• Gujarati News
  • Local
  • Gujarat
  • What Decision Was Taken In The Cabinet Meeting On The Paper Leak Case?, Know The Reason Behind The Success Of Students Who Beat Gujarat In JEE Mains, See 7 Big News

ગુજરાત મોર્નિંગ ન્યૂઝ બુલેટિન:જંત્રી મુદ્દે સરકાર ઝૂકવા માટે કેમ તૈયાર નહીં? પેપરલીક કેસમાં આખરે શું નિર્ણય લેવાયો? જુઓ 7 મોટા સમાચાર

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

22-26 ફેબ્રુઆરીએ માવઠું પડવાની સંભાવના

રાજ્યમાં તારીખ 22-26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાંની શક્યતા છે. રાજસ્થાનના દક્ષિણ ભાગ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. 26 એપ્રિલથી 45 ડીગ્રી પર તાપમાન રહેવાની શક્યતા છે. ગરમ પવન વધવાની પણ શક્યતા છે, પરંતુ જો તમે વિચારતા હશો કે હવે ઉનાળો સારો જાય તો સારું, તો તમે ખોટા છો, કારણ કે આ વર્ષે ઉનાળો આકરો બની રહેવાની શક્યતા છે. હવામાન-નિષ્ણાત અંબાલાલ પટેલે કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની પણ આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે કે 2023નો ઉનાળો આકરો બની રહેશે. એની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 19/20 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન એ સમયે 37 ડીગ્રી રહેવાની શક્યતા છે.

JEE મેઇન્સના પરિણામમાં ગુજરાતના ત્રણ વિદ્યાર્થીનો ડંકો

દેશમાં એન્જિનયરિંગમાં એડમિશન લેવા માટે JEE મેઈન્સની પરીક્ષા જાન્યુઆરીમાં લેવાઈ હતી, જેનું પરિણામ ગઈકાલે જાહેર થયું છે. આ પરીક્ષામાં અમદાવાદના 2 વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. અમદાવાદમાં કૌશલ વિજયવર્ગીયે ત્રણેય વિષયમાં સંપૂર્ણ માર્ક્સ મેળવી 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. હર્ષલ સુથારે ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં પૂરા માર્ક્સ મેળવ્યા છે અને 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. જ્યારે સુરતના નિશ્ચય અગ્રવાલે 99.98 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ત્રણેય વિદ્યાર્થી ભવિષ્યમાં IIT બોમ્બેમાં એડમિશન લઈને કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા ઈચ્છે છે. જોકે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે રોજની મહેનત અને પરિવાર અને શિક્ષકોના માર્ગદર્શનથી આ સફળતા પ્રાપ્ત કરી છે.

એરપોર્ટ પર US સહિતના ડેલિગેટ્સનું પરંપરાગત સ્વાગત

આગામી 9 અને 10 ફેબ્રુઆરીએ U-20 સિટી શેરપા ઇન્સેપ્શન બેઠકના આયોજન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભારતમાં પહેલીવાર U-20 બેઠક યોજાઈ રહી છે, જેમાં ગઈકાલથી 35થી વધુ દેશના પ્રતિનિધિઓ તથા દેશનાં વિવિધ રાજ્યના પ્રતિનિધિઓનું અમદાવાદમાં આગમન શરૂ થયું છે. અમદાવાદ એરપોર્ટ પર પરંપરાગત રીતે ભારતીય સંસ્કૃતિથી તમામ ડેલિગેટ્સનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે ગઈકાલે અમદાવાદ પહોંચેલા કેટલાક વિદેશી ડેલિગેટ્સોએ ગુજરાતી ગરબા અને દાંડિયાની રમઝટ બોલાવી હતી.

