હોસ્પિટલમાં ડબલ મર્ડર
અમદાવાદના ભૂલાભાઈ ચાર રસ્તા પાસેની કર્ણ હોસ્પિટલમાં એકસાથે બબ્બે હત્યા થઈ હતી, જેમાં માતા અને દીકરીને મોતને ઘાટ ઉતારનાર બીજું કોઈ નહીં, પરંતુ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો મનસુખ નામનો વ્યક્તિ હતો. હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવેલા દર્દીની સસ્તામાં સારવાર કરી આપવાના બહાને તેનાથી કાચું કપાતાં એક નહીં, પરંતુ બબ્બેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કમ્પાઉન્ડરે દર્દીનું એટલે કે ભારતી નામની યુવતીનું ઓપરેશન 30 હજારને બદલે માત્ર 5 હજારમાં કરી આપવા માટે આખો કારસો રચ્યો હતો. એમાં પહેલાં તેણે દર્દીની માતા અને તેને પોતાની જાળમાં ફસાવ્યા હતા. ત્યાર બાદ હોસ્પિટલ શરૂ થવાના કલાક પહેલાં હોસ્પિટલમાં ઓપરેશન માટે બોલાવીને એનેસ્થેસિયાના ઓવરડોઝ આપતાં યુવતીનું તરફડીને મોત થતાં તેની માતાની હત્યાને અંજામ આપ્યો હતો. સમગ્ર હત્યાકાંડમાં કપાઉન્ડર અન્યને પણ આવી રીતે ખોટી રીતે ઓપરેશન કરીને જીવ જોખમમાં મૂક્યા હોવાની શક્યતા છે. આ સમગ્ર હત્યાકાંડમાં દિવ્ય ભાસ્કરે ઈન્વેસ્ટિગેશન કરતાં ચોંકાવનારી વિગત સામે આવી હતી. આરોપી દેવાંના ડુંગરમાં ફસાયેલો હોવાનું સામે આવ્યું છે, જેને પગલે તેણે લોકોના જીવને જોખમમાં મૂકીને સસ્તામાં ઓપરેશન કરી આપતો હોવાનું સામે આવ્યું છે. ડોક્ટર જે ઓપરેશનના 30 હજાર ચાર્જ કરતા તેને મનસુખ 5 હજારમાં જ કરી દેતો. એટલે જે લોકો ડૉક્ટરની ફી સાંભળીને ભાગતા હોય તે મનસુખનો શિકાર બનતાં.
ગોંડલ અને રીબડા જૂથ ફરી સામસામે
ગોંડલ તાલુકાના રીબડા ગામે મોડી સાંજે પટેલ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે તણખલાં ઝરતાં મામલો બિચક્યો હતો અને જિલ્લાભરની પોલીસ રીબડા અને ગોંડલ ખાતે ગોઠવાઈ ગઈ હતી. રીબડા, ગુંદાસરા અને સડક પીપળિયા ગામના લોકો ગોંડલ જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને દોડી આવતાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાવા પામી હતી. ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા અમિત ખૂંટ નામના યુવાને જણાવ્યું હતું કે, 'મારા લમણે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ સહિતના લોકોએ બંદૂક રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંદૂકની નાળ ત્રણ-ચાર વખત છાતીમાં મારી ધાકધમકી આપવામાં આવી હતી, જ્યારે એક દિવસ અગાઉ રીબડા ગામમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હાજરીમાં પટેલ સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. જે કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજાએ રીબડા જૂથ પર આકરા પ્રહાર કર્યા હતા. એના બીજા જ દિવસે પટેલ યુવક પર હુમલાની ઘટના ઘટી હતી, જેથી હાલ મામલો ગરમાયો છે. એની વચ્ચે આજે ગુરુવારના રોજ રીબડામાં સાંજે મહાસંમેલન યોજાવાની જાહેરાત જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.
