• Gujarati News
  • Local
  • Gujarat
  • What Is BJP's Strategy For 2024 Elections? Is H3N2 Virus Increasing In Rajkot? Private Lab Made This Shocking Claim.

ગુજરાત ઈવનિંગ ન્યુઝ બુલેટિન:H3N2 વાઇરસ અંગે રાજકોટની લેબનો ડરામણો દાવો, હવે પાવાગઢમાં પ્રસાદનો વિવાદ, જાણો 2024ની ચૂંટણી અંગે ભાજપની સ્ટ્રેટેજી

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

2024ની ચૂંટણી માટે તૈયારીઓ શરુ
2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે.ગીર સોમનાથના સાસણ ખાતે ભાજપ 17 માર્ચથી ત્રણ દિવસીય અભ્યાસ વર્ગ યોજશે.જેમાં રાષ્ટ્રીય હોદ્દેદારો, જિલ્લાના પ્રમુખો,40 હોદ્દેદારો સહિત 150 લોકો હાજર રહે તેવી સંભાવના છે. રાષ્ટ્રીય હોદ્દેદારોમાં બી.એલ.સંતોષ અને વી.સતીષ સહિતના આગેવાનો હાજરી આપશે. લોકસભા ચૂંટણી પહેલાની આ સૌથી મોટી અને પહેલી પ્રશિક્ષણ શિબિર કહેવાય છે.આ બેઠકમાં સૌરાષ્ટ્રની તમામ બેઠતો કઈ રીતે મેળવવીથી લઈને 2024 માટેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

વિદ્યાર્થીઓના પેપર અધૂરા રહ્યા
ગુજરાત બોર્ડનું ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે. મેથ્સ વિષયનું પેપર પ્રમાણમાં સહેલું રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી પરંતુ બોર્ડની વ્યવસ્થાના અભાવના કારણે રાજકોટની ભરાડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સમય ઓછો પડતા પેપર અધૂરું મૂકવું પડ્યું હતું. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળા બહાર એકઠા થઈ હોબાળો કર્યો હતો. આગામી સમયમાં અન્ય પરીક્ષામાં આવું ન થાય તેવી માગ કરી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, 5 માર્ક કરતા વધુનું પેપર છૂટી ગયું છે.રાજકોટની ભરાડ સ્કૂલમાં પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિની એન્જલ તલાવિયાએ જણાવ્યું હતું કે, આજે સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર હતું. આજે સમસ્યા એ થઈ હતી કે, સપ્લીમેન્ટરી અમે માગી પણ 10થી 15 મિનિટ મોડી આવી હતી. આથી અમારે આટલી વાર બેસવાનો વારો આવ્યો હતો. અમને એક્સ્ટ્રા સમય આપવામાં આવ્યો નહોતો. અમને એવું કહેવામાં આવ્યું હતું કે, સરકાર તરફથી જ આ સમસ્યા હતી, એમાં કાંઈ એક્સ્ટ્રા સમય ન આપી શકીએ. અમારી એક જ માગ છે કે હવે બીજા પેપરમાં આવું ન થાય.

રેગિંગ મામલે હાઈકોર્ટ આકરા પાણીએ

રાજ્યની કોલેજોમાં રેગિંગની ઘટનાઓ વારંવાર જોવા મળતી હોય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં સુનવાણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી કાઢી હતી.સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને કેટલાક સવાલો પૂછ્યા હતા કે, રેગિંગની ઘટનાઓમાં સરકારની ભૂમિકા શું હોય છે? આવી ઘટનામાં ફરિયાદો કોને કરવાની? આવી ઘટનાઓને અંકુશિત કોણ કરે છે? કોર્ટે એવી ટકોર કરી હતી કે, રેગિંગના કારણે રાજ્યના અનેક યુવાન-યુવતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે પરતું સરકારે તેના પર કોઇ નિયમો ઘડ્યા કેમ નથી? આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે રેગિંગની ફરિયાદો પર લીધેલા પગલાંની સરકાર પાસે સ્પષ્ટતા માંગી હતી.જેના પર સરકારે જણાવ્યું હતું કે, રેગિંગ મુદ્દે બી.જે મેડિકલના રેસિડેન્ટ ડૉક્ટર સામે પગલાં લેવામાં આવ્યા છે. જે બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે, દરેક જવાબ માત્ર કાગળ પર છે, વિસ્તૃત જવાબ રજૂ કરો. આ મામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી 6 એપ્રિલે હાથ ધરાશે.

