• Gujarati News
  • Local
  • Gujarat
  • What Did The High Court Order To The Government Regarding The Use Of Chinese Cord? Look At The 'power' Of Chaitar Vasava Against The Lax Performance Of The Electricians.

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન:સુરતના પૉશ વિસ્તારના ભયાનક CCTV, બાએ ઊંચું જોયું ને યુવક 7મા માળેથી પડતો દેખાયો, વિધર્મી યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યું

એક મહિનો પહેલા

ચાઈનીઝ દોરીથી મોતથી હાઈકોર્ટ નારાજ

રાજ્યમાં ઉત્તરાયણ પર્વ નજીક છે, ત્યારે ગેરકાયદે ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી એક પિટિશનની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે કડક વલણ રાખ્યું હતું. તેમજ સરકારને બે દિવસમાં જ સોગંદનામું રજૂ કરીને જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો. એટલું જ નહીં, ચાઈનીઝ દોરી, ચાઈનીઝ અને નાયલોન દોરા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવું પૂરતું નથી, તેની અમલવારી જરૂરી છે તેવું હાઇકોર્ટે અવલોકન કર્યુ હતું.

વીજકર્મીઓની ઢીલી કામગીરીને લઈ AAPના ધારાસભ્યનો 'પાવર'

નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક્શન મોડમાં જોવા મળ્યા છે. પોતાના મતવિસ્તારમાં વીજળીની સમસ્યા મુદ્દે ચૈતર વસાવા વીજ કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં લોકોની હાજરીમાં ધારાસભ્યનો 'પાવર' બતાવ્યો હતો. ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તાર માટે મળતી ગ્રાન્ટથી લઈને વીજકર્મચારીઓનાં કામ અંગે ઢીલી નીતિ મુદ્દે સવાલો કર્યા હતા. તેમણે ધમકીના સ્વરમાં કહ્યું, 'વિજિલન્સવાળા ગામમાં પાંચથી છ વાગ્યે ચેકિંગ માટે ઘૂસે છે. જો પૂછ્યા વગર ગામમાં ઘૂસ્યા તો ગાડી પાછી નહીં નીકળવા દઈએ.' વધુમાં તેમણે કહ્યું, 'તમારી પાસે ચેકિંગ માટે ગાડીઓ છે સ્ટાફ છે, પરંતુ વીજ કનેક્શન આપવાની વાત આવે તો કહો છો સ્ટાફ જ નથી. માત્ર 20 ફૂટ સર્વિસ વાયર માટે ધક્કા ખાતા એક વૃદ્ધની સમસ્યા સાંભળીને પણ ચૈતર વસાવા રોષે ભરાયા હતા.'

જૈનોનું આંદોલન સમાધાન તરફ

જૈન તીર્થસ્થાન પાલિતાણામાં અસામાજિક પ્રવૃત્તિઓ સહિતના પડતર મુદ્દાઓ અંગે હવે જૈન સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. રવિવારે અમદાવાદ બાદ આજે સુરત સહિતનાં શહેરોમાં જૈન સમાજની જંગી રેલી નીકળી હતી. આ રેલીમાં એક લાખ જેટલા જૈનો ઊમટી પડ્યા હતા અને રોષ પ્રગટ કરી અને સરકારને પોતાની માગણીઓ સ્વીકારવા આહ્વાન કર્યું છે. સામે જૈન સમાજના આ પ્રશ્ન અંગે દિવ્ય ભાસ્કર દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે વાતચીત કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી દ્વારા આ અંતર્ગત મેરેથોન બેઠક પણ યોજવામાં આવી હતી. હવે આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, જૈન સમાજના પાલિતાણા સહિતના પ્રશ્નો ઉકેલવા સરકાર આગામી સમયમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની (SIT) રચના કરશે.

