• Gujarati News
  • Local
  • Gujarat
  • What Big Decision Did The Home Department Take On Traffic Rules?, How Much Did The Price Of Edible Oil Rise Again?, See 7 Big News

ગુજરાત ROUND-UP@7AM:ગૃહ વિભાગે ટ્રાફિકના નિયમો અંગે શું મોટો નિર્ણય કર્યો? રમતાં રમતાં બાળકી ત્રીજા માળેથી પટકાઈ, જુઓ 7 મોટા સમાચાર

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરના કોટડા વિસ્તારમાં સૈજપુર બોઘા વોર્ડના કાઉન્સિલરના ઘર પર હુમલો થયો, જેમાં કેટલાક અસામાજિક તત્વોએ કાઉન્સિલરના ઘર અને ઓફિસમાં તોડફોડ કરી ધંધો કરવા હપ્તો માગ્યો. આ શખ્સોનો આતંક સીસીટીવીમાં કેદ થયો હતો, જેના પગલે પોલીસે બે ફરિયાદ નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી હવે કોઈને ગણતા નથી.હથિયાર લઈને છકતા બનેલા ગુનેગાર કોઈની પાસે રૂપીયાના હપ્તા માંગે છે. લોકો એટલી હદે આરોપીઓથી ડરી ગયા કે તે લોકોને ધંધો વેપાર કરવા હપ્તો આપવો પડતો હતો. લોકો હપ્તો આપતા હતા પણ સૈજપુર બોઘા વોર્ડના કાઉન્સીલરના પતિએ હપ્તો ન આપતા લુખ્ખા તત્વો આવેશમાં આવી ગયા અને અહીં ઓફિસ તથા ઘર અને વાહનોમાં તોડફોડ કરી નાસી ગયા હતા .આરોપીઓ તો નાસી ગયા પણ તેઓનો આતંક કેમેરામાં કેદ થયો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમાં પોલીસે આઈએસઆઈના એજન્ટ સાથે સાઠગાંઠ ધરાવતા સુરતના યુવાનને ઝડપી પાડ્યો. દિપક સાળુંકે નામનો આ યુવાન પાકિસ્તાની એજન્સીને ભારતીય આર્મીની ગુપ્ત માહિતી મોકલતો હતો. પોલીસ દ્વારા દિપક સાળુંકેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેણે પોતાના ફેસબુક મેસેન્જર અને વોટ્સએપના માધ્યમથી પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈની હમીદ નામના ઈસમના સંપર્કમાં રહી ભારતીય સીમકાર્ડ મેળવી આપવા અને ભારતીય આર્મીની ઈન્ફ્રન્ટી, રેજિમેન્ટ, આર્ટીલરી અને બ્રિગેડની માહિતી મોકલી હતી. ભારતીય સેનાના વાહનોની મુવમેન્ટ અંગેની અતિગુપ્ત અને સંવેદનશીલ માહિતી મેળવી વોટ્સએપ મેસેજ અને કોલિંગથી શેર કરી હતી. આ માહિતીના અવેજ તરીકે હમીદ તરફથી જુદા જુદા ઈસમોના બેંક એકાઉન્ટ મારફતે રોકડા રૂપિયા અને બાયનાન્સ મારફતે USTDનું ટ્રાન્જેક્શન કરી અત્યાર સુધીમાં 75,856 રૂપિયા મેળવ્યા છે.

એક્શન મોડમાં ગૃહ વિભાગ

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળતાની સાથે જ સૌ પ્રથમ ટ્રાફિક વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ટ્રાફિકના નિયમોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં રાજ્ય સરકાર ટ્રાફિકના નિયમોમાં સુધારા લાવવા માટે ટ્રાફિક પોલિસી અમલી બનાવાશે.

