• Gujarati News
  • Local
  • Gujarat
  • What Did The High Court Reprimand The Government In The Matter Of Pollution In The River?, See Where The Cold Mercury Will Reach After Two Days

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન:ઉત્તરાયણમાં ઠંડી ભુક્કા બોલાવશે, પોલીસ અને બુટલેગરો વચ્ચે ક્યાં ધબાધબી બોલી? સરકારને કોણે ઠપકો આપ્યો?

એક મહિનો પહેલા

નદીમાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટનો રાજ્ય સરકાર અને GPCBને ઠપકો

અમદાવાદની સાબરમતી નદીમાં અવાર-નવાર પ્રદૂષિત પાણી ઠલવાતું હોવાની ઘટના સામે આવતી હોય છે. જોકે હજી પણ સાબરમતી નદીને પ્રદૂષિત કરવાનો ખેલ યથાવત્ જ છે. જેને લઈ હવે ગુજરાત હાઇકોર્ટે પણ રાજ્ય સરકાર અને GPCBને ઠપકો આપ્યો છે. આ સાથે હાઈકોર્ટે કહ્યું છે કે, સાબરમતી નદીનું પાણી હજુ પણ પ્રદૂષિત છે તે મામલે સરકાર યોગ્ય પગલાં લે તે જરૂરી છે. હાઇકોર્ટે સરકારને ઠપકો આપ્યા બાદ સરકારે પણ જવાબ આપ્યો હતો. સરકારે કહ્યું હતું કે, CETP પ્લાન્ટનું કામ 90% પૂર્ણ થયું છે. જોકે હવે બાકીની કામગીરી આગામી 6 મહિનામાં પૂર્ણ થશે. મહત્ત્વનું છે કે, આગામી સુનાવણી 13 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

AMCમાં વિપક્ષ નેતાને લઈ કોંગ્રેસમાં કકળાટ

AMCના વિપક્ષ નેતાને લઈ કોર્પોરેટરમાં વિરોધ ભભૂકી રહ્યો છે. AMC વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની એક વર્ષની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે, આથી ગઈકાલે 10 કોર્પોરેટરો વચ્ચે ખાનગી બેઠક મળી હતી. જેમાં એક સિનિયર કોર્પોરેટરને તક આપવા ફોર્મ્યુલા નક્કી કરી હતી. જેનું પાલન કરવા સિનિયર નેતાઓ એકસૂર થયા હતા. આથી વિપક્ષ નેતા બદલવા અંગે જગદીશ ઠાકોર સમક્ષ રજૂઆત કરાઈ હતી. મહત્ત્વનું છે કે ગઈકાલે વિપક્ષ નેતાની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે સિનિયર કોર્પોરેટર કમળાબેન ચાવડા,રાજશ્રી કેસરી, ઈકબાલ શેખ, તસ્લીમ ત્રીમિઝી, માધુરીબેન, હાજી મિર્ઝા સહિતનાઓએ આ મામલે જગદીશ ઠાકોરને રજૂઆત કરી હતી.

બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મંગળવારે અને બુધવાર તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. ઉત્તરાયણ પહેલાં ઠંડીનો ચમકારો ફરી એક વખત જોવા મળશે. 13 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે. 13 જાન્યુઆરીથી ત્રણ દિવસ તાપમાન ઘટતા ઠંડીનું જોર વધશે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી રહી શકે છે. ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 10 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે કેટલાંક સ્થળો ઉપર પવનની ગતિ 20 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. નલિયામાં પણ શીતલહેરની શક્યતા બની શકે છે.

ઉત્તરાયણને લઈને વડોદરા પોલીસે તૈયાર કર્યો એક્શન પ્લાન

ઉત્તરાયણના તહેવારને આડે હવે બે દિવસ જ બાકી છે, ત્યારે વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંહે જણાવ્યું છે કે, ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. રાજ્યભરમાં ચાઇનીઝ દોરી વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્તરાયણને લઈને પણ પોલીસે ખાસ પ્લાન બનાવ્યો છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે, 'ઉત્તરાયણના દિવસે શહેરભરમાં પોલીસની ટીમો ફરતી રહેશે અને ઘાતક માંજાનો ઉપયોગ કરનારાઓ પર બાજ નજર રાખશે. જો પોલીસની ટીમને ચાઇનીઝ દોરી અંગે માહિતી મળશે તો ટીમ ચોક્કસ ઘર, એપાર્ટમેન્ટ અને ટેરેસની તપાસ કરશે. આ દરમિયાન જો કોઈ વ્યક્તિ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરીને પતંગ ઉડાવતો જોવા મળશે તો તરત જ કાર્યવાહી કરવામાં આવશે.' વધુમાં તેમણે જણાવ્યું કે, આવા માંજાનો ઉપયોગ પક્ષીઓ અને માણસો બંને માટે જોખમી છે.

પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ

દાહોદ જિલ્લાના દેવગઢબારિયામાં પોલીસ અને બુટલેગરો વચ્ચે મોડી રાત્રે સામસામે ઘર્ષણ થયું હતું. સ્ટેટ વિજિલન્સની ટીમે રાત્રે 12 વાગ્યાના અરસામાં બુટલેગરનાં ઠેકાણાં પર રેડ પાડી હતી. આ દરમિયાન બુટલેગરોએ સામે ફાયરિંગ કર્યું હતું, જેના વળતા જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. પોલીસે રેડ દરમિયાન દારૂનાં બે મોટાં અને બે નાનાં વાહનો જપ્ત કર્યાં છે. ઉપરાંત મોટા પ્રમાણમાં દારૂ પણ જપ્ત કર્યાની માહિતી મળી રહી છે. આ ઘટનામાં પોલીસે હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ, સરકારી કામમાં રુકાવટ અને પ્રોહિબિશનની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સિટી બસ ભડકે બળી

સુરતના સાયણ ખાતે સિટી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બોનેટમાંથી લાગેલી આગ સમગ્ર બસમાં ફેલાઈ ગઈ હતી. DRGD હાઈસ્કૂલની સામે બસમાં લાગેલી આગ એટલી ભયાવહ હતી કે બાજુમાં રહેલો પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો. આગના પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, બસમાં સવાર 27 મુસાફરોનો ડ્રાઈવરની સમયસૂચકતાને પગલે આબાદ બચાવ થયો હતો.

વર્ચ્યુઅલ સેક્સમાં ફસાયા સિનિયર સિટિઝન

અમદાવાદમાં વીડિયો કોલ પર યુવતી સાથે વાત કરવી બિઝનેસમેનને ભારે પડી ગઈ છે. એક યુવતીએ બિઝનેસમેન સાથે વ્હોટ્સએપ પર વાત કરી હતી અને તેમને પોતાની જાળમાં ફસાવીને તેમની સાથે વર્ચ્યુઅલ સેક્સ કરવાની લાલચ આપી વીડિયો-ક્લિપ બનાવી લીધી હતી. ત્યાર બાદ આ બિઝનેસમેનને બ્લેકમેઇલ કરીને કરોડો રૂપિયા પડાવી લીધા હતા. આ ઘટના બાદ બિઝનેસમેને અમદાવાદ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...