જામનગરમાં વિદેશી પક્ષીનું આગમન

સૌરાષ્ટ્રના પેરિસ ગણાતા જામનગરમાં વિદેશી પક્ષીઓનું આવનજાવન ઘણાં વર્ષોથી ચાલે છે. શિયાળામાં મોટી સંખ્યામાં સાત સમુંદર પાર કરીને પક્ષીઓ એક તરફ લાખોટા તળાવ તો બીજી તરફ બર્ડ સેન્ચુરી ખીજડિયા અભયારણ્ય ખાતે મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે. ત્યારે આ વખતે જામનગરના આંગણે અલભ્ય ધોળી ડોક ઢોંક પક્ષીનું આગમન થયું છે. 350થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ જામનગર જિલ્લાના દરિયાઇ કાંઠા વિસ્તારમાં શિયાળાની મોસમમાં આવી પહોંચ્યા છે. આ પક્ષીઓને જોવા માટે રાજ્યભરના સહેલાણીઓ પક્ષી અભયારણ્ય તેમજ દરિયાઈ વિસ્તારોમાં આવી રહ્યા છે.

પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી

પાટણના રાધનપુરમાં અપૂરતું અને દૂષિત પાણી મળતું હોવાની ફરિયાદ સાથે ગઈકાલે મહિલાઓએ પાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો હતો. પાટણના રાધનપુરમાં લોકોને અપૂરતું અને દૂષિત પાણીની ફરિયાદ છે. પાલિકા પીવાલાયક પાણી આપવામાં નિષ્ફ્ળ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગઈકાલે પાલિકાની સામાન્યસભા ચાલી રહી હતી ત્યારે જ કેટલીક મહિલાઓ સામાન્ય સભાખંડમાં પહોંચી હતી અને હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકાના શાસકોના ટેબલ પર બંગડીઓ મૂકી રોષ વ્યક્ત કર્યો હતો. અંતે, શાસકો તરફથી સમસ્યાના ઉકેલની ખાતરી અપાતાં મામલો શાંત પડ્યો હતો.

પેપરલીક કેસ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન

ગઈકાલે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટની બેઠક મળી હતી. એ બેઠકમાં સરકાર દ્વારા લોકોનાં હિતમાં અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે. બેઠક બાદ સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પેપરલીક કેસ મુદ્દે મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં પેપરલીક મામલે વિધાનસભાની અંદર 3થી 7 વર્ષની સજાવાળો કાયદો લાવવામાં આવશે અને પેપર પ્રિન્ટિંગથી લઈ પેપર લીક કરનારા તમામ લોકોને કડકમાં કડક સજા કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

જંત્રી મુદ્દે સરકાર પોતાના નિર્ણય પર અડગ

ગુજરાતમાં જંત્રીના નવા દર લાગુ કરવામાં આવતાં બિલ્ડર એસોસિયેશન અસંતુષ્ટ હોવાનો ઘાટ ઘડાયો છે. જંત્રીના નવા દર અમલી બન્યા બાદ કન્સ્ટ્રકશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને એમાંય ખાસ કરીને બિલ્ડરલોબી સળંગ બે દિવસમાં બે વખત મુખ્યમંત્રી સાથે બેઠક કરી ચૂકી છે. ગઈકાલે પણ અમદાવાદ બિલ્ડર એસોસિયેશન મુખ્યમંત્રી સાથે બેઠક કરવા પહોંચ્યું હતું, જેમાં જંત્રી બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી, જેમાં તેમને તાજેતરમાં જંત્રી કરાયેલા વધારા અંગે પુછાયેલા સવાલના ઉત્તરમાં જણાવ્યું હતું કે 4 ફેબ્રુઆરી બાદ દસ્તાવેજ અથવા સ્ટેમ્પ પેપર ખરીદાયા છે તેમને નવા દર લાગુ થશે, જોકે જંત્રીમાં કોઈ ફેરફાર થશે કે નહીં એ અંગે જણાવ્યું હતું કે સવારે મુખ્યમંત્રીએ વિવિધ ડેલિગેટ સાથે ચર્ચા કરી છે, એ સમયે અધિકારીઓ હાજર હતા, ચર્ચાના અંતે જે નિર્ણય થશે એની પછીથી જાણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...