• Gujarati News
  • Local
  • Gujarat
  • What Important Decision Did Gujarat University Take Regarding Graduation? See What Important Statement The Minister Of State For Home Made About Usurers.

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન:ગ્રેજ્યુએશન અંગે ગુજરાત યુનિ.એ કયો મહત્વનો નિર્ણય લીધો?, જુઓ વ્યાજખોરો અંગે ગૃહ રાજ્યમંત્રીએ શું મહત્વનું નિવેદન આપ્યુ

24 દિવસ પહેલા

અમદાવાદમાં આજથી કાઈટ ફેસ્ટિવલ શરુ

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલને મુખ્યમંત્રી હસ્તે આજરોજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 2023નો આ કાઈટ ફેસ્ટિવલ G-20 સમિટની થીમ પર આધારિત છે અને આજથી 14 જાન્યુઆરી સુધી ચાલશે. આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો ભારે ઉત્સાહ સાથે જોડાયા છે. અંદાજિત 56 દેશના પતંગબાજોએ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે એક નવો રેકોર્ડ સર્જવા કવાયત હાથ ધરવામાં આવી છે.

3 નહીં પરંતુ 4 વર્ષમાં પૂર્ણ થશે ગ્રેજ્યુએશન

શનિવાર 7 જાન્યુઆરીએ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી. બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. જેમા શૈક્ષિણક વર્ષ 2023-24 થી ગ્રેજ્યુએશન 4 વર્ષનું થશે તેવો નિર્ણય પણ લેવાયો છે. શૈક્ષિણક વર્ષ 2023 -24 થી બી.કોમ., બી.એ., બી.એસસી., મેડિકલનાં ગ્રેજ્યુએશન 4 વર્ષના અભ્યાસ બાદ જ પૂર્ણ થશે. 4 વર્ષના અભ્યાસ બાદ વિદ્યાર્થીને સ્નાતકની ડિગ્રી મળી શકશે. ઓનલાઇન, રેગ્યુલર અને એક્સટર્નલ તમામ કોર્સમાં નવી શિક્ષણનિતીનો અમલ કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને ચાર વર્ષના ગ્રેજ્યુએશન કોર્સની ડિગ્રી મળશે. 4 વર્ષ બાદ વિદ્યાર્થીને ઓનર્સની ડિગ્રી, 3 વર્ષ બાદ ડિગ્રી, 2 વર્ષ બાદ ડિપ્લોમા અને 1 વર્ષ બાદ સર્ટીફીકેટ કોર્સ એનાયત કરવામાં આવશે.

વિશ્વના ત્રીજા નંબરના ધનિકનો વતન પ્રેમ

દેશના જાણીતા ઉધોગપતિ ગૌતમ અદાણી આજે પાલનપુર આવ્યા હતા. પાલનપુરમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, મેં કોહિનૂરની જેમ વતનનું નામ રોશન કર્યું છે. તમને તમારું લક્ષ નક્કી કરવામાં તમારી જ વાતો મદદગાર થશે. માટે જાત પર જ ભરોસો રાખો અને મહેનત કરતાં રહો. આ ઉપરાંત તેમણે તેમના બાળપણની વાતો વાગોળતાં કહ્યું હતું કે, મારું ગામ થરાદ મને સમજે છે, મારા જીવનના યાદગાર દિવસો મેં અહીં કાઢ્યા છે. હું દર મહિને ડીસાથી પાલનપુર આવતો હતો.. પાલનપુર મારું મોસાળ છે.

વ્યાજખોરોને લઈ હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન અલથાણ ખાતેના કાર્યક્રમમાં તેમણે પોલીસની બે મુહીમ પર મહત્વના નિવેદન આપ્યા હતા. સુરત પોલીસ દ્વારા ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી અને હવે આ મોડલ ગુજરાતમાં લાગુ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ મુહિમ શરુ કરવામાં આવી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવતી કાલથી તમામ સિનિયર પોલીસ અધિકારીઓ લોકો વચ્ચે જશે, લોકદરબારનું આયોજન કરશે અને તેમાં લોકોની સમસ્યા સાંભળી હલ કરશે. ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરશે. સરકારના પ્રથમ 100 દિવસની કામગીરીમાં વ્યાજખોરીમાંથી લોકોને મુક્તિ આપવાની કામગીરીને મહત્વ સ્વરૂપે આગળ વધારી છે. તો આ સાથે હર્ષ સંઘવીએ ચાઈનીઝ દોરા વિશે નિવેદન આપતા જણાવ્યું હતું કે ઉતરાયણમાં પેચ ભાઈબંધીના હોવા જોઈએ કોઈનું ગળું કપાય તેવા શોખ ન હોવા જોઈએ.

પુત્રની હત્યા કર્યાં બાદ પિતાનો આપઘાત

વડોદરા શહેરના બાપોદ ગામ વુડાના મકાનમાં પિતા-પુત્રની રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. પિતાએ પોતાના પુત્રને ગળે ફાંસો આપી બાજુની રૂમમાં જઈ પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધો. ત્યાંથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં તેનો ઉલ્લેખ હોવાને કારણે પ્રાથમિક તબક્કે પોલીસે તપાસ હાથ ધરી છે, જોકે મોડી રાતે બાપોદ પોલીસે હત્યાને આત્મહત્યાની દુષ્પપ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બાપે દીકરીને પીંખી નાખી

પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જે બાપે દીકરીનું રક્ષણ કરવાનું હોય તે બાપે જ સગી દીકરી સાથે દુષ્કર્મ કર્યું છે. માતા દવાખાનાના કામ અર્થે બહાર જતા સગા બાપે પોતાની 8 વર્ષની દીકરીની એકલતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ કરી દીધું છે. આ અંગે માતાને જાણ થતાં માતાએ પિતા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બીમારીથી છુટકારો મેળવવા આધેડનો આપઘાત

વડોદરાના ખોડિયારનગરમાં પત્ની, પુત્ર અને બાળકો સાથે રહેતા વિનુભાઇ વિઠ્ઠલભાઇ પ્રજાપતિ (ઉં.વ.62) એ વહેલી સવારે ફાંસો ખાઈને જીવાદોરી ટુંકાવી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વિનુભાઇ પ્રજાપતિએ બિમારીના કારણે ત્રાસી ગયા હતા. જેથી બિમારીથી છૂટકારો મેળવવા માટે તેઓએ અંતિમ પગલું ભરી લીધું હતું. આજે સવારે સ્થાનિક બાળકો વિનુભાઇના પૌત્રને રમવા માટે બોલાવવા માટે ગયા હતા. તે સમયે બાળકોએ વિનુભાઇને ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેઓએ લોકોને જાણ કરી હતી. સ્થાનિક લોકોને જાણ થતાં જ લોકો દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...