• Gujarati News
  • Local
  • Gujarat
  • Two Rickshaws Collided In Vadodara And Alcohol Spilled On The Road, Where Will HD CCTV Be Installed In Ahmedabad To Prevent Over Speeding?

ગુજરાત ઈવનિંગ ન્યૂઝ બુલેટિન:પતંગની દોરીએ વધુ એક યુવકનું ગળું ચીરી નાખ્યું, અમદાવાદમાં આ કેમેરા રાખશે ઓવર સ્પીડિંગ પર નજર

18 દિવસ પહેલા

અમદાવાદમાં લાગશે 6 હજાર હાઇડેફિનેશન CCTV
અમદાવાદના એસજી હાઇવે પર આવેલા તમામ ઓવરબ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા નહીં હોવાના કારણે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપીને નાસી જનાર વાહનચાલકોને ઝડપી પાડવા પોલીસ માટે અશક્ય હતું પરંતુ હવે હાઇડેફિનેશનના સીસીટીવી કેમેરા લગાવવાની કવાયત હાથ ધરાતાં આવનારા દિવસોમાં અકસ્માત કરીને નાસી જતા વાહનચાલકોને જેલમાં જવાના દિવસો આવી જશે. એસજી હાઇવેના તમામ ઓવરબ્રિજને સીસીટીવી કેમેરાથી આવરી લેવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત સોલા સિવિલ હોસ્પિટલ પાસે આવેલા ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ પણ થઇ ગયા છે.

રિક્ષા અથડાઈ અને રસ્તા પર દારૂ વહ્યો
વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે મુખ્ય માર્ગ પર બે રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં દારૂ ભરેલી રિક્ષા પલટી ખાતાં રોડ ઉપર દારૂની રેલમછેલ થઇ ગઈ હતી. આ ઉપરાંત એક યુવતી રિક્ષામાંથી નીચે પટકાઈ હતી. આ યુવતીને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાના CCTVમાં સામે આવી છે. આ સમયે રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારીઓએ દારૂ ભરીને જતા રિક્ષાચાલકને સ્થળ પરથી દબોચી લીધો હતો અને ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. આ બનાવની જાણ ગોરવા પોલીસને કરતાં પોલીસ દોડી આવી હતી અને ખેપિયાને 48 નંગ દારૂની બોટલો સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

US રિટર્ન દાદા-દાદીનો આપઘાતનો પ્રયાસ
અમદાવાદના મકરબા અંડરપાસ પાસે આવેલા ઓર્ચિડ એક્ઝોટિકા એપાર્ટમેન્ટમાં રહેતાં વૃદ્ધ દંપતીએ પોતાના હાથ અને ગળાના ભાગે ચપ્પુ વડે ગંભીર ઇજા પહોંચાડી હતી, જેમાં 69 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 73 વર્ષના દાદાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવની જાણ થતાં સરખેજ પોલીસે હાલ આ બનાવ પાછળનું કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે એફએસએલ અને અન્ય એક્સપર્ટ પાસેથી અભિપ્રાય મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

સ્કૂલની છત ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી
વડોદરા જિલ્લાના ડભોઈ મહુડી ભાગોળમાં આવેલી સુંદરકૂવા પ્રાથમિક શાળામાં 2001માં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલી ફાઇબર રૂમની છત ધરાશાયી થઈ ગઈ હતી. સદભાગ્યે રિસેસનો સમય હોવાના કારણે 25 જેટલા વિદ્યાર્થીઓ રૂમની બહાર હોવાથી આબાદ બચાવ થયો હતો. આ બનાવના પગલે વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આ ઘટનામાં જવાબદાર તંત્રની સ્પષ્ટ નિષ્કાળજી સામે આવી છે.

આપઘાત રોકવા અનોખો પ્રયોગ
તમે બેંકમાં દાગીના મૂકવા લોકરો જોયાં હશે અને ઉપયોગ પણ કર્યો હશે, પરંતુ કોઈ કહે કે જંતુનાશક દવા મૂકવા માટે લોકરો બનાવવામાં આવ્યાં છે, તો તમને માનવામાં આવશે? વિશ્વાસ નથી આવતો ને, તો કડી તાલુકાના ડાંગરવા ગામે સોના-ચાંદીના દાગીના લોકરમાં મૂકતા હોય એવી જ રીતે આ ગામની અંદર જંતુનાશક દવા મૂકવા માટે બેંક બનાવવામાં આવી છે, લોખંડનાં લોકરો બનાવવામાં આવ્યાં છે, જેનો ઉપયોગ ગામના ખેડૂતો કરી રહ્યા છે. ગામમાં કોઈ ઝેરી અને જંતુનાશક દવા ન પીવે એ માટે ગામની અંદર છેલ્લાં ત્રણ વર્ષથી ગ્રામપંચાયત અને એક ખાનગી કંપનીના સહયોગથી જંતુનાશક દવાઓ માટે સામૂહિક સંગ્રહ કેન્દ્ર નામથી લોકર ચાલી રહ્યાં છે.

રાજકોટમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ
રાજકોટમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં કરવામાં આવ્યું છે. જેમાં દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેવા માટે પહોંચ્યા છે. અલગ અલગ 16 દેશની અને ભારતનાં જુદાં જુદાં 7 રાજ્યમાંથી 160થી વધુ પતંગબાજોએ ભાગ લીધો છે. વિદેશી પતંગબાજો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. અલગ અલગ યુનિક ફેન્સી પતંગો પતંગબાજો ઉડાવી રહ્યા છે. રાજસ્થાનના ઉદયપુરના પતંગબાજ શાહબાઝ ખાને G-20 સમિટને પ્રમોટ કરતી એકસાથે 250 પતંગ ઉડાવતા આકર્ષણનું કેન્દ્ર બની હતી. નાયલોન અને રેશમની દોરી સાથે મિક્સ કરી પતંગ ઉડાવી હતી.

પતંગની દોરીએ વધુ એકનો જીવ લીધો
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. તે પહેલા જ નડિયાદમાં પતંગની ઘાતક દોરીના કારણે એક ઘરનો ચિરાગ બુઝાયો છે. આણંદનો યુવાન મિત્રને મળવા નડિયાદ આવ્યો અને મિત્રનું મોટરસાઇકલ લઈને બજારમાં નીકળ્યો હતો. આ દરમિયાન શહેરમાં સરદારનગર વિસ્તારમાં ગળાના ભાગે દોરી ભરાઈ જતાં ગળાની નસ કપાઈ ગઈ હતી. આ બનાવમાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...