• Gujarati News
  • Local
  • Gujarat
  • Where Is The Olympic 'Village' Being Prepared In Gujarat? Ganiben Attacked The Leaders Of The Congress, Honor Killing In Ahmedabad!

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:ગેનીબેન ઠાકોરને ભાજપની કઈ સ્ટ્રેટેજી ગમી? ગુજરાતમાં ક્યાં થયું ઓનર કિલિંગ? જુઓ 7 મોટા સમાચાર

એક મહિનો પહેલા

ગેનીબેન ઠાકોરે કૉંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કાંકરેજ બેઠક પર કૉંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરની જીત થયા બાદ આજે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાવના કૉંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સ્ટેજ પરથી કૉંગ્રેસના નેતાઓની હાજરીમાં જ કેટલીક કડવી લાગે એવી વાતો કરી હતી. કૉંગ્રેસના કાર્યક્રમમાં ભાજપની સ્ટ્રેટેજીનાં વખાણ કર્યા હતા અને નામ લીધા વિના કૉંગ્રેસમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહેલાઓને આડેહાથ લીધા હતા.

અમદાવાદમાં યોજાશે ઓલિમ્પિક રમતો!
ભારત 2036માં ઓલિમ્પિકની યજમાની માટે બીડ કરશે અને ગુજરાતનું અમદાવાદ તેના વિશ્વકક્ષાના રમતગમતના માળખાને કારણે યજમાન શહેર બનશે. એને લઈને અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી ઓલિમ્પિક સર્કિટ બનશે. સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય રમતગમતમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ઓલિમ્પિક સ્લોટ 2032 સુધી બુક છે, પરંતુ એ 2036થી બીડિંગ માટે ખુલ્લા મુકાશે, તેથી સરકાર આગામી ઉપલબ્ધ સ્લોટ માટે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનની બીડને સમર્થન આપશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તાજેતરની ચૂંટણીઓ માટેના ભાજપના ચૂંટણીઢંઢેરામાં 2036માં રાજ્યમાં ઓલિમ્પિકનું આયોજન કરવાની ઝુંબેશનું પણ વચન અપાયું હતું. ત્યારે ગુજરાત સરકારે “ઓલિમ્પિક વિલેજ”ની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકાર “સ્ટેચ્યૂ ઑફ યુનિટી” ખાતે દસથી પંદર ઓલિમ્પિક રમત યોજવાનું વિચારી રહી છે. ઉપરાંત 2036 પહેલાં અમદાવાદથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે બુલેટ ટ્રેનથી સડસડાટ પહોંચી જવાય એવી યોજના પણ તૈયાર થઈ રહી છે.

31 માર્ચ પહેલાં ટાર્ગેટ પૂરો કરવા સૂચના
સરકારી શાળામાં ભણતાં બાળકો માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરે છે. સરકારે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. આ તમામ યોજનાનો હેતુ એ છે કે બાળકોને સરકારી શાળામાં યોગ્ય સુવિધા સાથે સારું શિક્ષણ પ્રાપ્ત થઈ શકે. ગુજરાતમાં નવી સરકારે શાસનની શરૂઆત કરવાની સાથે જ આગામી 100 દિવસના લક્ષ્યાંક પણ નક્કી કરી એને સાર્થક કરવા માટે આયોજન ઘડી નાખ્યા છે. ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા આ અંતર્ગત કેટલાક મુદ્દાઓ નક્કી કર્યા છે, જેમાં મહત્ત્વનો મુદ્દો સરકારી શાળામાં એલઇડી લાઇટને અજવાળે વિદ્યાર્થીઓને ભણાવવાનો મુદ્દા પર વધારે ફોકસ કરવા જણાવાયું છે.

જૈનબંધુઓમાં રોષ ભભૂક્યો
રાજ્યના જૈનબંધુઓમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. સોમવારે રાજકોટ અને વડોદરામાં શેત્રુંજય મહાતીર્થને બચાવવા માટે જૈન સમાજની મહારેલીનું યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા અને મંદિરમાં તોડફોડ મુદ્દે રેલીમાં રોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પાલિતાણામાં પર્વત પર ગેરકાયદે ખનન અટકાવવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.

જનેતાએ જ દીકરીની હત્યા કરી
પેટલાદની પરિણીતાએ બે મહિના પહેલાં જ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે જન્મ બાદ દીકરી સતત બીમાર રહેતી હતી. તેની નડિયાદ અને વડોદરા સારવાર કરાવી હતી. બાળકીને કોઈ ફરક ન પડતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલાં 1,200 બેડમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન પિતાએ સવારે ઊઠીને જોયું તો વોર્ડ નંબર 3માં તેમની બે માસની દીકરી ન હતી, જેથી તેમણે હોસ્પિટલના CCTVની તપાસ કરાવતાં તેની પત્નીએ જ બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇ હત્યા કર્યાનું સામે આવ્યું હતું. આ મામલે પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દબાણની બબાલ, LIVE દૃશ્યો
વડોદરામાં મહાનગરપાલિકાની જગ્યા પર ગેરકાયદે દબાણ કરી વિકાસનાં કામોમાં અવરોધરૂપ દબાણો દૂર કરવા માટે સોમવારે મેયર અને સ્થાયી સમિતિના ચેરમેને મોરચો સંભાળ્યો હતો. મેયરે સ્થળ પર હાજર રહીને વડોદરાના વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસે ગેરકાયદે બનાવી દેવામાં આવેલું વૈભવી મકાન દૂર કરાવ્યું હતું. તો સ્થાયી સમિતિના ચેરમેને વારસિયા વિસ્તારમાં આવેલા તળાવના વિકાસમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસેનાં દબાણ દૂર કરવાની કામગીરી સમયે મકાનમાલિક અને તંત્ર વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિવારે મીડિયા સાથે પણ ઉદ્ધાતાઇભર્યું વર્તન કર્યું હતું.

પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા
ગુજરાતની બહાર અનેક ઓનર કિલિંગના મામલા સામે આવતા હોય છે. આવો જ એક મામલો અમદાવાદ શહેરમાં સામે આવે છે, જેમાં 31 ડિસેમ્બરની રાતે એક યુવકને કેટલાક યુવકોએ ભેગા મળીને ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV વીડિયો સામે આવતાં પોલીસે તપાસ હાથ ધરતા એક પછી એક રાજ ખૂલવા માંડ્યાં હતાં, જેમાં યુવતીના પિતરાઈ ભાઈને તેના પ્રેમપ્રકરણની જાણ થતાં પ્રેમીને સબક શિખવાડવા માર મારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 50 હજારમાં પ્રેમી યુવકને માર મારવાની સોપારી આપવામાં આવી હતી. એમાં યુવકને એટલો માર મારવામાં આવ્યો કે તે મોતને ઘાટ ઊતરી ગયો. આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી બે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...