• Gujarati News
  • Local
  • Gujarat
  • When Will The Cold Force Reduce In The State? Chinese Cord Worth 21 Lakhs Was Seized From This Area, Fire Broke Out In The Tempo At The Petrol Pump.

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:રાજ્યમાં ઠંડીનું જોર ક્યારે ઘટશે? મંત્રીજી અચાનક જ ઓફિસે પહોંચી જતાં અધિકારીઓ દોડવા માંડ્યા

એક મહિનો પહેલા

12,542 નંગ ચાઇનીઝ દોરીની ફિરકી ઝડપાઈ
મહીસાગર જિલ્લાની બાલાસિનોર પોલીસે બાતમી આધારે શહેરની જી.આઈ.ડી.સીમાં પ્લોટ નંબર C/146ના ગોડાઉનમાંથી પ્રતિબંધિત ઘાતકી ચાઇનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં જી.આઈ.ડી.સી.ના ગોડાઉનમાં ઈદ્રિશ ઈસાક શેખ, જે બાલાસિનોરનો રહેવાસી છે. તે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં સ્ટોક કરી વેચાણ કરતો હતો. જેવી બાતમી બાલાસિનોર પોલીસને મળી તરત જ પોલીસે ત્યાં રેડ કરી હતી. પોલીસને ફિરકીના કુલ 12,542 નંગ મળ્યા છે, જેની કુલ કિંમત રૂપિયા 21 લાખ 28 હજાર 180 છે. તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કરી ઈદ્રિશ શેખ સામે બાલાસિનોર પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં પહેલીવાર ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ
ગુજરાતમાં સૌપ્રથમ વખત કોઈ દર્દીની અંદર ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય એવું બન્યું છે અને મિરેકલ કહી શકાય એવી આ ઘટનાને અમદાવાદની સિમ્સ હોસ્પિટલે ગણતરીના કલાકોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરીને વિદેશી નાગરિકને નવજીવન આપ્યું છે. જે વ્યક્તિ પથારીમાંથી ઊભી નહોતી થઈ શકતી, જેને સતત ઓક્સિજનની જરૂર પડતી હતી તેવા દર્દીને બે ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કરીને સિમ્સના ડોક્ટરે નવજીવન આપ્યું છે. ગુજરાતમાં એકમાત્ર સિમ્સ હોસ્પિટલ પાસે લંગ ટ્રાન્સફરનું લાઇસન્સ છે અને આગામી સમયમાં એક જ જગ્યાએ મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે એવું સિમ્સ હોસ્પિટલમાં સાચું સાબિત થશે, એમ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કેયૂર પરીખે જણાવ્યું હતું.

જગદીશ વિશ્વકર્માની સરપ્રાઇઝ વિઝિટ
રાજ્યમાં એક બાદ એક મંત્રીઓનો નાયક અવતાર સામે આવી રહ્યો છે. અમદાવાદમાં વધુ એક મંત્રીએ સરકારી કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરી. મંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. જગદીશ વિશ્વકર્માએ સહકાર વિભાગની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી હતી અને સમયસર કચેરીએ ન પહોંચેલા કર્મચારીઓ પાસે જગદીશ વિશ્વકર્માએ રિપોર્ટ માગ્યો હતો, સાથે જ અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા.

પેટ્રોલ પંપ પર ટેમ્પોમાં આગ
સુરતમાં એક પેટ્રોલ પંપ પર ઇંધણ ભરાવવા પહોંચેલો ગેસ-સિલિન્ડર ભરેલો ટેમ્પોમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે. ટેમ્પોની કેબિનમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતાંની સાથે પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે કર્મચારીઓની સમયસૂચકતાને પગલે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આખલો મારવા દોડ્યો ને રિક્ષા ઊંધી વળી ગઈ
જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં બે આખલા યુદ્ધ પર ઊતરી આવ્યા હતા, જેમાં એક આખલાની જોરદાર ટક્કરથી 10થી વધુ વિદ્યાર્થી ભરેલી ચાલુ રિક્ષા ઊંધી વળી ગઈ હતી, આથી વિદ્યાર્થીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ચિચિયારી કરવા માંડ્યા હતા. જોકે સદનસીબે આ બનાવમાં એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

ગોંડલ-રીબડાની લડાઈમાં સરકારની એન્ટ્રી
ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી વખતે રાજકીય ગલિયારામાં જોરદાર ગરમાયો હતો. એ બાદ ચૂંટણીમાં ગોંડલ જૂથની જીત થયા બાદ પણ વિવાદ નવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ સમગ્ર મામલે હવે રાજ્ય સરકારની એન્ટ્રી થઈ છે અને સરકારે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જાણવા રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે. ત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ રિપોર્ટને પગલે અનિરુદ્ઘસિંહનું હથિયાર લાઇસન્સ રદ થઈ શકે છે.

સાત જાન્યુઆરી પછી ઠંડીનું જોર ઘટશે
ઉત્તર ભારતના હિમાલયનાં રાજ્યોમાં હિમવર્ષા અને બર્ફીલા પવનને કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. માત્ર એટલું જ નહીં, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી રાજ્યભરના જનજીવન પર અસર થઈ છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું 2 ડીગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ચાર મહાનગર એવાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 11થી 12 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના મતે સાતમી જાન્યુઆરીથી ગુજરાતમાં ઠંડીમાં થોડો ઘટાડો થશે

અન્ય સમાચારો પણ છે...