ભાવનગરના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ
કોરોનાએ હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે ચીનથી પરત ફરેલા ભાવનગરના એક વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ એલર્ટ બની ગયો છે. ચીનથી પરત ફર્યા બાદ વેપારીનો રેપિડ ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 'કોવિડનું સંક્રમણ ન ફેલાય એ માટે જરૂરી પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. છેલ્લા 21 દિવસમાં કોવિડનો એકપણ પોઝિટિવ કેસ ન હતો, પરંતુ ગતરોજ ચાઈનાથી પરત ફરેલા એક વેપારીએ કોવિડ ટેસ્ટ કરાવતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આથી હેલ્થ વિભાગે આ વેપારીને ક્વોરન્ટીન કરી સારવાર શરૂ કરી છે, એ સાથે આ વ્યક્તિના સંપર્કમાં આવેલી વ્યક્તિઓ અને પરિવારજનોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે.' તો બીજી તરફ, ભાવનગર તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં કોવિડ ટેસ્ટની સંખ્યા વધારવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.
પૂર્વ પ્રેમીએ યુવતીને ગળા પર ઝીંક્યા કટરના ઘા
સુરતમાં ફરી એક વખત ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ જેવી થતી રહી ગઈ છે. પ્રેમીની કાયમી કચ કચથી યુવતી ત્રાસી જતા તેણે સંબંધ તોડી નાખ્યો હતો. જેને લઈ પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળે કટર ફેરવી દઈ ફરાર થઈ ગયો હતો. સચિનમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના ગળા પર સરા જાહેર કટર ફેરવી નાખ્યું હતું. જેથી યુવતીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, 'ગુજરાતમાં આ પ્રકારની કોઈ પણ ઘટના હોય તેમાં ગંભીરતાથી પગલાં લેવાશે. સચિન પોલીસે ગણતરીના કલાકોમાં પાગલ પ્રેમીની ધરપકડ કરી છે. પ્રેમીની કાયમી કચકચથી યુવતી ત્રાસી જતા તેણે સંબંધ તોડી નાખ્યો હતો.
ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે. આ ઉપરાંત આગામી 5 દિવસ વરસાદની કોઈ આગાહી નથી. હાલમાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 8 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તો અમદાવાદમાં 12 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 11 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. આગામી 3 દિવસમાં હજુ 2 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. ઉતરી પવન ફૂંકાવાની શરૂઆત થતા તાપમાન ગગળ્યું છે. જોકે હજુ પણ બપોરે પારો વધુ રહેતા બેવડી ઋતુનો અનુભવ થશે.
CMનું મંત્રીઓ માટે નવું ટાઈમટેબલ
રાજ્યમાં નવી સરકાર સચાયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનો માટે કડક નિયમો બનાવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ માટે આખા અઠવાડિયાનું આયોજન ઘડી ટાઈમટેબલ બનાવ્યું છે.જેમાં હવેથી માત્ર સોમવારે જ સામાન્ય મુલાકતીઓ માટે સમય ફાળવવામાં આવશે. ઉપરાંત દર મંગળવાર MLA અને તેમની સાથે મુલાકાતી માટે અનામત રાખવામાં આવ્યો છે. તમામ પ્રધાનો બુધવારે કેબિનેટ બાદ cm ને મળી શકશે. શુક્રવાર સાંજ સુધી તમામ મંત્રીઓએ મંત્રાલયમાં રહેવું પડશે. વધુમાં મુલાકાતીઓએ મુલાકાત વેળાએ પોતાના મોબાઈલ બહાર જમા કરાવવા પડશે.પ્રધાનોએ પોતાના વિભાગની સતત બેઠક કરવા અંગે પણ ઉચ્ચ કક્ષાએથી સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.ગુડ ગવર્નન્સની વાતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ સંકુલમા રજૂઆત કરવા આવતા મંત્રીઓ, લોકો માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુખ્યમંત્રી અને મંત્રીઓ મળવા માટે પહોંચતા હોય છે. જેથી કામમાં અવરોધ ઉભા થતા હોવાથી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
રખડતા ઢોરોનો આતંક યથાવત
રાજ્યમાં રખડતા ઢોરનો આતંક ફરી સામે આવ્યો છે. પાટણમાં રખડતા ઢોરે ભાજપના નેતાને અડફેટે લેતાં હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. પાટણ ભાજપનાં પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ રખડતા ઢોરનાં હુમલાનો શિકાર બન્યા હતા. તેમને રખડતા ઢોરે અડફેટે લેતા હોસ્પિટલ ખસેડયા હતા. તેઓ રતનપોળ વિસ્તારમાંથી પસાર થતાં હતા ત્યારે હુમલો થયો હતો. સુરેશ પટેલ ખુદ પાટણ નગર પાલિકાના છે પૂર્વ સુધરાઈ સભ્ય રહી ચુક્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.