રાજ્યમાં હજુ બે દિવસ પડશે ઠંડી
ઉત્તર ભારતના હિમાલયનાં રાજ્યોમાં હિમવર્ષા અને બર્ફીલા પવનોના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. માત્ર એટલું જ નહીં, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી રાજ્યભરના જનજીવન પર અસર થઈ છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ચાર મહાનગર એવાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 11થી 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં બે દિવસ ઠંડી યથાવત્ રહેવાની આગાહી છે. જ્યારે નલિયામાં 2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. 12 વર્ષ પહેલાં પણ નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
-6 ડિગ્રીથી આબુમાં બરફની ચાદરો પથરાઈ
રાજસ્થાનમાં ઠંડીની અસર વધી રહી છે. ઉત્તર ભારતમાંથી આવતા બર્ફીલા પવનને કારણે માઉન્ટ આબુમાં પારો માઈનસમાં ગયો છે. ખેતરોમાં ઘાસની જેમ બરફ પથરાઈ ગયો છે, ગાડીઓ ઉપર અને માટલામાં બરફ જામી ગયો છે. હાડ થીજવતી ઠંડીને કારણે લોકો ધ્રૂજી ઊઠ્યા છે. તો આવા માહોલની મજા માણવા માટે પ્રવાસીઓ ઊમટી પડતાં હોટલો હાઉસફુલ થઇ ગઈ છે. માઇનસ 6 ડિગ્રીથી ગુરુશિખર પર જવું સહેલાણીઓ માટે અશક્ય બન્યું છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડા દિવસ અગાઉ તાપમાન માઈનસ બેથી ત્રણ ડિગ્રીએ પહોંચ્યું હતું, જ્યારે આજે તો તાપમાન માઇનસ 6 ડિગ્રી પહોંચતાં અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂંઠવાઈ રહ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ થશે કાર્યવાહી
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પૂર્ણ થયા બાદ કેટલીક જગ્યાએ ભાજપને ભાજપના જ કેટલાક નારાજ લોકો નડતર રૂપ બન્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે ગુજરાતમાં પ્રદેશ ભાજપમાં શિસ્ત સમિતિમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ 600 જેટલી ફરિયાદો નોંધાઇ હતી. મહત્ત્વનું છે કે, પ્રદેશ ભાજપની શિસ્ત સમિતિના પ્રમુખ વલ્લભ કાકડિયાના નેતૃત્વમાં એક ટીમની નિયુક્તિ થઈ છે. આ તરફ હવે આગામી 10 જાન્યુઆરીથી ઝોન વાઈઝ શિસ્ત સમિતિ ફરિયાદો હાથ પર લેશે. નોંધનીય છે કે, રાજકોટ, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર સહિતમાં પક્ષ વિરોધી કાર્ય અને ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવાની આંતરિક ફરિયાદો મળી હતી.
ભાજપના તા.પં.ના સભ્ય સામે દુષ્કર્મની ફરિયાદ
ચીખલી તાલુકાના એક ગામમાં 34 વર્ષીય વિધવા મહિલાને ભાજપના બામણવેલ બેઠકના તાલુકા પંચાયત સભ્ય રોબિન્સ દાનીયેલ પટેલે લગ્નની લાલચ આપીને 2019થી શારીરિક સબંધ બાંધીને છેવટે લગ્નની ના પાડતા મહિલાએ ચીખલી પોલીસમાં ફરિયાદ આપતા આજે આરોપી રોબિન્સ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોંડલ-રીબડાની લડાઈમાં સરકારની એન્ટ્રી
ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી વખતે રાજકીય ગલિયારામાં જોરદાર ગરમાયો હતો. જે બાદ ચૂંટણીમાં ગોંડલ જૂથની જીત થયા બાદ પણ વિવાદ નવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ સમગ્ર મામલે હવે રાજ્ય સરકારની એન્ટ્રી થઈ છે. અને સરકારે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાણવા રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો છે. ત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ રિપોર્ટને પગલે અનિરુદ્ઘસિંહનું હથિયાર લાઇસન્સ રદ થઈ શકે છે.
માસૂમોના જીવ અધ્ધર થયાના CCTV
જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં આજે બપોરે 12 વાગ્યા આસપાસ બે આખલા યુદ્ધ પર ઊતરી આવ્યા હતા. જેમાં એક આખલાની જોરદાર ટક્કરથી 10થી વધુ વિદ્યાર્થી ભરેલી ચાલુ રિક્ષા ઊંધી વળી ગઈ હતી. આથી વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ચિચિયારી કરવા માંડ્યા હતા. જો કે સદનસીબે આ બનાવમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
મંદિરમાં દાનપેટીઓ અને ડબ્બામાંથી ચોરી
વડોદરા શહેરના ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરમાં દાનપેટીઓ અને ડબ્બામાંથી 6 હજાર રૂપિયાની રોકડ રકમ ચોરીને એક તસ્કર ફરાર થઈ ગયો હતો. ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ નારાયણભાઈ જગ્ગુભાઇ કહારે જણાવ્યું હતું કે, સોમા તળાવ પાસે આવેલી વ્રજભૂમિ સોસાયટીની સામે ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. 3 જાન્યુઆરીએ રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ અમે મંદિરનો દરવાજો બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે 4 જાન્યુઆરીએ સવારે આવીને જોયું તો મંદિરની દાનપેટીઓ તૂટેલી હતી અને ગર્ભગૃહના ડબ્બાઓ પણ ખુલ્લા હતા. અમે મંદિરના CCTV ચેક કરતા રાત્રે 11:30ની આસપાસ એક ચોર મંદિરમાં ઘૂસ્યો હતો અને દાનપેટીઓ અને ડબ્બાઓમાંથી ચોરી કરીને ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના મંદિરના CCTVમાં કેદ થઈ ગઈ હતી. તો મંદિર ટ્રસ્ટના પ્રમુખ નારાયણભાઈ કહારની અરજીના આધારે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.