પાવાગઢ મંદિર ટ્રસ્ટના નિર્ણય સામે વિરોધ

અંબાજી ખાતે મોહનથાળના પ્રસાદને લઇને વિવાદ માંડ થાળે પડ્યો છે, ત્યારે હવે શક્તિપીઠ પાવાગઢ ખાતે પ્રસાદને લઇનો નવો વિવાદ શરૂ થયો છે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરમાં શ્રીફળ નહીં વધેરવાના ટ્રસ્ટના નિર્ણયનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા રામધૂન યોજીને ટ્રસ્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. AHP દ્વારા વિરોધ વ્યક્ત કરી વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. આ મુદ્દે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડોદરાના ઉપાધ્યક્ષ ઉમેશ જોશીએ જણાવ્યું હતું કે, 'કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી મંદિરમાં છોલેલું શ્રીફળ લઈ જવા દેવામાં આવશે નહીં, સાથે જ આજુબાજુના વેપારીઓને પણ છોલેલું શ્રીફળ ન વેચવાની સૂચના આપવામાં આવી છે. ભક્તો અહીં શ્રીફળ વધેરવાની બાધા રાખતા હોય છે. ત્યારે શ્રીફળ વધેરવાની પરંપરા જારી રહેવી જોઇએ.'તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે, 'જો આગામી દિવસોમાં અમારી માંગણી નહીં સ્વિકારવામાં આવે તો અમે ઘંટનાદ અને ઘરણા કરીશું. અમે 'ચલો પાવાગઢ આંદોલન' કરી લાખો ભક્તો સાથે પાવાગઢ જઇને 101 નાળિયેર વધેરશું.'

ખાનગી લેબનો ચોંકાવનારો દાવો

કોરોના બાદ H3N2 વાયરસનો ખતરો દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે અને તેમાં પણ દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ વાયરસ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેવામાં રાજકોટની એક ખાનગી લેબોરેટરીનો દાવો છે કે, જાન્યુઆરીથી અત્યાર સુધી તેમના દ્વારા 120 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 20% પોઝિટિવિટી રેશિયો જાહેર થતા અત્યારસુધીમાં કુલ 25 પોઝિટિવ કેસ જાહેર થયા છે. જોકે, છેલ્લા 15 દિવસમાં ટેસ્ટિંગ પણ ઘટ્યું છે અને 21 જેટલા કેસમાં 2 કેસ પોઝિટિવ જાહેર થયા છે. બીજી તરફ રાજકોટ મનપાના ચોપડે હાલ એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલ ગ્રીનક્રોસ લેબોરેટરીના ડિરેક્ટર મોનીલ ઠકરારએ જણાવ્યું હતું કે, અમારી લેબોરેટરી ખાતે ઇન્ફ્લુએન્ઝા પેનલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ટેસ્ટ 4500 રૂપિયામાં કરવામાં આવે છે જેની અંદર ઇન્ફ્લુએન્ઝા એ, ઇન્ફ્લુએન્ઝા બી, H1N1 અને H3N2 ટેસ્ટ કરવામાં આવે છે. જાન્યુઆરી 2023થી 15 માર્ચ 2023 સુધીમાં 120 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 20% પોઝિટિવ રેશિયો જોવા મળ્યો છે એટલે કે, 25 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જો કે છેલ્લા 15 દિવસ થી આ ફ્લૂના કેસમાં ઘટાડો થયો હોય તેવું લાગી રહ્યું છે અને છેલ્લા 15 દિવસમાં 21 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 2 કેસ પોઝિટિવ જાહેર થયા છે.

