• Gujarati News
  • Local
  • Gujarat
  • What Did The Minister Of State For Home Say About The Sale Of Chinese Lace? Where Else Will The Asiatic Lion Be Found In South Gujarat Except Gir?

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:ચાઇનીઝ દોરી અંગે ગૃહ રાજ્યમંત્રીએ શું કહ્યું? ગીર સિવાય હવે ગુજરાતમાં ક્યાં જોવા મળશે એશિયાટિક સિંહ?

20 દિવસ પહેલા

ફ્લાવર શોમાં લોકોનો જમાવડો

અમદાવાદમાં ફ્લાવર શોમાં લોકોનો જમાવડો જોવા મળ્યો. એમાં રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ફ્લાવર શો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અન્ય શહેરોમાંથી પણ લોકો ફ્લાવર શો નિહાળવા પહોંચ્યા છે. 8 દિવસમાં ફ્લાવર શોની 5.5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે તેમજ અત્યારસુધીમાં 2.80 લાખ ટિકિટનું વેચાણ થયું છે. ઉલ્લેખનીય છે કે સ્કૂલના 1.50 લાખ વિદ્યાર્થીએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે તેમજ અટલબ્રિજની 1.80 લાખ ટિકિટનું વેચાણ થયું છે. તો શહેરના ફ્લાવર શોમાં ગઈકાલે રવિવારે લોકોનો જમાવડો થયો હતો, જેમાં દૂર-દૂર સુધી માનવ મહેરામણ જોવા મળ્યો હતો તથા રવિવાર હોવાથી ફ્લાવર શોમાં લોકોની ભીડ થતાં કલાકો સુધી લોકો કતારોમાં ઊભા રહ્યા હતા.

ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સની સ્ટેન્ડિંગ કમિટીમાં શંકર ચૌધરીની નિયુક્ત

રાજ્યના વિકાસમાં વિધાનસભાગૃહમાં થતી ચર્ચાઓ મહત્ત્વની હોય છે. એ અંતર્ગત સંસદીય કાર્યપ્રણાલી પ્રજાલક્ષી અને પરિણામલક્ષી બનાવવાના હેતુસર ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સની કોન્ફરન્સ જયપુર ખાતે યોજવામાં આવી છે. લોકસભાના અધ્યક્ષ દ્વારા કોન્ફરન્સના સંચાલન અને આયોજન માટે સ્ટેન્ડિંગ કમિટી ફોર ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સની રચના કરવામાં આવેલી છે. એ કમિટીના સભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના નવનિયુક્ત અધ્યક્ષ શંકર ચૌધરીને નિયુક્ત કરવામાં આવ્યા છે.

ધરમ પેલેસ ખાતે કુપોષિત બાળકોને પ્રોટીન કિટનું વિતરણ

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના 38મા જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરી હતી તેમજ આપત્તિ સમયે હરહંમેશ પ્રજાની વચ્ચે, પ્રજાની સાથે ખડેપગે ઊભા રહેતાં અને કોવિડ સમયે દિવસરાત જોયા વગર શહેરીજનોની અદ્ભુત સેવા કરી જનમાનસમાં અનોખી છાપ ઊભી કરનાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ ક્રાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. એ અંતર્ગત ગઈકાલે ધરમ પેલેસ ખાતે કુપોષિત બાળકોને પ્રોટીન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાતમાં સાંભળવા મળશે એશિયાટિક સિંહની ડણક

એશિયાટિક સિંહની ડણક સામાન્ય રીતે ગીરમાં સાંભળવા મળે છે. જંગલમાં વિહરતા સિંહોને જોવા માટે દુનિયાભરથી પ્રવાસીઓ ગીરની મુલાકાત લે છે. જોકે હવે દક્ષિણ ગુજરાતના લોકો માટે ગીર સુધી લાંબા નહીં થવું પડે. વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીમાં બનાવેલા લાયન સફારીમાં સિંહને વિહરતા જોઈ શકાશે. પાટનગર સેલવાસથી 12 કિલોમીટર દૂર આવેલા વાસોણા લાયન સફારી પાર્કમાં ગુજરાતમાંથી ત્રણ સિંહ લાવવામાં આવ્યા છે.

ચાઇનીઝ દોરીના વેચાણ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું મહત્ત્વનું નિવેદન

ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે ગઈકાલે તેમના શુભેચ્છકો દ્વારા શહેરમાં અનેકવિધ સામાજિક કાર્યક્રમો કર્યા હતા. આ કાર્યક્રમમાં હાજરી આપતા સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણ પર્વને લઈ ચાઈનીઝ દોરા સામેની પોલીસની ઝુંબેશ વિશે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. એમાં હાલ ઉત્તરાયણ પર્વને લઈ ચાઈનીઝ દોરીના વેચાણ પર ગુજરાત પોલીસ કડક વલણ અપનાવી રહી છે. એની પર હર્ષ સંઘવીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે ગુજરાતના ઉત્તરાયણ પર્વમાં સૌકોઈ લોકોએ ભાગ લેવો જોઈએ. સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જવું જોઈએ. ઉત્સાહ ઉમંગના આ તહેવારમાં સૌકોઈ એકબીજાને આનંદ આપવો જોઈએ, પરંતુ ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરીને કોઈનો જીવ જોખમમાં મુકાય એવું ન કરવું જોઈએ. ઉત્તરાયણમાં પેચ ભાઈબંધીમાં હોવા જોઈએ. કોઈનું ગળું કપાય એવા શોખ ન હોવો જોઈએ. જેથી ગુજરાત પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરનાર સામે ઝુંબેશ ઉપાડવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાઈનીઝ દોરી વેચનાર સામે પોલીસ કડક વલણ અપનાવી રહી છે. આવા લોકોને પકડીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે તમામ ગુજરાતનાં પ્રજાજનોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વમાં એવું કોઈ કામ ન કરો, જેનાથી કોઈના પરિવારનો માળો વિખાઈ જાય. કોઈના ભાઈ, કોઈના પિતા કે કોઈના ઘરના મોભીનું મૃત્યુ થાય.

ધોલેરા સિક્સ લેન હાિવે પર અકસ્માત

અમદાવાદના ધોળકા ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ડમ્પરની અડફેટે બાઈકસવાર 3 લોકોનાં મોત નીપજ્યાં છે, જોકે ઘટનાની જાણ થતાં પોલીસકાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદહેને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે અકસ્માત સર્જાતાં ડમ્પરચાલક ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો.

પાંચ વર્ષ પહેલાંના ઝઘડાનું વેર વાળ્યું

સુરેન્દ્રનગરની વિમલનાથ સોસાયટી પાસે જૂની અદાવતમાં એક આધેડની ક્રૂરતાપૂર્વક હત્યા નિપજાવાતાં ચકચાર મચી છે. પાંચ વર્ષ પહેલાં થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ સગાભાઈએ મળી આધેડની હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હત્યારાઓએ ક્રૂરતાપૂર્વક તીક્ષ્ણ હથિયારોના ઘા મારી મૃતકનો એક હાથ પણ કાપી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...