• Gujarati News
  • Local
  • Gujarat
  • What Is BJP's Target For The Lok Sabha Elections?, See In Which Areas Of The State The Meteorological Department Has Predicted Rain.

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન:ગુજરાતના કયા-કયા જિલ્લામાં માવઠું થવાની શક્યતા છે? કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ ક્યારથી શરૂ થશે?

7 દિવસ પહેલા

ગુજરાતમાં કોલ્ડવેવ

મીટિયોરોજિકલ સેન્ટર, અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાત તથા દીવ-દમણ, દાદરા-નગર અને હવેલી માટે આજે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે રાતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. જ્યારે આજે વહેલી સવારે હાડ થિજાવતી ઠંડીનો અનુભવ અમદાવાદીઓ સહિત રાજ્યભરના લોકોએ કર્યો હતો. આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે, સાથોસાથ ચાર દિવસ દરમિયાન પણ તાપમાન નીચું રહેવા તથા ઠંડા પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શીતલહેરની સંભાવનાઓને પગલે લોકોએ કેટલીક તકેદારી રાખવાની અપીલ કરી છે, સાથોસાથ માર્ગદર્શિકા જાહેર કરી છે. જોકે ખાસ કરીને વડોદરાથી લઇને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને માવઠું થવાની શક્યતા છે. પરંતુ, 29 જાન્યુઆરીથી અમદાવાદ સહિત રાજ્યમાં ત્રણ દિવસો દરમિયાન હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. જો કે એ પછી ઠંડીનું જોર ક્રમશ: ઘટી શકે છે.

લોકસભા ચૂંટણીને લઈ ભાજપનો લક્ષ્યાંક

દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પૂર્ણ થયામાં હવે ગુજરાત પ્રદેશની કારોબારી બેઠક સુરેન્દ્રનગર ખાતે યોજાઈ છે. આજે બેઠકનો બીજો દિવસ છે. સુરેન્દ્રનગરમાં ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં ચાલી રહેલી કારોબારી બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત આ બેઠકમાં ભાજપે તમામ બેઠક જીતવા લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતને રાજકારણમાં નવો ઇતિહાસ બનાવ્યો છે. ગુજરાતમાં ચૂંટણી જીત્યા બાદ હવે ભાજપે લોકસભા મિશન-2024 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપ દ્વારા લોકસભાની 26માંથી 26 બેઠક મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. લોકસભા ચૂંટણીમાં વિપક્ષની ડિપોઝિટ જપ્ત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આજે પ્રદેશ કારોબારી બેઠકના બીજા દિવસે આ લક્ષ્યાંક પાર પાડવા ચર્ચા થઈ. આગામી સમયમાં આ માટે કેટલાક હોદ્દેદારોને મહત્ત્વની જવાબદારી મળી શકે છે.

યુવાધન નશાયુક્ત કફ-સીરપના રવાડે ચડ્યું

રાજ્યના પાટનગર ગાંધીનગરના આલમપુર ગામમાં યુવાધન અવળા રવાડે ચઢી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી દવાઓનો વપરાશ યુવાનો નશો કરતા હોવાનું ખૂલ્યું છે. ત્યારે સૌથી સરળ અને સસ્તું કફ સિરપનું વ્યસન ક્યારે યુવાનોની લાઈફ ખતમ કરી નાંખે છે તે ખુદ યુવાનોને પણ ખબર નથી હોતી. ગામનું યુવાધન નશાના રવાડે ચઢ્યું છે ત્યાં હવે બાળ યુવાધન પણ નશાના રવાડે ચઢી રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આલમપુર ગામમાં યુવાનો કફ સી૨૫ની બોટલોનો નશા માટે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે . યુવાનો સાંજ પડતાં જ કફ સી૨૫ની બોટલો મેળવવા માટે મેડિકલ સ્ટોર્સ સહિતનાં સ્થળોએ આંટાફેરા કરતા રહે છે. તેમ છતાં પોલીસ કે ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતું આંખ આડા કાન કરીને તમાશો જોઈ રહ્યું હોય એવું ચિત્ર ઊપસી આવ્યું છે. ત્યારે ગામના જાગૃત નાગરિકો દ્વારા યુવાધનને નશાનાં ખપ્પરમાં હોમાતાં રોકી લેવા માટે તંત્ર પાસે ગુહાર લગાવવામાં આવી છે.

ગુરુકુળમાં વિદ્યાર્થિની પર હેરેસમેન્ટ

પોરબંદરમાં છેલ્લાં 80 વર્ષથી કાર્યરત આર્યકન્યા ગુરુકુળની હોસ્ટલમાં રહીને અભ્યાસ કરતી 13 વર્ષની સગીર વિદ્યાર્થિનીએ સંસ્થાની હોસ્ટેલમાં સજાતીય સંબંધો માટે દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. શેઠ નાનજી કાલિદાસ મહેતા દ્વારા સ્થાપિત આર્યકન્યા વિદ્યાલય ગુરુકુળમાં હાલ 300 વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પૈકી અમુક વિદ્યાર્થિનીઓ દ્વારા હેરાનગતિ કરી, દબાણ કરી, સજાતીય સંબંધો બાંધવા માટે વિદ્યાર્થિનીઓને મજબૂર કરાતી હોવાનો દાવો એક 13 વર્ષની સગીર વિદ્યાર્થિની અને તેનાં માતાપિતાએ કર્યો છે.

પદ્મશ્રી-પદ્મભૂષણ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું નિધન

પદ્મશ્રી અને પદ્મભૂષણના ઈલકાબથી નવાજાયેલા અને ભારતના લે કોર્બુઝિયર તરીકે વિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું (બીવી દોશી) 95 વર્ષની વયે નિધન થયું છે. પદ્મભૂષણ સ્વ. બીવી દોશીએ અમદાવાદ સ્થિત તેમના નિવાસે મંગળવારે અંતિમશ્વાસ લીધા હતા. તેમના અવસાનને પગલે ભારતમાં સ્થાપત્ય ક્ષેત્રના યુગનો અંત થયો છે. તેમની અંતિમયાત્રા આજે બપોરે 2.30 વાગે તેમના નિવાસ સ્થાન કમલા હાઉસથી નીકળી હતી અને તેમના અંતિમસંસ્કાર થલતેજ સ્મશાનગૃહ ખાતે કરાયા.

મહંતનો પોતાની જ વાડીમાં આપઘાત

જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, થોડા દિવસ અગાઉ રાજ ભારતીબાપુ દારૂ પીતા હોવાનો વીડિયો અને અન્ય કેટલાક ઓડિયો વાઇરલ થયા હતા, જેને લીધે આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી છે. રાજ ભારતીબાપુએ પોતાના ખડિયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું છે. પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતાં લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર મળે એ પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ મામલે પોલીસે અત્યારે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ મિત્રને આઈસરે કચડ્યા

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્રણેય મૃતકો જોડિયા તાલુકાના છે અને કાર લઇને ટીમલી ગામે સંબંધીના ઘરે ભજનના કાર્યક્રમમાં ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળાએ લતીપર રોડ પર આવેલા ગોકુલપર ગામ નજીક આઇસરે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો ભુક્કો બોલી ગયો હતો. આ બનાવના પગલે ધ્રોલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...