ગુજરાત-રાજસ્થાનમાં તેલનો ખેલ:ગુજરાતમાં દરોડા પડ્યા તો નકલી ડીઝલ માફિયાએ રાજસ્થાનમાં ધંધો શરૂ કરી દીધો

જોધપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનમાં મંત્રીને 1 કરોડ અને એસપીને 10 લાખનો હપતો બાંધી આપવાની ઓફર કરી, પ્રતિ ટેન્કર રૂપિયા 75 હજારની કમાણી
  • જોધપુર-જયપુર હાઇવે પર ભાસ્કરના રિપોર્ટરે ગુજરાતના તેલ માફિયા પાસેથી નકલી ડીઝલનો સોદો કર્યો
  • માફિયાએ કહ્યું કે તમે બાયોડીઝલના લાઇસન્સની આડમાં બેધડક આ ડીઝલ વેચો

રાજસ્થાનમાં ડીઝલના ભાવ વધારે હોવાના કારણે ગુજરાતના તેલ માફીયાઓએ અહીં મોટું બજાર ઉભું કરી દીધું છે. ગુજરાતમાં પોલીસે મોટું અભિયાન શરૂ કરીને તેમના ગોરખધંધા બંધ કરાવી દીધા છે. પણ હવે લગભગ તમામ તેલ માફીયા રાજસ્થાન આવી ગયા છે. દરરોજ આશરે 40 ટેન્કર નકલી ડીઝલ રાજસ્થાનમાં આવી રહ્યું છે. જોધપુર-જયપુર હાઇવે પર ભાસ્કરે આવા જ એક તેલ માફીયા પાસેથી નકલી ડીઝલ સપ્લાય કરવાના સોદા માટે મીટીંગ કરી હતી.

માફીયાએ કહ્યું હતું કે કંડલા પોર્ટથી ઇમ્પોર્ટ થતા બેઝ ઑઇલમાં પેરાફીન ભેળવીને 65 રૂપિયા લીટર સપ્લાય કરશે. આ ઑઇલ ડીઝલનું જ કામ કરે છે. પણ વેચાશે બાયોડીઝલના નામે. માત્ર એટલું જ કરવાનું છે કે બાયોડીઝલનું લાઇસન્સ લઈ લો અને પછી એની આડમાં પ્રતિ ટેન્કર ઓછામાં ઓછા 75 હજાર રૂપિયાની આવક મેળવો. તેણે કહ્યું હતું કે ભરોસો ન હોય તો રાજસ્થાનની બાયોડીઝલ ઑથોરિટી પાસેથી ચેક કરી લો. એ પછી તેણે એક ટ્રકમાં નકલી ડીઝલ ભર્યું અને કહ્યું કે ટ્રાન્સપોર્ટ તથા માઇનીંગ સેક્ટર પર ફોકસ કરો. સ્ટેટમાં મોટું કામ કરવું હોય તો મંત્રી તથા એસપી સાથે મીટીંગ કરાવી દો. મંત્રીને દર મહિને 1 કરોડ અને એસપીને 10 લાખ તથા જે-તે પોલીસ સ્ટેશનને 2 લાખ રૂપિયા માસિક અમે આપીશું.

ઑઇલ માફિયા સાથે વાતચીત: બેઝ ઑઇલ+પેરાફીન=નકલી ડીઝલ
પ્રશ્નઃ આ ડીઝલ શું છે? ક્યાંથી આવે છે? કેટલામાં મળશે?
માફીયા: આ ઇમ્પોર્ટેડ બેઝ ઑઇલ છે. કંડલા પોર્ટ પર ઉતરે છે. તેમાં પેરાફીન ભેળવવામાં આવતા એ ડીઝલ જેવું કામ કરે છે. જીએસટી ઉમેરીને 60-62 રૂપિયામાં સપ્લાય કરીશું. તમે ત્રણ રૂપિયા ઉમેરીને 65 પ્રતિ લીટરમાં વેચી શકો છો. 1 ટેન્કર 12 હજાર તથા બીજું 25 હજાર લીટર આપશે. નાના પર 75 હજાર, મોટા પર 1.50 લાખ કમાશો.

પ્રશ્નઃ અમે આ ક્યાં, કેવી રીતે વેચીશું? ખરીદશે કોણ?
સાંચોર તથા આબુરોડ આ જોધપુર પહોંચે છે. તમારે અહીંના ટ્રાન્સપોર્ટ, બસ ઓપરેટર તથા માઇનીંગવાળાઓને ગ્રાહક બનાવવાના રહેશે. 5-6 ગ્રાહકો અમે પણ આપીશું, એ અત્યારે સિદ્ધપુરથી માલ લે છે. એમને તમારું અડ્રેસ આપી દઈશું. ગ્રાહક જાતે ચાલીને આવે છે.

પ્રશ્નઃ રસ્તામાં પોલીસ ચેકિંગ કરે તો શું?
માલ સાથે બિલ હોય છે. અને તે બાયોડીઝલના નામે આવે છે. ગુજરાત પોલીસ રોકતી નથી. પોર્ટથી બોર્ડર સુધી કોઈ સમસ્યા નથી. ક્યારેક રોકે તો ચાર-પાંચ હજાર આપી દેવાના.

