ હતી. ધારાસભ્ય હિરા સોલંકી સહિત વિહિપના કાર્યકર્તાઓ ત્રણ બુલડોઝર પર સવાર થઈ શોભાયાત્રામાં જોડાયા હતા.સામાન્ય રીતે શોભાયાત્રામાં ટ્રક, ટ્રેકટર જેવા વાહનો જોવા મળતા હોય છે. જેમાં વિવિધ વેશભૂષા સાથે લોકો અને મંડળીઓ જોડાતી હોય છે. પરંતુ, આજે અમરેલીના રાજુલામાં કદાચ પ્રથમવાર બુલડોઝર સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી. રાજુલાના ધારાસભ્ય હિરા સોલંકી ખુદ બુલડોઝર પર સવાર જોવા મળ્ય હતા.જાફરાબાદમાં યોજાયેલી શોભાયાત્રામાં ધારાસભ્ય હિરા સોલંકી ઉપરાંત તેની સાથે સ્થાનિક અગ્રણીઓ સરમણ બારૈયા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળ,ચંદુભાઈ સહિત સ્થાનિક વિવિધ હિન્દૂ સંગઠનના લોકો અને કાર્યકરો વિશ્વ હિન્દુ પરિષદના હોદેદારો પણ જોડાયા હતા જેના કારણે ભારે ઉત્સાહ છવાયો છે.

અમદાવાદમાં ‘મોદી હટાવો, દેશ બચાવો’ના પોસ્ટરો લાગ્યા

દિલ્હી બાદ હવે અમદાવાદ શહેરમાં PM નરેન્દ્ર મોદી વિરુદ્ધના પોસ્ટરો જોવા મળી રહ્યા છે. શહેરમાં ઠેર-ઠેર ‘મોદી હટાવો, દેશ બચાવો’ના બેનરો લગાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાત સોશિયલ મીડિયા હેન્ડલ પર આ પોસ્ટરોની તસવીર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં ‘મોદી હટાવો, દેશ બચાવો’ લખેલું દેખાઈ રહ્યું છે. શહેરમાં મોડી રાત્રે નોબલનગર, સરદારનગર, વટવા, મણીનગર સહિતના વિસ્તારોમાં આ પ્રકારના બેનરો લાગ્યા હતા. ત્યારે આ મામલે ભાજપના પ્રવક્તાએ કંઈ કહેવાથી મોઢું સેવી લીધું છે.AAP દ્વારા આ પોસ્ટરોની તસવીરો પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે કે, અમદાવાદમાં ઠેર-ઠેર લાગ્યા “મોદી હટાવો, “દેશ બચાવો” ના બેનરો. આ જ લખાણ સામે ભાજપના ઇશારે દિલ્હીમાં 100થી વધુ FIR નોંધવામાં આવેલી, અમદાવાદમાં લાગેલા બેનર્સએ સાબિત કર્યું કે જનતા તાનાશાહી સામે ઝૂકશે નહીં. સાથે જ AAPના પ્રદેશ પ્રવક્તા ઈસુદાન ગઢવીએ પણ આ તસવીરો પોસ્ટ કરી હતી.

કમોસમી વરસાદે વધારી મુશ્કેલી
ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદની આફત જાણે અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 29થી 29થી 31 તારીખ દરમિયાન ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી આપી છે. ત્યારે આજે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કરા અને ભારે પવન સાથે વરસાદ વરસવાના કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠાના ઈકબાલગઢ વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. તો થરાદમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં તો ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.કચ્છમાં પણ આજે વરસાદી માહોલ છવાયો છે. કચ્છના લખપત તાલુકાના ફુલરા, પાંધ્રો અને વર્માનગરમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં પણ માવઠું થયું છે. ભચાઉ તાલુકાના કણખોઈ અને રાપર તાલુકાના ખેંગારપરમાં જોરદાર પવન સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો.