પોલિસી અંતર્ગત 36 પેરામીટર્સ સુધારાશે
વર્તમાનમાં ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને રોકીને દંડ વસૂલ કરે છે પરંતુ ટેકનોલોજીની મદદથી વાહન ચાલકોને રોક્યા વગર જ દંડ કરવાનું આયોજન સરકાર કરી રહી છે. નવી પોલીસી અંતર્ગત ટ્રાફિક નિયમોમાં 36 પેરામીટરનો સુધારો કરવામાં આવશે અને વાહન ચાલકોને રોડ ઉપર ઉભા રાખવામાં નહીં આવે. આ ઉપરાંત જેટલા પણ ટ્રાફિક સિગ્નલ બંધ પરિસ્થિતિમાં છે તે તમામ ટ્રાફિક સિગ્નલને શરૂ કરવામાં આવશે સાથે જ રાજ્ય સરકાર દ્વારા જે જગ્યાએ ટ્રાફિકના સંચાલન માટે વધુ પોલીસ ફોર્સ મૂકી છે અને જે જગ્યા ઉપર ઓછી પોલીસ ફોર્સ કાર્યરત મૂકી છે ત્યાં અકસ્માતમાં વધારો થયો કે ઘટાડો થયો? ટ્રાફિકનું સંચાલન કઈ રીતે થઈ રહ્યું છે? તે તમામ બાબતની ચર્ચા કરીને રિવ્યુ પણ કરવામાં આવશે. ગુજરાતના વાહન ચાલકોને કોઈ પણ તકલીફ અને મુશ્કેલીઓ ન આવે તે રીતે આ પોલિસી અંતર્ગત જોગવાઈ કરવામાં આવશે તેમજ દંડની રકમમાં સુધારો કરવામાં આવશે.

હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી

અમરેલીની શાંતાબા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓપરેશન બાદ 25 દર્દીની આંખોની રોશની જતી રહી હોવાનું મોટો આરોપ સામે આવ્યું છે. જે બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તો બીજી તરફ સંમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આર એમ જીતિયાનો ખુલાસો પણ સામે આવ્યો છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યો છે તેમણે કહ્યું કે, 'શાંતા બા મેડિકલ હોસ્પિટલમાં 4 દિવસમાં 17 ઓપરેશન થયા હતાં જેમાં 17 ઓપરેશનમાંથી 12 દર્દીઓને ઈન્ફેક્શન થયું છે. સુડો મોનાર્ક બેક્ટેરિયાના કારણે ઈન્ફેક્શન થયાનુ પ્રાથમિક કારણ જણાય છે અને બે દર્દીઓ સાજા થયા છે અને 6 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.'

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

બાળકો ઘર કે ગેલેરીમાં રમતા હોય છે અને વાલીઓ પોતાના કામમાં તલ્લીન થઈ જતા હોય છે. ત્યારે આવા વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતના પાંડેસરા ભગવતી નગર પાસે રહેતા દીપકકુમાર પ્રસાદની 5 વર્ષીય બાળકી અપ્રીતિ ઘરની ગેલેરીમાં રમી રહી હતી. આ વેળાએ તે અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. બાળકી નીચે પટકાતા ત્યાં દોડધામ મચી જવા પામી હતી. બીજી તરફ બાળકીને માથા તથા કપાળ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. બાળકીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો

ગૃહિણીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે. સિંગતેલમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે. ભાવવધારા બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2650 રૂપિયાથી વધીને 2670એ પહોંચ્યો છે. જોકે, આ વચ્ચે એક રાહતના સમાચાર પણ છે. કપાસિયા તેલના ભાવમાં ફરી ઘટાડો થયો છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

PM કરાવશે શતાબ્દી મહોત્સવનો પ્રારંભ

સંત પૂજ્ય શ્રી પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણ નગર ઉભુ કરવામાં આવ્યું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થશે. સાંજના 5થી 7.30 વાગ્યા સુધી ઉદ્ઘાટન સમારોહ ચાલશે.

અન્ય સમાચારો પણ છે...