પ્રશ્નઃ મોટું કામ કરવું હોય તો શું મદદ કરશો?
પાલીના એક નેતાના દીકરાની માઇનમાં દર મહિને 40 લાખના ડીઝલનું ખર્ચ થાય છે. અમારા ડીઝલથી તેમના 15 લાખ રૂપિયા બચે છે. જોધપુર, બાડમેર અને નાગોરમાં માઇનીંગ એરિયા છે. ત્યાં વાત કરો. રોજ 50 ટેન્કર આપે છે. વધારે મોટું કરવું હોય તો જિલ્લાના એસપી સાથે મીટીંગ કરાવો. તેમને મહીને 10 લાખ રૂપિયા અમે આપીશું. મંત્રીને એક કરોડ રૂપિયા આપીશું. બોર્ડરના જિલ્લાના એક મંત્રી સાથે તો અમે વાત કરીશું જ.

તમે જાણવા માગો છો તે બધું જ...
1. અચાનક આટલા માટે વધ્યું

ગુજરાતના મુખ્યમંત્રીએ 2 જુલાઇએ મંત્રીઓ, અધિકારીઓની બેઠકમાં નકલી ડીઝલ ખતમ કરવા આદેશ આપ્યો. 136 ટીમે છાપા માર્યા, 300 લોકોની ધરપકડ થઇ. તેઓ જામીન પર છૂટ્યા અને રાજ્યમાં નેટવર્ક ઊભું કરી લીધું.

2. આ વર્ષે બાયોડીઝલ વિક્રેતા લાઇસન્સ વધ્યા
રાજસ્થાન બાયોડીઝલ ઓથોરિટી મુજબ 2019માં એક ઉત્પાદક અને 3 વિક્રેતા લાઇસન્સ, 2020માં 5 ઉત્પાદક અને 7 વિક્રેતા લાઇસન્સ બન્યા. 2021માં 5 ઉત્પાદક અને 33 વિક્રેતા લાઇસન્સ જારી થયા. આ વર્ષે 12 વિક્રેતા લાઇસન્સ તો ઓગસ્ટમાં જ લેવાયા છે.

3. બાયોડીઝલના બ્લેન્ડિંગ માટે છૂટક વેચાણ શક્ય
કેન્દ્રીય જાહેરનામા મુજબ બાયોડીઝલનો માત્ર ડીઝલમાં 7% બ્લેન્ડિંગ માટે જ ઉપયોગ થઇ શકે છે. ઓથોરિટીના સીઇઓ રાઠોડના જણાવ્યાનુસાર માત્ર બ્લેન્ડિંગ માટે રિટેલમાં વેચી શકાય પણ સીબીઇસીના જણાવ્યાનુસાર બ્લેન્ડિંગ રિફાઇનરી જ કરી શકે.

4. તેમાંથી લ્યૂબ્રિકેન્ટ, એન્જિન ઓઇલ, પેઇન્ટ બને છે
બેઝ ઓઇલ એસએચ કોડ 27101960, 27101971, 27101989, 27101990 આયાત થાય છે. આ લ્યૂબ્રિકેન્ટ, એન્જિન ઓઇલ અને પેઇન્ટ વગેરે બનાવવામાં કામ આવે છે. તેનાથી વાહન ચાલે તો છે પણ કાયદેસર રીતે તેનો ઇંધણ તરીકે ઉપયોગ થઇ શકે નહીં તેમ જ એન્જિન પણ જલદી ખરાબ થઇ જાય છે.

બ્લેન્ડિંગનો અધિકાર પણ ઓઇલ કંપનીઓને મળે
ડીઝલનું વેચાણ 30% સુધી ઘટ્યું છે. બાયોડીઝલના લાઇસન્સની આડમાં નકલી બાયોડીઝલ બેરોકટોક વેચાય છે. બાયોડીઝલ માત્ર બ્લેન્ડિંગ માટે 7% સુધી જ ભેળવવાનો નિયમ છે પરંતુ તેમાં પણ 15% સુધી ભેળસેળના કેસ સામે આવ્યા છે. પેટ્રોલમાં મિથેનોલ ભેળવાય છે તેમ આમાં પણ બ્લેન્ડિંગનો અધિકાર ઓઇલ કંપનીઓ પાસે હોવો જોઇએ. ભારત સરકારના બાયોડીઝલના નોટિફિકેશનમાં મોબાઇલ વેનનો ઉલ્લેખ નથી, અહીં હજારો લીટરના ટેન્કરને મંજૂરી આપી દેવાઇ છે. આ સમસ્યા મામલે અમે રાજ્ય સરકારને ઘણીવાર રજૂઆત કરી છે. સરકારે પગલાં ભરવા જોઇએ.
- શશાંક કોરાની, સચિવ (રાજસ્થાન પેટ્રોલ-ડીઝલ એસોસિયેશન જયપુર)