સફેદમાં રણમાં G-20 અંતર્ગત મીટિંગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત તેનો બીજો G20 કાર્યક્રમ, પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે. આ મીટિંગ 7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન કચ્છના રણ ખાતે યોજવામાં આવશે.TWG હેઠળ વધુ બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 7 ફેબ્રુઆરીના રોજ આયોજિત સાઇડ ઇવેન્ટ-1 સમુદાયોના સશક્તિકરણ માટે ગ્રામ્ય પ્રવાસન અને ગરીબી નાબૂદી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી ઉપસ્થિત રહેશે. UNWTOના ટુરિઝમ માર્કેટ ઇન્ટેલિજન્સ અને કોમ્પિટીટીવનેસના વડા સાંદ્રા કારવાઓ આ કાર્યક્રમમાં પોતાનો અનુભવ અને જ્ઞાન શેર કરશે. આ સાથે જ અનેક દેશના પ્રતિનિધિઓનું ડેલિગેશન કચ્છની મુલાકાત લેશે.
રિવાબાએ અધિકારીઓને ખખડાવ્યા
જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાએ શહેરના ગોકુલનગર વિસ્તારની મુલાકાત લીધી હતી. ગોકુલ નગરમાં બની રહેલ રોડની કામગીરી નબળી થતી હોવાની જાણ ધારાસભ્યને થતા ધારાસભ્ય પોતે સ્થળ નીરીક્ષણ કરવા નીકળ્યા હતા અને બની રહેલ રોડનું જાત નીરીક્ષણ કર્યું હતું. બની રહેલ રોડ બાબતે લોકો દ્વારા જણાવ્યું હતું કે આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની જાણ કરી હતી. ધારાસભ્ય રીવાબાએ કોન્ટ્રાક્ટરને પણ આડે હાથ લીધા હતા. તેમજ અધિકારીઓને કહ્યું હતું કે આવી ઘટના ફરીથી ન બને તેની તકેદારી રાખવી.
બે દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે
ગુજરાતીઓ માટે હવામાનને લઈને રાહતનાં સમાચાર. ગુજરાતીઓને હવે કાતિલ ઠંડીથી રાહત મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, બે દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થશે. પવનની ગતિ ધીમી પડતા તાપમાન વધશે અને વેધર ડ્રાય રહેશે.
ICAIની CA ફાઉન્ડેશનનું પરિણામ
ધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટસ ઓફ ઈન્ડિયા(ICAI) દ્વારા 14થી 20 ડિસેમ્બર 2022 સુધી લેવાયેલી CA ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો શુક્રવારે જાહેર થયા છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યા છે. ટેક્સટાઈલ માર્કેટમાં એકાઉન્ટિંગનું કામ કરનારના દીકરા રિશી મેવાવાલાએ 400માંથી 364 માર્ક સાથે સુરતમાં પ્રથમ નંબર મેળવ્યો છે. સાથે જ એકાઉન્ટમાં 100માંથી 100 માર્ક મેળવ્યાં છે. જ્યારે ટેક્સટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા પિતાના પુત્ર તુષાર બંસલે 400માંથી 348 માર્ક મેળવ્યાં છે.
ભીષણ આગથી અફરાતફરી
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં શુક્રવારે આગની ઘટના સામે આવી છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોડ નબર 2 પર આવેલી ડાઈંગ મિલમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શહેરના ચાર ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી
સાબરમતી નદીના શુદ્ધિકરણની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે. સાબરમતી નદીને લઈ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. CPCBના રિપોર્ટમાં સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી હોવાનો ઉલ્લેખ થયો છે. સાબરમતી નદીમાં ગંદકીનું સામ્રાજ્ય હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે. તેમજ સાબરમતી નદીનું પાણી પીવાલાયક પણ નથી રહ્યું તેવું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
કડીમાં ચડ્ડી બનિયાન ધારી ગેંગનો તરખાટ
કડી તાલુકા અને શહેરની અંદર તસ્કરો માટે મોકળું મેદાન બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી સળંગ કડી પંથકમાં ચોરીઓના બનાવો બની રહ્યા છે અને તસ્કરો ચોરીનો અંજામ આપીને ફરાર થઈ જતા સમગ્ર વિસ્તાર લોકો હાલ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. 5 ડિસેમ્બરથી આજ દિન સુધી 30થી પણ વધુ ચોરીને અંજામ તસ્કરોએ આપ્યો છે. ત્યારે નાઈટ પેટ્રોલિંગના ફાંકા મારતી પોલીસનું નાક વાઢી તસ્કરો કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલા જીનિંગ ફેક્ટરી અને ઓઇલ મિલમાંથી રોકડ રકમ લઈ ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. જીનમાં અને ઓઇલ મિલની અંદર લગાવેલા CCTVમાં સમગ્ર ઘટના કેદ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.