આગામી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ-IMDના જણાવ્યા અનુસાર,ગુજરાતના ભાગોમાં આગામી ચાર દિવસ દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના છે. IMDના અમદાવાદ કેન્દ્રે જણાવ્યું હતું કે શનિવારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થયો હતો, જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી ચાર દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે. ગઈકાલે ડાંગ, અમદાવાદ અને બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં હળવો વરસાદ પડ્યો હતો. ડાંગના વઘઈ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. IMD અનુસાર, ઉત્તર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાત અને તેની નજીકના દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ વીજળીના કડાકા સાથે હળવો વરસાદ અને પવનની ઝડપ 30-40 કિમી પ્રતિ કલાકની રહેવાની આગાહી કરી છે.
ભરઉનાળે બરફના કરાનો વરસાદ
રાજ્યના હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગોંડલ શહેર પંથકમાં રવિવારે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગોંડલ તાલુકાના બીલીયાળા, રીબડા, અનિડા, ભુણાવા, પાંચિયાવાદર સહિતના ગામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ત્યારે પાંચિયાવાદર અને ડૈયા ગામમાં બરફના કરાનો વરસાદ વરસ્યો હતો. જ્યારે કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. તો કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. ચણા, ઘઉં, ધાણા, લસણ, ડુંગળી, જીરું, સહિતના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
નકલી PSI મામલે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન
કરાઈ એકેડેમીમાં નકલી PSI મુદ્દે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં હર્ષ સંઘવીએ કહ્યું, 'આ ગંભીર બાબત છે અને કામગીરીમાં ચૂક કરવા બદલ 2 PI અને 4 ADIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તપાસ હજુ ચાલુ જ છે'
રાજકોટનો સિક્સલેન ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો
સુરત તો સુરત છે પણ રાજકોટ હવે ખૂબ 'સૂરત' થવા જઈ રહ્યું છે. વર્ષોથી માથાના દુખાવા સમાન રાજકોટની ટ્રાફિક સમસ્યા હલ કરવા સરકાર દ્વારા શહેરમાં ઠેર ઠેર જરૂરિયાત મુજબ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે એક બાદ એક ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે. અમદાવાદને પોરબંદર, સોમનાથ, જૂનાગઢ સાથે જોડતા રાજકોટ-ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર ગોંડલ ચોક ખાતે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. ગુજરાતનો પ્રથમ સિંગલ પિલર એટલે કે એક જ થાંભલા પર તે પણ ત્રણ તરફ ખૂલતો 1.20 કિમી લાંબા સિક્સલેન ઓવરબ્રિજનું કામ પૂરું થતા ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
કોલેજિયન યુવતી પર દુષ્કર્મ
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી અને એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે વિધર્મી યુવકે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી વારંવાર દુષ્કર્મ આચરી લાખો રૂપિયા પડાવ્યાની ઘટના સામે આવી છે. યુવતીએ માહિર અજમેરી નામના યુવક વિરુદ્ઘ દુષ્કર્મ અને વિશ્વાસઘાતની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી. તો આ મામલે હાલ પોલીસે માહિરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી રહી છે.
પ્રસાદના વિવાદમાં BJP નેતાનું ટ્વીટ વાઇરલ
શક્તિપીઠ અંબાજી ખાતે મોહનથાળનો પ્રસાદ મંદિર ટ્રસ્ટ દ્વારા બંધ કરવામાં આવતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ચિક્કીના પ્રસાદના નિર્ણયના સમર્થનમાં ભાજપના નેતાએ ટ્વીટ કરતાં મામલો ગરમાયો છે. ભાજપના સ્ટેટ હેડ કન્વિનર ડો. યજ્ઞેશ દવેનું એક ટ્વીટ હાલમાં ખૂબ ચર્ચામાં છે. જેમાં તે અંબાજીમાં પ્રસાદ બદલવાની વાતના સમર્થનમાં પોતાનો વિચાર રજૂ કરી રહ્યા છે. તેઓ ટ્વીટમાં લખે છે કે, 'હું સામાજિક અગ્રણી સાથે ભાજપા કાર્યકર પણ છું. ટૂંકા સમયમાં બગડી જતાં મોહનથાળના વિકલ્પે ચિક્કી પણ પ્રસાદ તરીકે પૌષ્ટિક અને લાંબો સમય ટકે છે. આપણે ત્યાં 'સીંગ સાકર' ભગવાનના પ્રસાદની પરંપરા છે. ભાજપા સરકાર સર્વધર્મ અને સંપ્રદાયનું સન્માન કરે છે. મારા નિવેદનથી લાગણી દુભાઈ હોયતો દિલગીર છું. જોકે ખાસ વાત એ છે કે, આ પહેલાં ડો. યજ્ઞેશ દવેએ ગઈકાલે પણ આ વાતને લઈને એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેઓ મોહનથાળના પ્રસાદને બંધ કરવાના વિરોધમાં હતા. તેમણે લખ્યું હતું કે, એક બ્રાહ્મણ તરીકે મારી અંગત લાગણી છે કે અંબાજી મંદિરમાં મોહનથાળનો જ પ્રસાદ ચાલુ રાખવો જોઈએ ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ.
ડાકોર જતા માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર
ડાકોરમાં ફાગણી પૂનમનાં દર્શનનું અનેરું મહત્ત્વ છે. આ દિવસે દર્શનનો લાભ લેવા ગુજરાતનાં ગામે ગામથી શ્રદ્ધાળુઓ તથા પદયાત્રીઓ લાખોની સંખ્યામાં ઊમટી પડે છે. ત્યારે ફાગણી પૂનમના મેળામાં પહોંચવા માટે ડાકોર જતા રસ્તાઓ 'જય રણછોડ' ના નાદથી ગૂંજી રહ્યા છે. રાસ્કાથી ખાત્રજ ચોકડી, સિહુંજ ચોકડી, મહુધા, અલીના અને ત્યાર બાદ ભક્તો ડાકોર પહોંચે છે. ડાકોરના ઠાકોરનાં દર્શને આવી રહેલા ભક્તોની સુવિધા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત કુલ 9 સ્થળોએ મેડિકલ બૂથ અને 5 પ્રાથમિક સારવાર કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. સાથે જ ભક્તોની સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા લગેજ સ્કેનર, સીસીટીવી સર્વેલન્સ તથા નેત્રમ કેમેરાની મદદ લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.