જુનિયર ક્લાર્કની તૈયારીઓ શરૂ કરી દો
ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપાઈ છે. જે બાદમાં હવે IPS હસમુખ પટેલે આજે પત્રકારોને સંબોધતા એપ્રિલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી શરૂ કરી દે, વહેલી તકે પરીક્ષા લેવી અને સ્વચ્છ પરીક્ષા લેવી તે અમારી પ્રાથમિકતા છે.
સુરેન્દ્રનગરમાં ત્રિપલ મર્ડર
સુરેન્દ્રનગર જિલ્લાના ફુલગ્રામ ગામે ટ્રિપલ મર્ડરની ઘટના બનતા સમગ્ર જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે. ગટરના મુદ્દે આ એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા નિપજાવવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હચમચાવી નાખતી હત્યાની આ ઘટના અંગે મળતી વિગત મુજબ જોરાવરનગર પોલીસ મથક વિસ્તારમાં આવતા ફૂલગ્રામમાં રહેતા હમીરભાઇ કેહરભાઇ મેમકિયાને ગામના જ રહેવાસી ભગા નાગજીભાઇ સાથે ગટર બાબતે માથાકૂટ ચાલતી હતી. આ નજીવી બાબતે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને બાદમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. આ ચકચારી બનાવની પ્રાથમિક વિગતો મળી છે. જેમાં હમીરભાઇ, તેના પુત્ર અને પુત્રવધૂની હત્યા નિપજાવવામાં આવી છે.
ઠંડીનો એક રાઉન્ડ હજુ બાકી છે!
ગુજરાતમાં હાલ ઠંડી જાણે કે ગાયબ થઈ ગઈ હોય તેમ ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમીમાં વધારો થયો છે. અમદાવાદમાં 13.3 ડિગ્રી, ગાંધીનગર 11.4 ડિગ્રી અને નલિયા 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ફેબ્રુઆરીના મધ્યમાં સિઝનની ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે.
જંત્રીના ભાવવધારાથી બિલ્ડર્સ એસોસિયેશન નારાજ
સરકાર દ્વારા જંત્રીના ભાવવધારાનો ઠરાવ કરતો પરિપત્ર જાહેર થયો છે. હવે ગુજરાતમાં નવા દરો પ્રમાણે જંત્રી વસૂલવામાં આવશે. જંત્રીના ભાવવધારા સામે બિલ્ડર એસોસિયેશનમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઈ હવે આજે જંત્રીના ભાવવધારા સામે બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ અને સેક્રેટરી મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગુજરાત બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ પરેશ ગજેરા, સેક્રેટરી સુજીત ઉદાણી સહિતના આગેવાનો મુખ્યમંત્રીને મળ્યા હતા. આ તરફ મુખ્યમંત્રીને મળ્યા પહેલાં બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ પરેશ ગજેરાએ કહ્યું કે, સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યા પહેલાં સર્વે કરવાની જરૂર છે. સર્વે કર્યા બાદ નોટિફિકેશન જાહેર કરીને જંત્રીનો ભાવ વધારવો જોઈએ. મહત્ત્વનું છે કે, અગાઉ જંત્રીના ભાવવધારા સામે બિલ્ડર એસોસિયેશને વિરોધ કર્યો હતો.
બાપનો બગીચો, દાદાગીરીના CCTV
અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ પર આવેલા કેફે રોજ રોજ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની રહ્યાનું ચિત્ર ઊપસી રહ્યું છે. શીલજ સર્કલ નજીક આવેલા બાપનો બગીચો કેફેમાં થોડા સમય પહેલાં મારામારી અને ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં વધુ સીસીટીવી સામે આવ્યા છે. સામે આવેલા નવા સીસીટીવીમાં ટપોરીઓનો આતંક કેદ થયો છે. કાયદો અને વ્યવસ્થાને ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોય તેમ કેટલાક માથાભારે શખસો કેફેનો SUV કારથી ફિલ્મી સ્ટાઈલમાં દરવાજો તોડે છે, પછી ગન સાથે ઊતરે છે અને કેફેમાં તોડફોડ અને ઉત્પાત મચાવે છે.
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
સુરતના પુણાગામ વિસ્તારમાંથી માતા-પિતાને ચેતવણી આપતો કિસ્સો સામે આવ્યો છે. બાળકોને નાની ઉંમરમાં મોટરસાઇકલ ચલાવવા દેવાનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે. તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. પુણા વિસ્તારમાં ઘરમાં જાણ કર્યા વગર 15 વર્ષીય ધોરણ નવના વિદ્યાર્થી પિતાની બાઇક લઇ લટાર મારવા નીકળ્યો હતો. રસ્તામાં લક્ઝરી બસની અડફેટે આવતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પરિવારની બેદરકારી અને બાળકની નાદાનીને કારણે આજે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી કૂડા રણમાં
અમેરિકાનાં પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અગરિયાનો ઝીરો બીએચકે બંગલો જોવા આજે કૂડા રણમાં આવ્યાં હતાં, જ્યાં તેમણે મહિલાઓના હાથે મીઠું મુઠ્ઠીમાં લઈને તેને પકવવાની આખી પ્રોસેસ જાણી હતી અને અગરિયાઓ સાથે બે કલાક જેટલો સમય ગાળ્યો હતો. આ સાથે પછાત મહિલાઓના વિકાસ માટે ક્લિન્ટન ફાઉન્ડેશનમાંથી 50 મિલિયન ડોલરની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે મહિલાઓને સંબોધતાં કહ્યું હતું કે 'તમારે જેના પર કામ કરવું હોય તેના આઇડિયા આપજો, આપણે એના પર કામ કરીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.