મિત્રતાના નામે વિધર્મી યુવકનું દુષ્કર્મ

રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં રાજકોટમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી મૂળ જામનગર પંથકની યુવતીને અમદાવાદના મુસ્‍લિમ યુવાન સાથે અમદાવાદમાં સાથે નોકરી કરી હોવાથી એ વખતની મિત્રતાને લીધે ભોળવી મળવા બોલાવી હતી. રાજકોટની હોટલમાં લઇ જઇ બળજબરીથી શરીર સંબંધ બાંધી તેનો દેહ અભડાવ્યો હતો તેમજ મોબાઇલમાં ફોટા-વીડિયો ઉતારી બાદમાં પોતાની સાથે ધરાર સંબંધ રાખવાનું કહ્યું હતું અને 'જો નહિ રાખે તો ફોટા વીડિયો વાઇરલ કરી દઈશ' એમ કહીને તેના પરિવારને પણ મોકલી આપશે, એવી ધમકી આપતાં યુવતીએ અંતે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

DB સમક્ષ ડોક્ટરે કહી ડોક્ટરોની પીડા

થોડા દિવસ પહેલાં અમદાવાદની બી.જે. મેડિકલમાં અભ્યાસ કરતા ઓર્થોપેડિકના રેસિડેન્ટ ડોક્ટર સાથે રેગિંગની ઘટના બની હતી. ત્રણ સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે 7 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરનું રેગિંગ કર્યું હતું. એક-બે વાર નહીં, પરંતુ સિનિયર્સ દ્વારા અવાર-નવાર જુનિયર ડોક્ટરને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. બે વિદ્યાર્થીને ગાલ ઉપર સતત તમાચા મારવાના કારણે કાનમાં બહેરાશ આવી હતી. આ બાબતે કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ પીડિત વિદ્યાર્થીઓ સહિત 42 જેટલા લોકોનાં નિવેદન લીધાં હતાં અને કસૂરવાર ત્રણ સિનિયર વિદ્યાર્થી પૈકી બેને ત્રણ સેમેસ્ટર અને એકને બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ કર્યા હતા. આ અંગે ડૉ મૌલિક ઠક્કરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચતીમાં જણાવ્યું હતું કે 6 રેસિડેન્ટ ડોક્ટરને 3 સિનિયર ડોક્ટર દ્વારા એડમિશન લીધું ત્યારથી જ હેરાન કરવામાં આવતા હતા. રેસિડેન્ટ ડૉક્ટરનું વૉર્ડમાં પોસ્ટિંગ હોય ત્યાં સિનિયર ડોક્ટર દ્વારા દર્દીઓ વચ્ચે તેમનું અપમાન કરવામાં આવતું હતું. 6 જુનિયરને તેમના સિનિયર ડોક્ટર રૂમમાં બેલ્ટ, બૂટથી માર મારતા હતા. તેમને સીટઅપ્સ કરાવવામાં આવતી હતી. સિનિયર ડોક્ટર પોતાનું વર્ચસ્વ જમાવવા અને જુનિયર ડોક્ટરથી થતી નાની-મોટી ભૂલો બદલ તેમને અપમાનિત કરીને મારતા હતા.

આપઘાતના હચમચાવતા CCTV

અમેરિકાથી ચાર દિવસ પહેલાં સંબંધીને ત્યાં આવેલા એનઆરઆઈ યુવકે સાતમા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવક ઘરમાં હતો ત્યારે સંબંધીઓને કહ્યું હતું કે હું કૂદી રહ્યો છે ને ગેલેરીમાંથી કૂદી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે માતા-પિતા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પરિવારજનો દ્વારા યુવકને ઈન્ડિયા ન જવા માટે કહેવા છતાં તે ભારત આવ્યો હતો. બારીમાંથી કુદ્યા બાદ તેમણે બહારના ભાગે પતરાંનો ભાગ પકડી લીધો હતો. જેથી ઘરના સભ્યોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો હાથ છટકી જતા તેઓ નીચે પટકાયા હતા જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

પાર્ક કરતાંની સાથે જ કાર ભડકે બળી

વડોદરાના સરદાર એસ્ટેટ પાસે આજે એક કારચાલક પોતાની કાર લઈને આવ્યો હતો અને એને ઊભી રાખી નીચે ઊતર્યો હતો. જેવો કારચાલક કારમાંથી નીચે ઊતર્યો કે કારમાં આગ લાગી ગઈ હતી અને સમગ્ર કાર ભડકે બળી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં તેનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, તેમજ કારમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...