અંધશ્રધ્ધામાં પિતા બન્યો હેવાન

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક ગામની.. જ્યાંના ગજેરા પરિવારની દીકરીમાં ભૂતપ્રેત હોવાનું કહી ફૂલ જેવી માસૂમ દીકરી પર સગા પિતા અને ફોઈ સહિત પરિવારના સાત લોકોએ અત્યાચાર ગુજાર્યો અને બીજી દીકરીને ઢોરમાર માર્યો.. આ ઘટનામાં દીકરીઓ સગીર હોવાથી દિવ્ય ભાસ્કર તેમની ઓળખ કરતું નથી.વિતગે વાત કરીએ તો કેશોદ તાલુકાના એક ગામની ગજેરા પરિવારની પુત્રવધૂ પોતાની ત્રણ દીકરી સાથે પતિથી છેલ્લાં સાત વર્ષથી અલગ રહે છે. જોકે ગજેરા પરિવારે ખોડિયાર માતાજીના મંદિરે હવનનું આયોજન કર્યું હતું, જેમાં સમાધાન કરવાનું કહીને માતાને આમંત્રણ આપ્યું હતું, જેથી માતાએ પહેલા દિવસે બે દીકરીને મોકલી હતી અને સવારે તે અન્ય એક દીકરીને લઇને આ હવનમાં ગઇ હતી. હવનમાં ગયા બાદ પતિ સહિત પરિવારજનોનું વર્તન બદલાઈ ગયું હતું.દીકરીઓની માતાએ ઘટના વર્ણવતાં દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હું સાત વર્ષથી મારા પતિથી અલગ રહું છું, પણ હવનનું આયોજન હતું અને સમાધાનની વાત હતી તો મેં પહેલા દિવસે બે દીકરીને મોકલી હતી અને હું બીજા દિવસે ગઇ તો મને જાણવા મળ્યું કે પહેલી રાત્રે ભૂવાઓએ અને મારા પતિ સહિત સાસરિયાંએ ડાલકામાં મારી એક દીકરીને ધુણાવી હતી. મને એમ કહેવામાં આવ્યું કે તારી દીકરીને માતાજી આવે છે, એ પ્રમાણ આપશે. મને પણ એમ થયું કે કંઈ હોય તો સારું થઇ જાય, પણ આ લોકોનો અત્યાચાર વધતો ગયો. મારી દીકરીને આગ પર ચલાવી, હવનમાં હાથ નખાવ્યા, બે-બે દિવસ અન્નનો દાણો ન આપ્યો અને બેહદ હેરાન કરવામાં આવી.. મેં આનો વિરોધ કર્યો તો મારી દીકરીનો બલિ ચડાવવાનું કહી મને અને મારી દીકરીઓને ઢોરમાર માર્યો, જ્યાંથી માંડ માંડ હું હોસ્પિટલ પહોંચી.. મને ન્યાય અપાવો... આટલું બોલતાં જ માતાનું હૈયું ભરાઈ આવ્યું, તે વધુ ન બોલી શકી..

ભયંકર અકસ્માતમાં 6 લોકોના મોત

વલભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે પશુનો ચારો ભરેલી ટ્રકનું ટાયર ફાટતા પલટી મારી ગઈ હતી. જેથી અકસ્માત થતાં અનેક લોકો દબાયા હતા. આ ટ્રકમાં 12થી 14 મજૂરો સવાર હતા એ દરમિયાન દુર્ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યારસુધીમાં 6 લોકોનાં મોત થયાં છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ 108ની ટીમ દોડી આવી હતી. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.​​​​​​મેવાસા ગામ તરફથી વલભીપુર આવી રહ્યા હતા. એ દરમિયાન પશુનો ચારો ભરેલી ટ્રક પલટી મારી જતાં ભયંકર અકસ્માત થયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર, ટ્રક નીચે અનેક લોકો દબાયા હતા. જેમાં કેટલાકે જીવ ગુમાવ્યો છે તો કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે.

બિશ્નોઇ આત્મહત્યા કેસમાં તપાસ તેજ

ફોરેન ટ્રેડના જોઇન્ટ ડાયરેક્ટર જે.એમ.બિશ્નોઇ આત્મહત્યા કેસ મામલે CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઇને બિશ્નોઇ પાસેથી મળેલી ડાયરી ભ્રષ્ટાટારના રાઝ ખોલી શકે છે. આપને જણાવી દઈએ કે, ડાયરીમાં કેટલાર કોડવર્ડનો ઉલ્લેખ થયો છે. કોડવર્ડના આધારે તપાસ થઇ રહી છે. તો સાથે જ જે.એમ.બિશ્નોઇના કેટલાક મોબાઇલ નંબર પણ મળી આવ્યા છે તેના કોલ ડિટેઇલ મેળવવાની પણ CBI દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.તો તપાસમાં કેટલાક વચેટીયાઓના નામ સામે આવ્યા છે તેની પણ પુછપરછ થઇ શકે છે. આપને જણાવી દઈએ કે, CBI દ્વારા આવા વચેટીયાઓના નામની યાદી તૈયાર કરવામાં આવી છે. જે.એમ.બિશ્નોઇ ઓફિસની બહાર એક સ્થળે વહિવટ કરતા હતા જે અંગે પણ તપાસ હાથ ધરાઇ છે.જે વેપારીઓના કામ ખોટી રીતે અટવાયા છે તેના પણ નિવેદનો લેવામાં આવી રહ્યા છે.