ટ્રિપલ મર્ડરની ચોંકાવનારી ઘટના

બુધવારની રાત્રિએ લગભગ રાતના 10 વાગ્યા હશે ને લલ્લુ ગમારને ત્યાં અજાવાસથી ચાર કિમી દૂર આવેલા જીજણાટ ગામે રહેતા રમેશ બોબડિયા જે લલ્લુભાઈની બહેનના દિયર થાય છે તેઓ આવ્યા હતા. ત્યારે લલ્લુભાઈ અને તેમના પરિવારે તેમની સાથે રાતનું ભોજન લઈને સૌએ સૂવાની તૈયારી શરૂ કરી હતી. રમેશ 4 કિમી દૂરથી આવ્યો હોવાથી. તેણે પણ ત્યાં જ રાત રોકાવાનું નક્કી કર્યું હતું. ત્યારે લલ્લુભાઈની પત્ની અને તેમના ચાર છોકરા અને એક છોકરી ઘરની અંદર સૂઈ ગયાં હતાં. જ્યારે લલ્લુભાઈ તેમનો 6 વર્ષનો પુત્ર કલ્પેશ અને લલ્લુભાઈના બહેનના દિયર ત્રણેય જણા બહાર ખાટલો નાખીને સૂઈ ગયા હતા.તે દરમિયાન રાતના એક વાગ્યાની આસપાસ અચાનક ચીસોના અવાજ આવવાના શરૂ થયા. સાથે જાણે લોહીની પિચકારીઓ ઊડી રહી હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. રાત્રિના રમેશ બોબડિયા અચાનક ઊભા થયા અને તેમણે ઘરની બહાર પડેલી કુહાડી હાથમાં ઉઠાવી અને લલ્લુભાઈ ઉંઘમાં હતા અને તે કંઈ સમજે તે પહેલાં જ તેમના પર કુહાડી વડે હુમલો કરી દીધો. ત્યાં તેમની બાજુમાં જ 6 વર્ષીય કલ્પેશ સૂઈ રહ્યો હતો. જેવી કુહાડી વડે તેના પિતા પર હુમલો થયો એટલે તુરંત જ તે જાગી ગયો અને જોયું તો રમેશભાઈના હાથમાં કુહાડી હતી. જ્યાં બાજુમાં તેના પિતા લોહીથી લતપત મૃત અવસ્થામાં પડેલા હતા. ત્યાં જ રમેશ બોબડિયાએ બીજો હુમલો કર્યો ને પિતાને આ અવસ્થામાં જોઈ રહેલા પુત્ર પર પણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.

હિપ્પોના હુમલામાં પગ ગુમાવવાનો વારો આવ્યો

સયાજીબાગમાં વિવિધ પ્રકારનાં હિંસક પ્રાણીઓનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યોરિટી જવાન સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. તા. 9 માર્ચના રોજ પણ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સિક્યોરિટી જવાન સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી તપાસ માટે રાઉન્ડમાં નીકળ્યા હતા. જેમાં તેઓ હિપ્પોપોટેમસને રાખવામાં આવતા પિંજરામાં ગયા હતા. દરમિયાન હિપ્પોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને ઝૂ ક્યુરેટરને બચાવવા માટે પ્રયાસ કરનાર સિક્યોરિટી જવાન રોહિતભાઇ ઇથાપે ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર કંઈ વિચારે તે પહેલાં જ ભુરાંટા બનેલા હિપ્પોએ જીવલેણ હુમલો કરી ચાર-પાંચ બચકાં ભરી લીધાં હતાં. હિપ્પોએ હુમલો કરતા જ પ્રાણીઓ વિષે જાણકાર ઝૂ ક્યુરેટર મરી જવાનો ડોળ કરી હિપ્પો પાસે જમીન ઉપર સૂઇ ગયા હતા. જેના કારણે તેઓનો આબાદ બચાવ થયો હતો. નહીં તો હિપ્પોએ તેઓને મારી નાખ્યા હોત. તે દરમિયાન સિક્યોરિટી જવાન બચાવ માટે આવી પહોંચતા હિપ્પોએ સિક્યોરિટી જવાન ઉપર પણ જીવલેણ હુમલો કરી દીધો હતો.હિપ્પોએ કરેલા જીવલેણ હુમલામાં પ્રત્યુષ પાટણકર અને સિક્યોરિટી જવાનને મલ્ટિપલ ફ્રેક્ચર થયાં છે. તેમજ હિપ્પો મારેલા દાંતથી ગંભીર ઇજા પહોંચી છે. બંને ઇજાગ્રસ્તોને અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...