ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:ગુજરાત હાઈકોર્ટે શિક્ષણ વિભાગને શું નોટિસ પાઠવી? બટાકા-પૌંવાની આડમાં દારૂની હેરાફેરી, જુઓ 7 મોટા સમાચાર

એક મહિનો પહેલા

રેગિંગના ખતરાને લઈ ગુજરાત હાઇઈકોર્ટ દ્વારા સુઓમોટો

રાજ્યમાં મેડિકલ અને અન્ય કોલેજોમાં રેગિંગની ઘટનાઓ વધી રહી છે. રેગિંગના ખતરાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓમોટો અરજી દાખલ કરાઈ છે. હાઈકોર્ટે રાજ્યના શિક્ષણ વિભાગને નોટિસ પાઠવી 20 જાન્યુઆરી સુધીમાં જવાબ માગ્યો છે. હાઇકોર્ટે શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવને નોટિસ પાઠવી છે.

પાલતું શ્વાન પાળવા મામલે ગુજરાત HCનું અવલોકન

રાજ્યના મહાનગરો સહિત અનેક શહેરમાં રખડતાં પશુનો ત્રાસ આસમાને છે, જેની ચાડી ખાતા અનેક બનાવો છાશવારે સામે આવે છે ત્યારે સુરતના ફૂલપાડા વિસ્તારમાં શ્વાનનો ત્રાસ સામે આવ્યો હતો. બીજી તરફ, પાલતું શ્વાન પાળવા મામલે હાઇકોર્ટે અવલોકન કર્યું હતું, જેમાં કોર્ટે કહ્યું હતું કે તમે સ્ટ્રીટ ડોગને ખવડાવીને કાઢી મૂકો, એ જ ડોગ બીજાને કરડે છે. પરિણામે અનેક લોકોના જીવ જોખમાય તો જવાબદારી કોની? એવો સવાલ કોર્ટે ઉઠાવી ગુજરાત હાઈકોર્ટે જીવદયાપ્રેમીઓને ટકોર કરી છે. શ્વાનના ત્રાસ મુદ્દે થયેલી બે વ્યક્તિ વચ્ચેની માથાકૂટને લઈને મુદ્દો કોર્ટમાં પહોંચ્યો હતો.

બટાકા-પૌંવાની આડમાં દારૂની હેરાફેરી

ઉનાના એહમદપુર માંડવી ચેકપોસ્ટે દીવથી આવતી ઇકો કારને પોલીસે રોકાવી અંદર તલાસી લેતાં કારની અંદર તપેલામાં બટાકા-પૌંવાની વચ્ચે વિદેશી દારૂની બોટલો મળી આવી હતી તેમજ વધુ તપાસ કરતાં અન્ય બેગમાં દારૂની બોટલનો જથ્થો, એક બૂમ, મોબાઇલ તેમજ કાર સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે આ દારૂના જથ્થા સાથે એક પત્રકાર યુવતી તેમજ શખસને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમૂલના MD પદેથી સોઢીનું રાજીનામું

અમૂલના MD પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી છે. બોર્ડની મીટિંગમાં તાત્કાલિક અસરથી તેમને હટાવવામાં આવ્યા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએમએમએફના આર.એસ.સોઢીની અમૂલના MD પદેથી હકાલપટ્ટી કરવામાં આવતાં હવે જયેન મહેતાની નવા MD તરીકે નિમણૂક કરવામાં આવી છે.

બોગસ બિલિંગ મામલે GSTની કાર્યવાહીનો ધમધમાટ

બોગસ બિલિંગ મામલે સ્ટેટ GST વિભાગ ફરી એકવાર એક્શનમાં આવ્યો છે. અમદાવાદ અને સુરતની એકસાથે 65 પેઢી પર દરોડા પાડ્યા છે. બોગસ બિલિંગને ડામવા સ્ટેટ GSTએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન 51 જેટલી બોગસ પેઢીઓ મળી આવી છે. 577 કરોડનાં બિલ ઈસ્યું કરી રૂપિયા 97 કરોડની વેરા શાખ પાસ ઓન કરી છે. અમદાવાદની 29 અને સુરતની 25 પેઢીઓમાં તપાસનો ધમધમાટ ચાલ્યો છે.

મોટી આદરજને સહકાર માટેનું મોડલ ગામ તરીકે વિકસાવાશે

સહકારમંત્રી અમિત શાહે સહકારથી સમૃદ્ધિ માટે ગાંધીનગરના મોટી આદરજ ગામની પસંદગી કરી છે. 15મી જાન્યુઆરીએ અમિત શાહ ગાંધીનગરના મોટી આદરજ ગામ આવશે. મોટી આદરજ ગામને સહકારથી સમૃદ્ધિ માટેનું મોડલ ગામ પસંદ કરવામાં આવ્યું છે. મોટી આદરજ ગામને સહકાર ક્ષેત્રમાં મોડલ બનાવવામાં આવશે. પ્લાસ્ટિકમુક્ત ગામ, સ્વચ્છ ગામ તરીકે ડેવલપ કરવામાં આવશે. મોટી આદરજને સહકાર માટેનું મોડલ ગામ તરીકે વિકસાવવામાં આવશે.

કોન્ટ્રેક્ટરની હત્યા કરવા અકસ્માતનો પ્લાન ઘડ્યો

અમદાવાદના વાસણા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રેતી નાખવાની અદાવતમાં કોન્ટ્રેક્ટરે ત્રણ યુવકો પર કાર ચડાવી દીધી હતી. પહેલા આ સામાન્ય અકસ્માત લાગતો હતો, પરંતુ પોલીસ-તપાસને અંતે આ હત્યા કરાઈ હોવાની વિગતો સામે આવી હતી. આ સમગ્ર મામલે હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ નદીમાંથી સતત રેતી ખનન થતી હોવાની બૂમ પડી હતી, પરંતુ ક્યાંક લાંચિયા બાબુઓની મિલીભગતને કારણે આ રેતી ખનન ચાલતું હોવાની વાતો પણ હાલ લોકચર્ચામાં છે.

અન્ય સમાચારો પણ છે...